રાધે તારા ડુંગરિયા પર/શ્રીધામ નવદ્વીપ
ભોળાભાઈ પટેલ
નિધુવનથી નદિયા * નદિયાર ચાંદ,
પાંદડું એક તમાલનું પાંદડું એક નીમનું
માયાપુર * ચંદ્રોદય * મંદિર
વૃન્દાવનના નિધુવનમાં શ્રીરાધા અને મદનમોહન શ્રીકૃષ્ણ એક વાર કુસુમશય્યામાં નિદ્રામગ્ન હતાં. શ્રીરાધાએ સ્વપ્નમાં જોયું કે ગૌરવર્ણના એક તરુણ સન્યાસીના રૂપથી આકર્ષાઈ પોતે પોતાનું સર્વસ્વ તેને સોંપવા તૈયાર થઈ ગઈ છે. એકાએક તેની ઊંઘ ઉડી ગઈ. ઉન્મત્ત એવી તેણે શ્રીકૃષ્ણને ઢંઢોળીને જગાડ્યાઃ
‘હે જીવનવલ્લભ, ઊઠો જાગો. તમારી રાધાને કોઈ ચોરી જાય છે.’
આવેગકંપિત કિશોરી રાધાનાં વચનથી ગાવિંદ જાગી ગયા. પ્રેયસીને ગળે લગાડી, પછી તેનો ચિબુક ધરી બોલ્યા, ‘રાધે, સ્વપ્નમાં જેના જગન્મોહન રૂપે તને પાગલ કરી છે, ઓ રે, એ રૂ૫ તો મારું જ છે. પેલો તરુણ સંન્યાસી તો હું જ. કલિયુગમાં આ વૃન્દાવન ત્યજીને નદિયામાં મારે ગૌર બનીને અવતરવું પડશે, કેમ કે આ વૃન્દાવનમાં તું કુલવધૂ હોવા છતાં કુલધર્મ ત્યજી, બધી લોકલાંછના સહી મારી પ્રત્યેના ગાઢ અનુરાગથી પ્રત્યેક રાતે આ નિધુવનની નિભૃત કુંજમાં દોડી આવે છે. મારા મિલનથી તારા પ્રાણને જે સુખ થાય છે અને મારા વિરહથી તારા પ્રાણને જે વ્યથા પહોંચે છે અને તું પ્રેમોન્માદિની બની ‘હા, કૃષ્ણ’ કહી રુદન કરે છે એ રુદનમાં કેવી તો શાંતિ છે, તેની અનુભૂતિ હજી મારે બાકી છે.’
બંગાળના વૈષ્ણવભક્તોમાં એવો વિશ્વાસ છે કે ‘વૃન્દાવન- નાગર’ શ્રીકૃષ્ણે ‘નદિયાનાગર’ ગૌરાંગ રૂપે આજથી ૫૦૦ વર્ષ પહેલાં નદિયામાં અવતાર લીધો. ગંગાકિનારે વસેલું નદિયા અથવા નવદીપ એ વખતે બાજુના ગામ શાન્તિપુર સાથે સંસ્કૃત વિદ્યાનું, વિશેષે નવ્ય ન્યાય અને વ્યાકરણવિદ્યાનું કેન્દ્ર હતું.
આ ગૌરાંગ અથવા ચૈતન્ય અવતારમાં શ્રીકૃષ્ણનો એકીસાથે રાધા અને કૃષ્ણના યુગલ રૂપે આવિર્ભાવ થયો ગણાય છે. દામોદર નામના એક વૈષ્ણવ ભક્તકવિએ આ યુગલરૂપ અવતારનું તાત્પર્ય દર્શાવતો ઉપરકથિત ભાવ પ્રકટ કરતો એક શ્લોક રચ્યો છે.
‘જે પ્રણય દ્વારા રાધા મારા અદ્ભુત માધુર્યનો આસ્વાદ કરે છે, શ્રીરાધાનો એ પ્રણયમહિમા કેવો છે, અને રાધાપ્રેમ દ્વારા આસ્વાદ્ય મારી મધુરિમા કેવી છે અને મારો અનુભવ કરીને રાધાને જે સુખ થાય છે, તે કેવું છે–એવા લોભથી રાધાભાવથી યુક્ત થઈને શ્રીકૃષ્ણે શચીમાતાને પેટે ગૌરાંગ રૂપે અવતાર લીધો છે.’
આમ, કૃષ્ણ અવતારમાં રાધાની સાથે બહુવિધ લીલારસનો અનુભવ કરીને પણ તેમના મનમાં રાધાનો પ્રણયમહિમા, રાધા દ્વારા આસ્વાદ્ય મધુરિમા અને રાધાને થતા સુખનો લોભ રહી ગયો હતો એટલે આ ગૌર અવતાર લેવો પડ્યો! એટલે ગૌડીય વૈષ્ણવ ભક્તોને મન નવદ્વીપ એ પણ ચૈતન્ય મહાપ્રભુની લીલાસ્થલી રૂપે બીજું વૃન્દાવન છે.
હજી ઑગસ્ટ માસમાં વૃન્દાવન જવાનું થયું ત્યારે ખબર નહોતી કે થોડા વખતમાં જ આ ‘બીજા વૃન્દાવન’માં એટલે કે નવદ્વીપ જવાનું થશે. મનમાં ભાવના અવશ્ય હતી. વૃન્દાવન- દર્શનથી એ ભાવના અધિક તીવ્ર બની ગઈ હતી અને કોણ જાણે, એ ભાવના સિદ્ધ થાય એવો સંજોગ પણ બની આવ્યો.
નવદીપ કલકત્તાથી લગભગ એક કિલોમીટર દૂર હાવડા-કટવા લાઇન પર આવે છે. અમે હાવડાથી સવારે સાડાછ વાગ્યે ઊપડતી ભાગલપુર પેસેન્જર પકડી. આ વહેલી સવારે મહાનગર કલકત્તાનું એક જુદું જ દર્શન થયું. આટલા શાન્ત, પહોળા માર્ગો કલકત્તાના કદી જોયા નહોતા. ફ્રેન્ચ કવિ બૉદલેરે પૅરિસને ‘ઍન્ટ-હીપ સિટી’ કહી કીડીઓના રાફડા સાથે એની સરખામણી કરી છે. કલકત્તાને એ ઉપમા બરાબર લાગુ પડે. પણ વહેલી સવારે દક્ષિણ કલકત્તાથી અમે નીકળ્યા ત્યારે મોડી રાત સુધી જાગીને-થાકીને જાણે આ મહાનગર સૂતું હતું. એ શાન્તિમાં અમારી બસ ખલેલ પાડતી હતી. પણ જેવા હાવડાના પરિસરમાં પહોંચ્યા કે નગર એકદમ જાગી ગયું હતું. વિરાટ લોખંડી કમાનવાળા હાવડાના પુલ પર સૂર્ય ડોકાયો હતો.
પરંતુ ગાડીમાં બેઠા પછી કલકત્તાને વિસારે પાડી દીધું. મારી સાથે એક અસમિયા મિત્ર સુનીલકુમાર હતા. અમે વૈષ્ણવ સંસ્કૃતિની વિભિન્ન ધારાઓની ચર્ચામાં પડી ગયા.
શરદ ઋતુ હતી. રેલગાડીના રસ્તાની બન્ને બાજુએ બંગભૂમિની લાક્ષણિક ઝાંકી મળતી હતી. કેળ, વાંસ, તાલથી ઢંકાયેલાં જે ગામ પસાર થતાં તેના ગૃહપુકુરોમાં સ્નાન કરતી, કપડાં-વાસણ ધોતી ગૃહિણીઓ જોવા મળતી. શરૂમાં ડાંગરનાં ખેતરો આવ્યાં કર્યાં અને તે પછી શણનાં ખેતર. આ રેલવેથી ગંગા સમાંતરે વહે છે. વચ્ચે માછીમારોની વસ્તીઓ આવે. કુન્તીઘટા સ્ટેશન આવ્યું. અહીં કુન્તી નદી અને ગંગાનો સંગમ ગાડીમાં બેઠાં બેઠાં જ જોવા મળ્યો. નદીમાં સરતી તરતી હોડીઓ પ્રવાસી એવા અમને કાવ્યાત્મક લાગતી હતી. મલ્લાહો માટે તો એ જ જીવનાધાર હતી.
