ચૈતર ચમકે ચાંદની/કદંબ એટલે સ્પર્શનો રોમાંચ

From Ekatra Wiki
Revision as of 16:10, 26 July 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
કદંબ એટલે સ્પર્શનો રોમાંચ

કેટલાય દિવસથી આકાશ મેઘછાયું છે. ઇચ્છા થાય ત્યારે મેઘ એકદમ વરસી પડે છે અને પછી જાણે વરસવાની લીલા સંકેલી લઈ વિવિધ આકારો ધરી યથેચ્છ ગગનવિહાર કરે છે. આવે સમયે શરીર બંદી અવસ્થામાં હોવા છતાં મન મુક્તવિહારે એ મેઘોની સાથે નીકળી પડે છે, કે પછી આત્મસ્થ થઈ સ્મૃતિલોકમાં નિમજ્જિત થાય છે.

કાલે સાંજે ફરવા જતાં વાતચીતમાં કદંબનો ઉલ્લેખ થયેલો. મનના નેપથ્યમાંથી એ જાણે બહાર આવી વારંવાર દોલાયિત થાય છે. આવળ-બાવળ-લીમડા-મહુડા-આંબા, આંબલી અને બોરડીના ઝાડ-ઝાંખર સાથે મોટા થતા અમને જ્યારે કદંબ નામ કાને પડેલું ત્યારે તેની સાથે હતા શ્રીકૃષ્ણ. ગેડી-દડો રમતાં રમતાં જ્યારે દડો કાલિન્દીનાં કાળાં જળમાં જઈને પડ્યો ત્યારે શ્રીકૃષ્ણે કાંઠેના કદંબના ઝાડ ઉપર ચઢી કાલીયદહમાં ભૂસકો માર્યો હતો.

આ જ્યારે ગામડા-ગામની નિશાળમાં વાંચવામાં આવેલું ત્યારે કદંબ એક વૃક્ષના નામથી વિશેષ નહોતું. એ વૃક્ષનું કે એ વૃક્ષના ફૂલનું કોઈ ચિત્ર ઊભરતું નહોતું. કદંબ જોયું હોય ત્યારે ને?

આજે પણ કદંબ ક્યાં જોવા મળે છે? અમદાવાદની વાત કરીએ તો એક કદંબ એક વખતના શાંતિનિકેતનના છાત્ર અને પછી મા. જે. ગ્રંથાલયના ગ્રંથપાલ મોહનદાસના ઘરના આંગણમાં છે. પહેલી વાર કદંબ બેસે કે મોહનદાસ કવિ ઉમાશંકરને આપવા જાય. એક વાર સંસ્કૃતના અધ્યાપક ડૉ. ગૌતમ પટેલનો ફોન આવ્યો કે આંગણમાં કદંબ બરાબર ખીલ્યો છે, જોવા આવો. શાહીબાગના પુરાણા બાગો ઉજાડ કરી નવી થતી સોસાયટીઓમાં અમારા મિત્રના નવા ઘરને ખૂણે એક એકલવાયું જૂનું કદંબ બચી ગયું છે. હશે, કદંબ બીજે પણ હશે, ક્યાંક રડ્યુંખડ્યું પણ મને ખબર નહિ.

એક વાર પ્રદ્યુમ્નવિજયજી મહારાજસાહેબે મને કહ્યું કે ડ્રાઇવઇન વિજય ચાર રસ્તે જતાં રસ્તાની ધારે એક બંગલાના કમ્પાઉન્ડમાં કદંબ છે. એને ગ્રીષ્મમાં ફૂલ આવે છે.

તો શું અમારા ઘરથી અનતિદૂર કદંબનું ઝાડ છે – અને અમને ખબર નથી જ્યારે આ વિષયવ્યાવૃતકૌતૂહલ મુનિને એની ખબર છે? વળી એને ગ્રીષ્મમાં ફૂલ આવે છે એ પણ જોયું છે?

કદંબ સામાન્ય રીતે વર્ષાઋતુમાં પુષ્પિત થાય છે. કાલિદાસે મેઘદૂતમાં કહ્યું છે કે મેઘનો સંપર્ક થતાં જાણે કદંબ વૃક્ષ રોમાંચિત થઈ જઈ પુષ્પિત થાય છે.

મેઘજળના છાંટા પડે એટલે કદંબને ફૂલો બેસે એવું હું માનતો. પણ મહારાજસાહેબની પ્રકૃતિ-નિરીક્ષણપ્રિયતા હું જાણું એટલે એમની વાત ખરી હશે કે એ કદંબ ગ્રીષ્મમાં પુષ્પિત થતું હશે. આપણા પ્રસિદ્ધ તસવીરકાર અશ્વિન મહેતા પાસેથી પછી જાણવા મળ્યું કે કદંબને એપ્રિલ-મેથી માંડીને ઑગસ્ટ-સપ્ટેમ્બર દશેરા સુધી ફૂલો આવે છે. પ્રાદેશિક ફેરફાર થાય ખરા, જેનો આધાર છે હવાનો ભેજ.

અશ્વિનભાઈએ અસમ તરફ થતા એક અન્ય પ્રકારના ‘તરુઆ કદંબ’ વિશે પૃચ્છા કરતો પત્ર મને લખેલો. અને પછી તીથલના એમના નિવાસના પ્રાંગણમાં ‘તરુઆ કદંબ’નો એ છોડ બતાવેલો. પણ એમના મતે ‘ ‘તરુઆ કદંબ’ બાવળકુળનું ઝાડ છે. આપણા કદંબ સાથે કોઈ સંબંધ નહિ, છતાં ફૂલમાં ઘણું સામ્ય. કદંબનું ફૂલ ઊંધા દૂરબીને જુઓ તો તરુઆ કદંબના ફૂલ જેવું લાગે. સુગંધ અતિ દિવ્ય, વિલક્ષણ ને કદંબ કરતાં જુદી પણ અસમિયા લોકોએ એને કૃષ્ણ સાથે સાંકળી લીધું છે.’ એની સુગંધની પ્રતીતિ કરાવવા ટપાલમાં સાચવીને તરુઆ કદંબનું એક નાજુક ફૂલ પણ મોકલી આપેલું. ખાસ તો એની સુગંધ માટે.

સાહિત્ય-કવિતામાં કદંબનો ઉલ્લેખ ઘણી વાર વાંચવામાં આવતો, પણ પહેલી વાર કદંબનું પુષ્પ જોયું તો રોમાંચિત થઈ જવાયું અને જાણે પ્રમાણ્યું કે કદંબ એ રોમાંચનું પ્રતીક છે. નાનકડું ગોળ ફૂલ, એને કળીઓ નહિ, પણ હોય કેશર. એની વિશિષ્ટ ઘ્રાણ નાસાપુટને ભરી દે. પણ કદંબ જાણે ગંધનું નહિ, સ્પર્શનું ફૂલ છે. કદંબ એટલે જ રોમાંચ. સંસ્કૃત કવિઓ આ જાણે છે.

શૂદ્રક કવિના ‘મૃચ્છકટિક’નો નાયક ચારુદત્ત મેઘને કહે છે, કે હે મેઘ, તારી કૃપાથી હું સ્પર્શનો રોમાંચ અનુભવું છું. મારું શરીર ‘કદંબપુષ્યત્વમુપૈતિ – કદંબપુષ્યત્વ પામે છે.’ પણ ખરું કહું, આ માટે સંસ્કૃત કવિના પ્રમાણની જરૂર નથી, કદંબ જોતાં આપણે જાતે પ્રમાણી શકીએ એમ છીએ.

કદંબ ફૂલ જોયું, પણ પહેલીવાર કદંબનું ઝાડ અકસ્માતે જોવા મળ્યું. એક વાર જૂનના પહેલા અઠવાડિયામાં થોડા દિવસ માટે સાપુતારા જતાં હતાં. અમદાવાદથી ડાંગના આહ્વા થઈ સાપુતારાની સીધી બસ. જંગલ વચ્ચે ઊંચાણે જતી સડક પર બસ જતી હતી.