શણનાં ખેતરો વધતાં ગયાં. ગામનાં તળાવડાંમાં ઠેર ઠેર – તાજા કાપેલા શણની એકસરખી ભારીઓ બાંધીને પકવવા માટે ડુબાડવામાં આવતી હતી. ક્યાંક પાકેલી શણને કાઢી રેષા ઉતારવામાં આવતા હતા. ક્યાંક ઊતરેલા રેષાને ચોટલાની જેમ વળ દઈને હોડીઓ અને બળદગાડામાં ભરવામાં આવતા હતા. નદિયા જિલ્લાની હદમાં અમે આવી ગયા હતા, એની સરહદો બાંગ્લાદેશને અડકીને જ છે.
સાડાદસ વાગ્યે અમે નવદ્વીપ ધામ પહોંચી ગયા. આવાં પવિત્ર ગણાતાં સ્થળોએ આપણે એક જુદી જ માનસિકતા સાથે પગ મૂકીએ છીએ, પણ ત્યાંના લોકો તો સહજ ભાવે બધું લેતા હોય. પ્રથમ પ્રથમ તો આપણને નવાઈ પણ લાગે—પણ એ તો એમ જ હોય ને!
પાંચસો વર્ષ પહેલાંના નવદ્વીપનું એક કલ્પનાચિત્ર નજર સામે આવતું હતું. અવશ્ય એ વખતે પણ અહીં સુખના દિવસો ન હતા. મુસ્લિમ શાસન સ્થાપિત થઈ ચૂક્યું હતું. છેક તેરમી સદીમાં આ પ્રદેશના પરાક્રમી રાજા વલ્લાલ સેનના પુત્ર રાજા લક્ષ્મણ સેનને હરાવીને તુર્કોએ અનેક બૌદ્ધવિહારો અને શિવમઠોનો નાશ કરી દેશની સંસ્કૃતિના એક મુખ્ય પ્રવાહને છિન્નવિચ્છિન્ન કરી નાખ્યો હતો.
પરંતુ એ પછી થોડા સમયમાં ભક્તિનો એક પ્રચંડ જુવાળ આખા દેશમાં વ્યાપી વળ્યો હતો. કેમ અને કેવી રીતે આ બન્યું, તે એકદમ સમજી શકાતું નથી, પણ પરાજિત દેશની ભીતરી આત્મશક્તિનો એ એક પ્રચંડ આવિર્ભાવ હતા. ભક્તિના અમૃત-સ્પર્શથી આખો દેશ જાણે નવજીવન પામતો હતો.
નવદ્વીપમાં ગંગાકિનારે આવી અનેક બ્રાહ્મણોએ, કાયસ્થોએ અને વૈદ્યોએ એ સમયમાં વસવાટ કરી એને વિદ્યાનું કેન્દ્ર બનાવ્યું હતું. આ નવદ્વીપમાં ઈ. સ. ૧૪૮૬ના માર્ચ માસમાં ચૈતન્યે અવતાર લીધો. ૧૯૮૬માં બરાબર તેમને પાંચસો વર્ષ થાય. એ પાંચસો વર્ષ પહેલાંના ચૈતન્ય પ્રભુના સમયના ભાવવિશ્વનો એકાદ સ્પંદ ૫ણ પામી શકાય તો ધન્ય. પણ તે કેવી રીતે?
વૃન્દાવનની જેમ નવદ્વીપમાં પણ અનેક મંદિરો અને મઠો છે. કેટલાક મંદિરો સાથે ચૈતન્ય મહાપ્રભુની લીલાઓ સાંકળી લેવામાં આવે છે. પણ એ દરેક સ્થળની ઐતિહાસિકતા સંદિગ્ધ જ છે; કેમ કે સ્વયં આજના નવદ્વીપની પણ ઐતિહાસિકતા સંદિગ્ધ છે. નહિતર ગંગાના પૂર્વ કિનારે આવેલું નવદ્વીપ આજે ગંગાને પશ્ચિમ કિનારે કેમ છે?
ચૈતન્ય ક્યાં જન્મ્યા હતા? એ ભારે વિવાદનો પ્રશ્ન છે. આજના નવદ્વીપમાં કે પછી ગંગાને પૂર્વે કિનારે આવેલા માયાપુરમાં? રામકૃષ્ણ પરમહંસ એક વાર નદિયા આવ્યા હતા ત્યારે હોડીમાં બેસી ગંગા પાર કરતાં વચ્ચે જ મહાભાવની સમાધિ અવસ્થામાં આવી ગયા. તેમણે કહ્યું – આ સ્થળ એ જ ચૈતન્યનું જન્મસ્થળ.
પરંતુ એ સ્થળે તો અત્યારે ગંગા વહી રહી છે.
નવદ્વીપમાં પગ મૂક્યો ત્યારથી વાસુદેવ નામના બાઉલને કંઠે સાંભળેલા એક ગાનની પંક્તિઓ મનમાં આવી જતી હતી. ગાનમાં નિરૂપિત પ્રસંગ નિમાઈના, એટલે કે ચૈતન્ય મહાપ્રભુના સંન્યાસગ્રહણને છે. શચીમાતાના હૃદયમાં સતત ફફડાટ રહેતો. એક મોટો દીકરો વિશ્વરૂપ તો તરુણવયે શંકરારણ્ય નામ ધરી સંન્યાસી થઈ દૂર દક્ષિણમાં ચાલ્યો ગયો હતો. બીજો પુત્ર પણ જો એ માર્ગે જાય તો! પણ થનાર થઈને રહ્યું. નિમાઈ એક દિવસ સંન્યાસી થઈ ગયા. શચીમાતાને તો ખબર પણ ન પડી.
ભટિયારી સૂરમાં વાસુદેવે ગાયેલું:
જાગો જાગો શચીમાતા
આર ઘુમાયોના…
તોમાર પ્રાણેર નિમાઈ ગેલ ચલે
એકબાર ફિરે ચાઈલિ ના
નદિયાર ચાંદ ડુબિ ગેલ
ચિર અંધકાર…
શચીમાતા જાગો જાગો. વધારે ઊંઘશો નહિ. તમારો પ્રાણપ્રિય નિમાઈ તો સંન્યાસી થઈ ચાલ્યો ગયો. નદિયાનો ચંદ્ર આથમી ગયો. હવે અહીં ચિર અંધકાર… માતા, હવે તું ગમે તેટલું નિમાઈ નિમાઈ કહીને બોલાવીશ પણ એ જવાબ નહીં આપે.
ચૈતન્યને નવદ્વીપ-નદિયાનો ચંદ્ર કહેવામાં આવે છે. ફાગણ સુદ પૂનમે તેમનો જન્મ પણ થયેલો. એમના સંન્યાસી થઈને જવાથી કદાચ નદિયામાં અંધારું પથરાયું હશે. પણ તેમણે પાંચ પાંચ સદીઓથી ભક્તહૃદયોને તો શીળા ચંદ્રનો ચિરપ્રકાશ આપ્યા કર્યો છે.
એમના વિશે લખાયેલા ચરિત્રગ્રંથોમાં ક્યાંક એમના ઘરનું વર્ણન મળે છે. પણ એ ઘર હવે ક્યાં શોધવું? ગંગાની આ પાર? ગંગાની પેલી પાર? ગંગાના પેટાળમાં? જેને તટે અનેક લીલાઓ કરી હતી, નદિયાની એ ગંગા એમને બહુ પ્રિય હતી. સંન્યાસી થઈ તેમણે જીવનનાં અંતિમ વર્ષોમાં જગન્નાથપુરીમાં વાસ કર્યો હતો, પણ નદિયાથી કોઈ જાય તો પહેલો પ્રશ્ન પૂછતા : ‘મા, કેમ છે?’ બીજો પ્રશ્ન પૂછતા, ‘ગંગામૈયા કેમ છે?’
ભક્તોએ નદિયામાં ગંગાની બંને બાજુએ સ્થળે સ્થળે મંદિરો-મઠોની સ્થાપના કરી છે. ચૈતન્યે શરૂ કરેલી નામ- સંકીર્તનની પરંપરા ત્યાં સચવાઈ છે. અમે વિચાર્યું કે કેટલાંક મહત્ત્વનાં સ્થળો જોઈ આ પરંપરા જોવી–જાણવી. એ રીતે ચૈતન્યભાવનો કંઈક પણ સ્પર્શ જો પામી શકાય.
એક પગરિક્ષા કરીને અમે નીકળી પડ્યા. પહેલું જ જે મંદિર આવ્યું, તે હતું શ્રીશ્રી અનુમહાપ્રભુ મંદિર. દક્ષિણાની અલગ આશા રાખ્યા વિના અમારો રિક્ષાવાળો થોડું પંડાનું પણ કામ કરતો હતો. મંદિરો-મઠો વિશે થોડો પરિચય આપી દે.
આ મંદિર અને તેનો પરિસર મણિપુર રાજવાડી તરીકે ઓળખાય છે. મણિપુરના રાજવી અભયચંદ્રની પુત્રીએ આ મંદિરની સ્થાપના કરી હતી. અમે મંદિરમાં પ્રવેશ્યા. મંદિરમાં રાધાકૃષ્ણની મૂર્તિ સાથે ચૈતન્યની પીળા કલેવરની મૂર્તિ હતી. અમે મંદિરના પૂજારી-કારભારીને મળ્યા. તેણે મંદિરનો ઇતિહાસ કહ્યો. તેણે કહ્યું, ‘આ મંદિર મણિપુર-ઇમ્ફાલમાં ગેવિંદજીના મંદિર પછી બંધાયું છે. એટલે એનું નામ અનુ-મહાપ્રભુ. એની સ્થાપના રાજકુમારી સિઝલાઈઓંબીએ કરી છે. એમનું સંસ્કૃત નામ બિંબાવતીમંજરી. એમણે મીરાંબાઈની જેમ પોતાનું જીવન પ્રભુચરણે ધર્યું હતું.’ બિંબાવતીમંજરી નામ તરત મોઢે થઈ ગયું.
મંદિરમાં કાષ્ઠની મૂર્તિઓ છે. એના પર રંગ ચઢાવવામાં આવે છે. મણિપુરથી કોઈ વિદ્વાન આવ્યા હતા. તેઓ મણિપુરની વૈષ્ણવોપાસના અને ગોવિંદજીના મંદિરની વાત કરવા લાગ્યા. મેં કહ્યું કે, પાંચેક વર્ષ પહેલાં ઇમ્ફાલના એ ગોવિંદજીનાં મેં દર્શન કર્યાં છે. એમણે આશ્ચર્ય સાથે આનંદ પ્રગટ કર્યો. કારભારીએ તો રાત અમારે મંદિરમાં રોકાવું હોય તો તેના પ્રબંધની પણ તૈયારી બતાવી!
પરંતુ બધે માત્ર થોડી વાર જ અમારાથી રોકાવાય તેમ હતું. એક વાર બધે ફરી તો લઈએ. દેવાનંદ ગૌડીય મઠ આગળ રિક્ષા ઊભી રહી. અમે મઠમાં પ્રવેશ્યા ત્યારે આરતી થઈ રહી હતી. મંદિરમાં સુંદર મૂર્તિઓ સાથે ગૌરહરિ એટલે કે, ચૈતન્યદેવની મૂર્તિ પણ એકપંક્તિએ હતી. બાજુમાં વરાહની મૂર્તિ પણ હતી. ઉપાસનાખંડની ભીંતે એક શ્લોક લખ્યો હતો:
નયનં ગલદશ્રુધારયા
વદનં ગદ્ગદ્રુદ્ધયા ગિરા,
પુલકૈર્નિચિતં વપુઃ કદા
તવ નામગ્રહણે ભવિષ્યતિ.
— હે ગાવિંદ, તમારું નામ લેતાં જ મારાં નેત્રોમાંથી આંસુની ધાર પ્રવાહિત થાય, મારો કંઠ ગદ્ગદ વાણીથી રૂંધાઈ જાય અને મારું શરીર રોમાંચિત થઈ જાય, એ સમય ક્યારે આવશે?’
આ તો શ્રી ચૈતન્યે રચેલા ‘શિક્ષાષ્ટક’નો એક શ્લોક. આ શ્લોક ચૈતન્યની મહાભાવદશાનાં જે વર્ણન વાંચેલાં કે એની જે છબીઓ જોયેલી છે, તેની યાદ અપાવી રહે છે.
ચૈતન્ય તો હતા મોટા વૈયાકરણી. ન્યાય, સાહિત્ય-અલંકારશાસ્ત્રમાં પણ તેમની અકૂતોભય ગતિ હતી. તેઓ એકાએક ભાવપ્રવણ ભક્ત કેવી રીતે બની ગયા?
એક અદ્ભુત ઘટના છે. ચૈતન્યના જીવનની જ નહિ, ભારતના મધ્યકાલીન ઇતિહાસનીય. પણ મહાપુરુષો કે વિભૂતિઓની બાબતમાં આમ જ થતું હોય છે.
ચૈતન્યનું મૂળ નામ વિશ્વંભર, ‘નિમાઈ’ એવું લાડકું નામ પાડવામાં આવ્યું હતું. ડૉ. સુકુમાર સેન જેવા ભાષાવિજ્ઞાની પંડિત નિમાઈનો અર્થ કરે છે – મા વિનાના. આવાં નામ પાડવાથી આવરદા વધે એવી આપણે ત્યાં પણ માન્યતા છે. મોટો ભાઈ સંન્યાસી થઈ ગયો હતો એટલે પિતા નિમાઈને ભણાવવા ઉત્સાહી નહોતા. ભણ્યા વિના ઘરબાર ચાલે એટલી સંપત હતી. પણ નિમાઈ તો ભણ્યા જ. નાનપણમાં ઘણાં તોફાનો કરતા. છતાં તેમની ગૌર મધુર કાંતિથી સૌમાં પ્રિય થઈ પડ્યા હતા. સ્ત્રીઓ તો તેમને ગૌરહરિ અથવા ગૌરાંગ કહેતી. પિતાના મૃત્યુ પછી ગૌરાંગ ગંભીર બની ગયા. નિમાઈ પંડિત તરીકે જાણીતા થયા. ભણી રહ્યા પછી પોતાની પસંદગીની કન્યા લક્ષ્મીપ્રિયા સાથે લગ્ન કરી સંસાર માંડ્યો. પોતાની પાઠશાળા પણ ખોલી. પરંતુ લક્ષ્મીપ્રિયાનું અવસાન થયું. ભારે આઘાત લાગ્યો. માના આગ્રહથી બીજીવારનાં લગ્ન વિષ્ણુપ્રિયા સાથે થયાં, પણ હવે સંસારમાંથી મન ઓછું થઈ ગયું હતું.
પિતાનું શ્રાદ્ધ કરવા (બોધિ) ગયા મુકામે ગયા. ત્યાં ઈશ્વરપુરીએ કૃષ્ણમંત્ર આપ્યો. એ મંત્ર લેતાં જ નિમાઈ રાધાની જેમ કૃષ્ણવિરહનો અનુભવ કરી પાગલ જેવા બની ગયા. જ્યાં જ્યાં નજર કરે ત્યાં કૃષ્ણ જ દેખાય. ઘરે પાછા તો આવ્યા, પણ પાઠશાળામાં વ્યાકરણ ભણાવતાં ભણાવતાં ‘નામ-સંકીર્તન’ થવા લાગ્યું :
હરે રામ હરે રામ રામરામ હરેહરે,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણકૃષ્ણ હરેહરે.
પછી તો થોડાક મિત્રો સાથે મળી નદિયાના માર્ગો પર પણ સંકીર્તન શરૂ કર્યું. ભક્તોને થયું કે ભક્તિધર્મનો પ્રચાર કરવા વિષ્ણુ નવદ્વીપમાં અવતીર્ણ થયા છે.
એક દિવસ બધું ત્યજી સંન્યાસી થઈ ગયા. અને સાચોસાચ એ અવતાર ગણાવા લાગ્યા. એમને એ પસંદ નહોતું પણ ‘રાધાકૃષ્ણ યુગલ અવતાર’રૂપે એમની પૂજા થવા લાગી. આ ગૌડીય મઠમાં અત્યારે તેમની આરતી થઈ રહી છે.
એક ઉત્સાહી યુવાન બ્રહ્મચારી અમને આ ગૌડીય મઠની પ્રવૃત્તિ વિશે વાત કરવા લાગ્યા. એટલાથી સંતોષ ના થતાં મઠના આચાર્ય ગોસ્વામી પાસે લઈ ગયા. તેઓ બહાર ઓસરીમાં એક ખુરશી પર બેસી મઠની પ્રવૃત્તિ અંગે સૂચનાઓ આપતા હતા. સદ્ભાવથી અમારી સાથે વાતો કરી. ગૌહાટીમાં ઘણો સમય રહેલા એટલે સુનીલ સાથે તેમણે અસમિયામાં વાતો કરી.
અમે કહ્યું કે, અમારી ઇચ્છા કીર્તન સાંભળવાની છે. મઠની અન્ય પ્રવૃત્તિઓ પણ જોવી-જાણવી છે. તેમણે કહ્યું, બધાં મંદિરોનાં દર્શન કરી આવો. સાંજે કીર્તન, ભાગવતપાઠ આદિ થશે. તમે અમારા મઠમાં જ ઊતરવાનું રાખશો, અમને આનંદ થશે.
એમનું આ છેલ્લું સૂચન અમને ગમી ગયું. નવદ્વીપમાં કોઈક હોટેલમાં રહેવાનો ખ્યાલ હતો, પણ આ તો આ મઠમાં સૌ વૈષ્ણવભક્તો સાથે એક રાત રહેવાનું મળશે. અમે રાજી થઈ ગયા.
ફરી રિક્ષામાં બેસી અન્ય મંદિરો જોવા ચાલ્યા. હવે તો અમારે રીતસરની ઉતાવળ જ કરવી પડશે. નિમાઈની પ્રિય ગંગા પાર કરીને સામે કાંઠે આવેલાં માયાપુરનાં મંદિરો પણ જોવાનાં હતાં. અને કીર્તન વખતે તો પાછા આવી જ જવું હતું. આ લાભ તો મળે ન મળે.
ગોકુલ અને વૃન્દાવનમાં અનેક મંદિરો બાલકૃષ્ણના લીલાપ્રસંગો સાથે જોડાયેલાં છે. નવદ્વીપમાં તે રીતે ચૈતન્યદેવના જીવનના વિવિધ પ્રસંગો સાથે અનુબંધ ધરાવતાં મંદિરો છે. અહીં મહાપ્રભુને ઉપનયનસંસ્કાર કરવામાં આવ્યા હતા, અહીં મહાપ્રભુના વિવાહ થયા હતા, અહીં મહાપ્રભુએ ‘જગાઈ- મધાઈ’ નામે બે દુષ્ટ દુરાચારી ભાઈઓનો ઉદ્ધાર કરી તેમને પરમ ભક્ત બનાવ્યા હતા. આ રીતે જોતાં ચૈતન્યના જીવનની અનેક ઘટનાઓનો પરિચય થતો જતો હતો.
આ મંદિરો જોવા માટે એક સરસ વ્યવસ્થા છે. દરેક મંદિરમાં પ્રવેશ માટે ૨૫ કે ૩૦ પૈસા ભેટ આપવાના હોય છે, જેની આપણને રસીદ પણ મળે! મંદિરના પૂજારી એ સ્થળ-વિશેષનું મહાત્મ્ય પણ બોલી જાય. એવાં પણ સ્થળ છે, જ્યાં કશી ભેટ આપવી પડતી નથી. વૃન્દાવનની સરખામણીમાં અહીં કશી ભક્તોની ભીડ ન મળે, ઘણાંખરાં મંદિરો ખાલી ખાલી લાગે.
પરંતુ મઠો કે અખાડા પ્રવૃત્તિઓથી ભરપૂર હોય. મઠ સાથે અને અખાડા સાથે મંદિર તો હોય, પણ અહીં કીર્તન, સંકીર્તનની જીવંત વ્યવસ્થા હોય. સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, વૈષ્ણવીઓ દ્વારા ધર્મપરંપરા સચવાઈ હોય. અખાડાને બંગાળીમાં ‘આખડા’ કહે છે. આપણા મનમાં અખાડાથી જે અર્થ જાગે છે, તે તો વ્યાયામના અખાડાનો; પણ અહીં આખડા એટલે વૈષ્ણવ આશ્રમ. શરતચંદ્રની પ્રસિદ્ધ નવલકથા ‘શ્રીકાંત’ના ચોથા ભાગમાં મુરારિપુરનો અખાડો આવે છે. કમલલતા નામની વૈષ્ણવીના એક પાત્રને શરતચંદ્રે આ અખાડા સંદર્ભે અમર કર્યું છે. નવદ્વીપના અખાડા જોતાં એ નવલકથાના ઉધ્વસ્ત અખાડાને હું હવે કલ્પી શકતો હતો.
એક ‘શ્રીવાસ અંગન’ નામના મંદિરમાં અમે એક ખંડમાં રાખવામાં આવેલી કાષ્ઠની મૂર્તિઓ જોતા હતા. આ મૂર્તિઓમાં કશી કલાત્મકતા ન મળે. દર વર્ષે રંગ લગાડી લગાડીને દર્શનીય તત્ત્વને ઓછું કરી નાખવામાં આવ્યું હતું. આ મૂર્તિઓ દ્વારા પણ ચૈતન્યચરિત્રના કેટલાક પ્રસંગોને ઉજાગર કરવામાં આવ્યા હતા. એક પંડિત મળ્યા. અમારી નવદ્વીપયાત્રા વિશે જાણી તેમણે પૂછ્યું કે તમે આટલી એક-બે દિવસની મુલાકાત લઈ નવદ્વીપ વિશે ખરી હકીકતો કેવી રીતે લખવાના? મેં કહ્યું, અમે ખરીખોટી હકીકતો માટે નથી આવ્યા. અમે તો ભ્રમણ માટે આવ્યા છીએ. અમારી વાતથી તેમને સંતોષ થયો નહિ. તે કહેવા લાગ્યા : ‘બધા કહે છે કે ચૈતન્ય આજની ગંગાના પૂર્વ તીરે આવેલા માયાપુરમાં જન્મ્યા હતા, કેમ કે ચૈતન્યનાં જીવનચરિત્રોમાં તેમનું જન્મસ્થાન ગંગાના પૂર્વ તીરે આવેલું વર્ણવવામાં આવ્યું છે. નવદ્વીપ પશ્ચિમે આવેલું છે, પણ ગંગા છેલ્લાં ૫૦૦ વર્ષોમાં નવદ્વીપને પાંચ વખત વહાવી લઈ ગઈ છે. આ ગંગા પહેલાં નવદ્વીપની પશ્ચિમે વહેતી હતી. અર્થાત્ નવદ્વીપ પૂર્વ કાંઠે હતું. અત્યારે નદીને પશ્ચિમ કાંઠે છે. પણ ચૈતન્યની જન્મભૂમિ તો આ નવદ્વીપ જ…
આ અંગે વધારે પ્રકાશ પાડવાની તેમની જબ્બર તૈયારીની ઉપેક્ષા અમારે કરવી પડી. રિક્ષાવાળો અમને ‘પોડામા’ના મંદિરે લઈ ગયો. આગમાં મંદિર બળી ગયેલું એટલે પોડામાનું મંદિર, બંગાળીમાં પોડા–એટલે બળેલું, એક વિશાળ વટવૃક્ષ હતું. એ વટવૃક્ષે પોતાની ડાળીઓ અને વડવાઈઓ આજુબાજુનાં મકાનો સુધી ફેલાવી કેટલાંક મકાનોને તો ઉખાડી નાખ્યાં હતાં. એ વડના વિશાળ સામ્રાજ્ય નીચે કેટલી બધી દુકાનો હતી! મૂળ વડના થડને અડીને પોડામાનું મંદિર હતું. અહીં બંગાળીઓની ભીડ માય નહિ. બંગાળમાં યા તો રાધાની ઉપાસના થાય છે યા તો દુર્ગાની. પણ દુર્ગાપૂજા એટલે કે શક્તિપૂજામાં બંગાળીઓનો ઉત્સાહ ઘણો વધારે. બંગાળી મહિલાઓ છૂટા કેશ મૂકી ‘પોડામા’ની પૂજા કરતી હતી.
આ વડની ડાળીઓ કે વડવાઈઓ કપાય નહિ એવી માન્યતા છે. એ જોતાં લાગ્યું કે સમય જતાં આજુબાજુનાં ઘણાં મકાન વડવાઈઓની પકડમાં આવી જશે!
ઘણાં મંદિરો-મઠો જોયા પછી હું ગંગાતીરે જવા અધીર થયો હતો. કૃષ્ણલીલા સાથે યમુના સંકળાયેલી છે, તો ચૈતન્ય- લીલા સાથે નવદ્વીપની આ ગંગા.
જેવા ગંગાકિનારે પહોંચ્યા કે એનાં દર્શનથી પ્રસન્ન થઈ જવાયું. ગંગા બન્ને કાંઠે ભરપૂર વહેતી હતી. ઉત્તર પ્રદેશમાં થયેલી વર્ષાનાં વારિ ગંગામાં વહેતાં હતાં. કદાચ હંમેશાં આટલું પાણી નહિ રહેતું હોય. ઘાટે અનેક નૌકાઓ પાણીમાં ડગમગ થતી હતી. લંગર ઉપાડો એટલી વાર.
ગંગાને સામે કાંઠે છે માયાપુર. ત્યાં ગંગાને ખડી નદી આવીને મળે છે. ખડી નદી અહીંના લોકોમાં પ્રચલિત નામ છે. એક જણે કહ્યું, સરકારી નામ છે ‘જલાંગી’. આ બંને નદીઓ – ગંગા અને જલાંગીના સંગમસ્થળે વસેલું છે માયાપુર. અહીં ઘાટ ઉપરથી માયાપુરનાં મંદિરો દેખાતાં હતાં, તેમાંય આગળ તરી આવતું હતું ‘સાહેબનું મંદિર.’ પહેલાં તો ખબર નહોતી પડી એ નામ સાંભળીને. પછી સમજાયું ‘હરે રામ હરે કૃષ્ણ’ એટલે કે ઇસ્કોનનું મંદિર. સાહેબ લોકોનું મંદિર કહેવામાં સ્થાનિક લોકોનું આવી સંસ્થાઓ પ્રત્યેનું ખરેખરનું માનસ જોઈ શકાય. મંદિર તો સૌનું હોય, પણ આ મંદિર તો સાહેબ લોકોનું!
હમણાં જ એક ભરેલી નૌકા સામા કિનારે જવા નીકળી. બીજી ભરાતાં વાર લાગશે. એક નૌકાવાળાએ અમને કહ્યું કે તમને બન્નેને સામે કાંઠે લઈ જાઉં. ૧૦ મુસાફરોનું ભાડું આપી દો. ૧૦ મુસાફરોનું ભાડું થાય ૫ રૂપિયા. અમે સંમત થયા. અમે કહ્યું, અમે થોડી વાર હોડીમાં જ આ ઘાટ પર રોકાઈશું. અહીંથી બધું જોવું ગમે તેવું હતું. ઘાટ અવરજવરથી છલકાતો હતો. કાંઠા પરના એક વડની છાયા પાણીમાં પડતી હતી અને એ છાયામાં અમારી નૌકા બાંધેલી હતી. બાજુના પાકા ઘાટ પર સ્ત્રી-પુરુષ સૌ સ્નાન કરતાં હતાં.
નૌકા ચાલી એટલે ગંગાના પાણીને અમે મસ્તકે ચઢાવ્યું. વિશાળ પ્રવાહની વચ્ચે આવતાં નદીના પૂર્વકાંઠે આવેલાં માયાપુરનાં અને પશ્ચિમ કાંઠે નવદ્વીપનાં મંદિરો દેખાવા લાગ્યાં. ગંગાને અનેક જગાએ જોઈ છે, પણ અહીં વધારે પ્રકૃત સ્વરૂપમાં જોઈ. એક બાજુ એના પ્રચંડ વહેણથી કિનારા તૂટે છે, તો ક્યાંક કિનારે કાશનાં સફેદ ફૂલો ગંગાની શોભાને વધારે છે. ધોળાં વાદળ સાથેનું ભૂરું આકાશ શરદ ઋતુનું છે પણ નદી જાણે અષાઢ-શ્રાવણની, જળ નીતરાં થયાં નથી.
ગંગા અને જલાંગીના સંગમવિસ્તારને પાર કરી અમારી નૌકાએ જલાંગીના પ્રવાહમાં પ્રવેશ કર્યો. પછી તે બરાબર કિનારાને અડકીને જાણે જવા લાગી. કાંઠાને હું અડકી શકું એટલું જ છેટું. માયાપુર આ નૌકામાંથી સરસ લાગતું હતું. હોડી જલદીથી ઘાટે ન નાંગરે તે સારું, એવું મનમાં થયું પણ ગમે તેટલું જળમાં રહીએ. ભૂમિ પર તો જવું જ રહ્યું.
હવે અમે ડોલતી નૌકામાંથી સાચવીને માયાપુરની પવિત્ર ભૂમિ પર ઊતર્યા.
ગંગા અને જલાંગીના સંગમ પર વસેલા માયાપુરની ભૂમિ પર ચાલીએ ન ચાલીએ ત્યાં તો પગરિક્ષાવાળા ઘેરી વળ્યા. મનમાં તો ચૈતન્યદેવના જે જીવનપ્રસંગો વાંચેલા તેનું અને વૈષ્ણવ કીર્તનગાનની શરૂઆતમાં ગવાતા ‘ગૌરચંદ્રિકા’ નામથી ઓળખાતાં પદોનું સ્મરણ જાગતું હતું. બંગાળમાં વૈષ્ણવ કીર્તનોનું ગાન થાય ત્યારે આરંભમાં ચૈતન્યદેવ વિશે લખાયેલાં પદો ગવાય. એ ગીતોનો વિષય પણ ચૈતન્યના જીવનના પ્રસંગ હોય, જેમ કે ગૌરાંગ શૈશવ, ગૌરાંગ નર્તન, ગૌરાંગ સંન્યાસ આદિ:
નાચત ગૌર અખિલનટપંડિત
નિરુપમ ભંગિ મદનમન હરઈ.
અખિલ વિશ્વના નટેશ્વર ગૌર નાચે છે. તેમની અદ્ભુત મુદ્રાઓ કામદેવના મનને પણ હરી લે છે. વૈષ્ણવભક્તો ચૈતન્યને રાધાકૃષ્ણનો યુગલ અવતાર માની રાધાકૃષ્ણની લીલાની જેમ તેમની લીલાનું પણ ગાન કરતા આવ્યા છે.
મનમાં જાગતી આ વૈષ્ણવ આબોહવા રિક્ષાવાળાઓએ વિખેરી નાખી. માયાપુરમાં આવેલાં બધાં મંદિરો મઠો જોવાં હોય તો રિક્ષા કરવી પણ પડે. પરંતુ અમે માત્ર થોડાંક જ સ્થળો જોવાનું વિચારી લીધું.
માયાપુરની થોડી વારમાં જ માયા થઈ ગઈ. એટલા માટે નહિ કે એની પશ્ચિમે ગંગા અને દક્ષિણે જલાંગી ભરપૂર જળ સાથે વહી રહી છે. કદાચ આ ભૂમિમાં જ કશુંક રહ્યું હોય. મુખ્ય માર્ગની બન્ને બાજુએ મઠો અને મંદિરોની ધજાઓ ફરકતી હતી. જોકે વસ્તી વૈષ્ણવો કરતાં મુસલમાનોની વધારે લાગી. બાંગ્લાદેશ અહીંથી બહુ નજીક છે.
માર્ગમાં સાહેબોનું વિરાટ મંદિરસંકુલ આવ્યું. મંદિરનું નામ ‘શ્રી માયાપુર ચંદ્રોદય મંદિર.’ નામ પહેલાં તો ઝટ સમજાયું નહિ. પછી અજવાળું થયું. ચૈતન્યને ‘નદિયાર ચાંદ’–નદિયાનો ચંદ્ર કહેવામાં આવે છે. એનો સંકેતાર્થ એવો કે ચૈતન્ય નદિયામાં જન્મ્યા હતા, પણ અહીં ‘માયાપુર ચંદ્ર’ એટલે માયાપુરનો ચંદ્ર કહી તેમને ઓળખવામાં આવ્યા છે.
પાછા વળતાં નિરાંતે આ મંદિર જોવાનો વિચાર રાખી અમે આગળ વધ્યા. ખુલ્લાં ખેતરો વચ્ચે હવે ગંગાનાં દર્શન પ્રસન્નકર હતાં. અમે જઈ ઊભા માયાપુરને છેવાડે આવેલા એક મંદિરમાં. એ મંદિરને ચૈતન્ય મહાપ્રભુના જન્મસ્થાન સાથે જોડવામાં આવે છે. મંદિર બહુ જૂનું નથી. અમે મંદિરના ગોસ્વામીને મળ્યા. સૌમ્ય પ્રકૃતિના ગોસ્વામી ઓછું બોલતા હતા. પણ તેમના એક સહકારી વૈષ્ણવ સંન્યાસી એનું સાટું વાળે એવા હતા. એ પાછા બોલે અંગ્રેજીમાં. મેં કહ્યું, મને બંગાળી સમજાય છે, પણ એમનો અંગ્રેજી બોલવાનો ઉત્સાહ મોળો ન થયો.
મંદિરના પ્રાંગણમાં એક મોટું લીમડાનું ઝાડ હતું. એ ઝાડ બતાવી કહે – ‘ચૈતન્ય વૉઝ બૉર્ન અંડર ધિસ નીમ ટ્રી–સો હિઝ નેમ ઇઝ નિમાઈ.’ ચૈતન્ય આ નીમવૃક્ષ નીચે જન્મ્યા હતા એટલે નિમાઈ કહેવાયા. પછી કહે – આ વૃક્ષ જે કે ૫૦૦ વર્ષ જૂનું નથી. હોશંગ શાહ નામના સૂબાએ કાપી કાઢેલું, પણ પછી ત્યાં ને ત્યાં આ નીમવૃક્ષ ઉછેરવામાં આવ્યું છે. અત્યારનું આ વૃક્ષ સવાસો વર્ષ જૂનું છે.
નિમાઈ એટલે લીમડાના ઝાડ નીચે જન્મેલા – એવો બીજો અર્થ અહીં મળ્યો. નિમાઈ નામ માટે આ વ્યુત્પત્તિના સમર્થકો કદાચ વધારે છે.
પોતાનો પરિચય આપતાં પેલા સંન્યાસીએ કહ્યું, ‘આઇ વૉઝ બૉર્ન ઇન યૉર પ્લેસ.’ ગુજરાતમાં દ્વારકામાં હું જન્મ્યો હતો. એટલે માય નેમ ઇઝ દ્વારકાપ્રસાદ. અમારે હવે આ દ્વારકા પ્રસાદથી છૂટવું હતું. શાંતિથી એક વૃક્ષ નીચે બેસવું હતું, પણ દ્વારકાપ્રસાદ સિદ્ધ કરવા માંગતા હતા કે આ માયાપુર અને માયાપુરમાં પણ આ સ્થળ ચૈતન્યનું જન્મસ્થળ છે. બોલ્યા :
નવદ્વીપ મધ્યે માયાપુર નામે સ્થાન
જે થાય જન્મિલેન ગૌરચંદ્ર ભગવાન
પેલા લીમડાની નીચલી ડાળીએ બહુ બધી લાકડાની ધાવણીઓ લટકતી હતી, સંતાનવાંછું દંપતીઓ બાંધી જાય છે.
મેં એ લીમડાનું એક પાંદડું સ્મૃતિચિહ્ન તરીકે લેવા હળવેકથી તોડ્યું. પછી ડાયરીના પારદર્શી પ્લાસ્ટિક કવરના અંદરના ભાગમાં જ્યાં સુરક્ષિત મૂકવા ગયો, તો ત્યાં હતું તમાલવૃક્ષનું એક પાંદડું, થોડા દિવસ પહેલાં વૃન્દાવનની યાત્રા વખતે આનંદવૃન્દાવન આશ્રમના તમાલવૃક્ષની ડાળીએથી તોડીને ત્યાં મૂકેલું. શ્રીકૃષ્ણનું તમાલપણું અને નિમાઈનું નીમપણું.
હું તો જોતો જ રહી ગયો. પછી સાથે સાથે ગોઠવ્યાં – એક પાંદડું તમાલનું અને એક આ પાંદડું લીમડાનું. આ બે પવિત્ર પાંદડાંના પ્રતીકથી કૃષ્ણ-ગૌરાંગનો કેવો અનુબંધ રચાઈ ગયો રે આ! વૃન્દાવનના તમાલને અને નદિયાના આ ‘નીમ’નો યોગ આકસ્મિક જ ગણું? ક્ષણેક તો મારી અંદર કશુંક ખળભળતું રહ્યું.
માયાપુરમાં એક મુસલમાન કાળની મજાર છે. વૈષ્ણવો એ જોવા જાય. તરુણ ચૈતન્યે જ્યારે નામસ્મરણનો–સંકીર્તનની ઉપાસનાવિધિનો આરંભ કર્યો ત્યારે કેટલાક લોકોએ આ વિસ્તારના કાજીને ફરિયાદ કરી. ‘જાહેરમાં સંકીર્તન કરવાની જ્યારે કાજીએ મનાઈ ફરમાવી’ ત્યારે ચૈતન્યદેવે કાજીને સામે પડકાર ફેંક્યો અને નગરની શેરીઓ વચ્ચે વિરાટ સંકીર્તન- સરઘસ કાઢ્યું. સરઘસ મોટેમોટેથી હરિનામ ગાતું શહેરમાં ફરવા લાગ્યું. કાજીના ઘર પાસે આવ્યું. કાજી તો આ વિરાટ દૃશ્ય જોતાં જે ગભરાઈ ગયા. ચૈતન્યે અભય આપી બહાર આવવા કહ્યું. એમણે ક્ષમા માગી જાહેરમાં સંકીર્તન કરવાની અનુમતિ આપી. કાજી ચૈતન્યદેવના ભક્ત બની ગયેલા! આ ચાંદ.
શ્રી માયાપુર ચંદ્રોદય મંદિરમાં પ્રવેશીએ એ પહેલાં બે હાથી સામે મળ્યા. એક તો મદનિયું હતું. બન્ને પર એક એક પરદેશી ગોરા બેઠેલા હતા. ગંગાકિનારે લઈ જતા હતા. ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદે કૃષ્ણચેતના (કૃષ્ણ કોન્શ્યસનેસ)નો વિદેશમાં ખૂબ જ પ્રસાર-પ્રચાર કર્યો છે. તેમના ઘણા અનુયાયીઓ દેશમાં-વિદેશમાં છે. આ ‘ઇસ્કોન’નાં મંદિરો ભારતમાં અનેક સ્થળોએ બંધાયાં છે. માયાપુરનું સંકુલ કદાચ સૌથી મોટું હોય.
મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ એની સ્વચ્છતા, સુઘડતા અને વૈભવ ધ્યાનમાં આવે. અહીં રેસ્ટોરાંનું નામ ‘ગોવિંદદાસ રેસ્ટોરાં,’ (રેસ્ટોરાંમાં ચા-બીડી ન મળે.) ફોટો-સ્ટુડિયોનું નામ તો ‘રાધામાધવ સ્ટુડિયો’. સુંદર બાગ. લખ્યું હતું: ‘કૃષ્ણ કે ફૂલ મત તોડો.’
ધૂપ-આરતી વખતે અમે મંદિરમાં પહોંચ્યા. મંદિરમાં કાળા આરસના કૃષ્ણની અને સફેદ આરસની રાધાની મૂર્તિઓ હતી. મહાર્ધ વસ્ત્રાભૂષણોથી સજ્જિત એ મૂર્તિઓ હતી. એક ‘સાહેબ’ને આરતી ઉતારતા જોઈ વિસ્મય થયું. પણ આ આરતી એકદમ વિધિપૂર્વક. આરતી પછી પ્રસાદવિતરણ. કીર્તનગાન ચાલતું હતું. ચૈતન્યની ભાવમુદ્રામાં નાચનાર ભક્તો પણ હતા. એક બાજુ ઇસ્કોનનાં સુંદર નયનાકર્ષક પ્રકાશનોના વિતરણની વ્યવસ્થા હતી.
આ મંદિરને ૨૦૦ કરતાંય વધારે ઓરડાવાળું વિશાળ બધી સગવડોવાળું અતિથિગૃહ છે. આ અતિથિગૃહમાં રહેવાની ઇચ્છા એટલે થતી હતી કે અહીંથી ગંગાદર્શન થયા કરે. પણ અમારે તો ગંગા પાર કરી નવદ્વીપમાં જઈ કીર્તન સાંભળવાં હતાં. અત્યારે આ મંદિરના પ્રાંગણમાં સ્વામી પ્રભુપાદનું એક ભવ્ય સ્મૃતિમંદિર બંધાઈ રહ્યું છે. મંદિરનો સમગ્ર સંકુલ એની વ્યવસ્થા અને વૈભવથી આપણા મન પર ઔ પાડી દે છે, પણ કોણ જાણે મન અહીં રમતું નથી.
મહાપ્રભુ ચૈતન્યદેવની આવતે વર્ષે આવતી જન્મ પંચ- શતાબ્દીને અનુલક્ષીને ઇસ્કોનના અનુયાયીઓએ દ્વારકાથી માયાપુર સુધીની વિરાટ પદયાત્રા શરૂ કરી છે.
સાંજ પડવામાં હતી. અમે માયાપુર ગામના મુખ્ય માર્ગે ચાલતા હતા, પણ શેરીઓ-ઘરો વચ્ચેથી ગંગાદર્શન થયા કરે. મેં અને સુનીલે વિચાર કર્યો કે આ વિરાટ ગંગાપ્રવાહ પર સૂર્યાસ્તદર્શન કરવાં. અમે એક શેરી પાર કરી શણના એક ખેતરમાં જઈ ઊભા. ખૂબ પહોળા પટમાં ગંગા વહેતી હતી. સૂર્ય લાલ થયો હતો. આ વખતે ગંગાના પટમાં વહેતી નૌકાઓ ચિત્રસદૃશ્ય લાગતી હતી.
રંગોની કોઈ પણ લીલા કર્યા વિના, કશાય વિદાય- સમારંભ વિના ચૂપચાપ સૂર્ય ડૂબી ગયો.
અમે જલાંગીના ઘાટ પર આવ્યા. નૌકામાં ઉતારુઓ ભરાવા લાગ્યા હતા. બીજી એક નૌકા ભરાઈને નવદ્વીપ ભણી જઈ રહી હતી. હોડીમાં બેઠેલા લોકો કોઈ સમૂહગાન કરતા હતા. કૃષ્ણનું હતું કે કાલીનું? લોકો ભલે ‘કાળું રૂપ, કાળું રૂપ’ બોલતા હોય પણ ‘કાલો રૂપે જગત ભોલા’ એ કાળા રૂપ પર જગત મોહ્યું છે! આ સમયે બધું બહુ ગમતું હતું.
અમારી નૌકા પણ ઊપડી. જલાંગીના જળમાંથી ગંગાના પ્રવાહ ભણી જવા લાગી. નદિયાની આ ગંગાનો અમારો પરિચય તો કેટલો બધો અલ્પ હતો, પણ એની અમને માયા લાગી ગઈ. બધું છોડી દઈ સંન્યાસી થઈ ગયા પછી પણ, ચૈતન્ય-જનનીના સ્મરણ સાથે જાહ્નવી ગંગાનું પણ કેમ સ્મરણ કરતા હશે, તે આ સાંધ્ય ગંગાનાં અદ્ભુત દર્શનથી થોડુંક સમજાતું હતું.
ગંગા પાર કરી નવદ્વીપને ઘાટે ઊતર્યા ત્યારે અંધકાર પણ ઊતરવા લાગ્યો હતો. ઘાટને રસ્તે દીવા થઈ ચૂક્યા હતા. આજે ભાદરવા વદ બીજ હતી. થોડી વાર પછી ચંદ્ર ઊગશે અને ગંગા ધવલ જ્યોત્સ્નામાં આલોકિત થઈ ઊઠશે. પણ અમારે જો કીર્તન સાંભળવાં હોય તે ગંગાનું એ અલૌકિક રૂપને જોવાનું જતું કરવું પડે.
એટલે ગંગાને નમસ્કાર કરી નવદ્વીપના રાજમાર્ગ પર ચાલવા લાગ્યા. દુર્ગાપૂજાના દિવસો આવતા હતા અને એની તૈયારી અત્યારથી થતી હતી. નવદ્વીપમાં અનેક સ્થળોએ દુર્ગાની નાનામોટા કદની માટીની સુંદર પ્રતિમાઓ તૈયાર થતી જોવા મળી. ચાર રસ્તાના વિશાળ ચોકમાં એક વિરાટ મંડપ બંધાતો હતો.
અમે દેવાનંદ ગૌડીય મઠમાં પહોંચ્યા ત્યારે તો કીર્તન શરૂ થઈ ગયાં હતાં. ગોસ્વામીજીએ અમારા આવવાની આશા કદાચ છોડી દીધી હોય, પણ અમે પહેચી ગયા હતા. મઠના સંન્યાસીઓ, વૈષ્ણવ ભક્તો, વૈષ્ણવીઓ સૌ સમવેત થયાં હતાં.
મંદિરના ઉપાસનાખંડમાં એક બાજુએ અમે પણ ઊભા રહી ગયા. વૈષ્ણવ ભક્તોની તન્મયતામાં એકદમ ભળી શકવાની અમારી માનસિકતા નહોતી. ખોલ-કરતાલના નાદ સાથે કીર્તનના શબ્દો ભળી જતા હતા. સૌ વૈષ્ણવો મહાભાવની મુદ્રામાં નર્તન કરતા હતા.
વૈષ્ણવ કવિ ચૈતન્યદાસનું ચૈતન્યદેવની મહાભાવની મુદ્રા વિશે રચેલું એક ગાન છે:
મહાભુજ નાચત ચૈતન્યરાય
કે જાને કતકત
ભાવ શત શત
સોનાર બરણ ગોરા ગાય…
મહાપ્રભુ ચૈતન્યની આ ભાવમુદ્રાનું સ્મરણ કીર્તનરત વૈષ્ણવોને જોઈને થતું હતું. ચૈતન્યદેવનું ભાવપ્રકાન ઘણી વખતે ઉન્માદની સ્થિતિએ પહોંચી જતું હતું. એ ઉન્માદ કૃષ્ણવિરહનો ઉન્માદ હતો. ચૈતન્યદેવનો કૃષ્ણવિરહનો એ ઉન્માદ જોઈને ભાવિકજનો સમજી શક્યા કે રાધાનો કૃષ્ણ માટેનો વિરહ એટલે શું?
ચૈતન્યદેવે જીવનનાં છેલ્લાં અઢાર વર્ષો પુરીમાં વિતાવ્યાં હતાં. ત્યાં દરરોજ જગન્નાથજીના મંદિરમાં જઈ ગરુડસ્તંભ આગળ ઊભા રહી કલાકો સુધી જગન્નાથજીની મૂર્તિ સામે આંસુ વહાવતા જોઈ રહેતા. જગન્નાથના મંદિરમાં જે સ્થળે તેઓ ઊભા રહેતા ત્યાં બાજુની ભીંતમાં એક ઊંડું નિશાન છે, તે બતાવી કહેવામાં આવે છે કે એક વેળા પ્રભુદર્શન વખતે ચૈતન્યની આકુલતા એટલી વધી ગઈ કે આ પથ્થરજડિત દીવાલ પીગળવાથી અંગૂઠાનું આ નિશાન પડી ગયું છે. જગન્નાથના મંદિરમાં એ સ્થળે ઊભા રહી જગન્નાથની મૂર્તિનાં દર્શન કર્યાં હતાં, એ ચિહ્ન પર અંગૂઠો પણ રાખી જોયો હતો. મનમાં થયું હતું કે હું વિડંબના કરી રહ્યો છું.
પરંતુ નવદ્વીપના આ મંદિરમાં કીર્તનરત આ વૈષ્ણવ ભક્તો પોતાનો ભક્તિભાવ પ્રકટ કરી રહ્યા છે. આખું વાતાવરણ ઉત્સવપૂર્ણ લાગતું હતું. વૈષ્ણવ પદો ઘણાં વાંચ્યાં હતાં, ઘણાં સાંભળ્યાં હતાં, પણ અહીં એનું પરંપરાગત દૃશ્ય-શ્રાવ્ય રૂપ ઊભરતું જોયું.
કીર્તન પછી ભાગવતપાઠ હતો. અસમના બરપેટા વૈષ્ણવસત્રમાં મધુર સ્વરે ભાગવતપાઠ કરતાં ભાગવતીને સાંભળવા સાંજ વેળાએ ભેગા થયેલાં હજાર કરતાંય વધારે અસમિયા વૈષ્ણવોને જોયા હતા. અસમમાં તો વૈષ્ણવ મંદિરમાં શ્રીકૃષ્ણની નહિ, શ્રીકૃષ્ણના વાઙ્મયરૂપની એટલે કે ભાગવતની પૂજા થાય છે.
દેશમાં ઓછાવત્તા ફેર સાથે થતી કૃષ્ણ-ઉપાસનાના કેન્દ્રમાં છે – ભાગવત. કદાચ આ એક ગ્રંથ ભારતની પ્રેમભક્તિ કવિતાનો ઉત્સ છે. અહીં ગોસ્વામીજી ભાગવતપાઠની સાથે વ્યાખ્યા પણ કરતા જતા હતા. મને ડોંગરેજી મહારાજની ભાવપૂર્ણ કથારીતિ સ્મરણમાં આવતી હતી.
આ નવદ્વીપમાંથી જે ગૌડીય વૈષ્ણવધારાનો આરંભ થયો હતો; તેનું પરવર્તી કેન્દ્ર તો બન્યું વૃન્દાવન, પણ હજી એ પરંપરા અહીં ચૈતન્યની જન્મભૂમિમાં જીવંત છે, તેની પ્રતીતિ થતી હતી. સાયં આરતી વખતે એ વાતની પ્રતીતિ દૃઢ થઈ. મને પ્રશ્ન થતો હતો કે આ બધા મઠોમાં રહેતા સંન્યાસીઓ, વૈષ્ણવો પ્રભુસેવામાં જ દિવસ વિતાવતા હશે શું? નરસિંહ મહેતાના શબ્દોમાં :
નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ નિરખવા નંદકુમાર રે!
મંદિરના ખુલ્લા ચોકમાં આવીને જોયું તો પૂર્વાકાશમાં ચંદ્ર ઉપર આવી ગયો હતો. નવદ્વીપનો ચંદ્ર. શાંત નવદ્વીપના માર્ગો ચાંદનીમાં વધારે શાંત લાગતા હતા. મને હવે ગંગાકિનારે જવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. એને ગંગાવિરહ જ કહીશ, પણ હવે રાત્રિ વેળાએ મઠનાં દ્વાર બંધ થઈ ગયાં હતાં, ઓછામાં પૂરું વીજળી જતી રહી. સર્વત્ર એકદમ ધવલ જ્યોત્સ્નાનો પ્રભાવ પ્રકટી ઊઠ્યો. ગંગા-ભાગીરથીનું રૂપ અત્યારે કેટલું નીખર્યું હશે!
છેલ્લી આરતી પછી મંદિરની પ્રદક્ષિણાનો રિવાજ છે. પ્રદક્ષિણા ‘હરે રામ હરે રામ’ની ધૂન ગાતાં ગાતાં કરવામાં આવે છે. ખોલ-કરતાલનો ધ્વનિ તો ખરો જ. સ્વચ્છ ચાંદનીમાં મંદિરની એકાધિક પ્રદક્ષિણા કરવાનો એક જુદો જ અનુભવ હતો.
પછી તો સૌ વૈષ્ણવભક્તો સાથે બેસીને ‘પ્રસાદ’ લીધો એટલે કે ભોજન કર્યું. ગોસ્વામીજીએ મારે માટે ખાસ ‘ચપાતી’–રોટલી બનાવડાવેલી, કેળના ધૌત પાંદડામાં જમવાનું હતું.
હજી વીજળી આવી નહોતી. અમે ગોસ્વામીજીના ખંડમાં ફાનસના અજવાળે વાત કરતા બેઠા. આ મઠની પ્રકાશન- પ્રવૃત્તિ આદિનો તેમણે પરિચય આપ્યો. પણ પછી ગૌડીય વૈષ્ણવતત્ત્વની ચર્ચા પર વાતો કેન્દ્રિત થઈ અને તેમાં પણ શ્રીરાધાના પરકીયા રૂપની ઉપાસનાની. પછી તો ગોસ્વામીજી રાધાતત્ત્વની મીમાંસામાં ઊતરી ગયા. જોયું કે શ્રીરાધાનો મહિમા શ્રીકૃષ્ણના મહિમા કરતાં દશાંગુલ ઊર્ધ્વ છે.
સૂતાં પહેલાં હું અને સુનિલ અતિથિનિવાસની ખુલ્લી ઓસરીનાં ચાંદનીરસિત પગથિયાં પર બેસી વાત કરતા રહ્યા. ઓરડામાં પંખા વિના તાપ લાગે તેમ હતું. વીજળી પ્રકટ થતાં અમે સૂવા ગયા.
સવારની આરતીવેળાએ અમારે હાજર રહેવું હતું, એટલે બ્રાહ્મમુહૂર્તે અમે જાગીને તૈયાર થઈ ગયા હતા. પ્રભાત-આરતીનું વાતાવરણ પ્રસન્નકર હતું. આરતી પછી તરત અમારે નીકળવાનું હતું. સવારની ગાડીનો સમય અમને અનુકૂળ હતો. નવદ્વીપનાં બીજા મંદિરોમાંથી પણ આરતીના ઘંટારવ સંભળાતા હતા.