સવારથી વાદળ તો હતાં જ, જોરથી પવન પણ શરૂ થયો અને જોતજોતામાં વરસાદ. પવનનો વેગ અત્યંત પ્રચંડ હતો. રસ્તાની ધારે ઊભેલાં વૃક્ષો અમળાઈ જતાં હતાં. ત્યાં બસથી થોડે દૂર એક આંબાની જબરદસ્ત મોટી ડાળ ઊખડીને એવી આડી પડી કે બસને રોકી દેવી પડી. રસ્તો એવી રીતનો બન્ને બાજુ ઢોળાવવાળો હતો કે એ પ્રચંડ ડાળને હટાવાય નહિ, ત્યાં સુધી બસ આગળ જાય નહિ. વરસાદ ધીમો પડ્યો હતો. રસ્તામાં બીજાં પણ ડાળાં-પાંખડાં વૃક્ષોથી વિચ્છિન્ન પડ્યાં હતાં.

અમે બસમાંથી બહાર નીકળ્યાં. જોયું રસ્તાની ધારે જે નદીપ્રવાહમાં પથરા પડ્યા હતા, ત્યાં દૂરથી એક જળપ્રવાહ ફીણફિસોટા સાથે આવી રહ્યો છે. આ તો પહાડી નદી. જળ ચઢતાં કે ઊતરતાં વાર નહિ. ભીના રસ્તે જરા આગળ જોયું તો વૃક્ષથી વિચ્છિન્ન કેટલીક સપુષ્પ ભીની ડાળીઓ. નીચે નમી ઉપાડી – ઓહ! આ તો કદંબ! વરસાદનાં ભીનાં-તાજાં કદંબ, ભલે છિન્ન. અમે રોમાંચિત થઈ ઊઠ્યાં. એક ડાળી ઉપર આટલાં કદંબ! ફૂલ નાકે ધર્યા તો એની તીવ્ર અને માદક સુગંધ તર કરી ગઈ. પછી જોયું એ કદંબનું ઝાડ. અમને થયું કે જાણે આ કદંબદર્શન કરાવવા માટે જ રસ્તા આડે આંબાની ડાળીએ આત્મસમર્પણ કર્યું હતું.

પછી ક્યાંક ક્યાંક કદંબ જોવા મળતાં. શાંતિનિકેતનમાં વરસાદના દિવસોમાં એક વેળા મિત્ર કૈલાસના હાથમાં કદંબ જોઈ પૂછ્યુંઃ ‘ક્યાંથી?’ તો કહે, ‘તમે જોયાં નથી?’

‘રતનકુઠિને માર્ગે કદંબની હાર છે.’ અને હું દોડ્યો — ઓહ! સરખે અંતરે પાંચ-છ કદંબના વૃક્ષ – એકદમ પુષ્પિત.

એક વાર તે પહેલાં કદંબ વૃક્ષનાં દર્શન અમે કરેલાં વલસાડ પાસે અતુલના પરિસરમાં. ગુજરાતના ઘણાબધા લેખકો ત્યાં હતા, વરસાદના જ દિવસો હતા. ત્યાંની સઘન વૃક્ષરાજી વચ્ચે ફૂલોથી ભરચક છતનાર કદંબ. લાભશંકર આદિ કવિમિત્રો રાજીરાજી. મારે મોઢેથી મેઘદૂતનો ‘હસ્તે લીલા કમલમ્’વાળો શ્લોક નીકળી પડ્યો જેમાં કદંબનો – (નીપ-કદંબ) ઉલ્લેખ આવે છે – અલકાનગરીની સ્ત્રીઓ માત્ર પુષ્પોનાં આભરણ પહેરે છે. હાથમાં લીલાકમલ, લટમાં કુંદકલી, કેશપાશમાં લાલ કુરબક (જાસૂદ), કાને શિરીષ અને સેંથીમાં મેઘના સંપર્કથી ખીલેલું કદંબ– ‘સીમન્તીનાં ત્વદુપગમજં યત્ર નીપં વધૂનામ્.’

શાંતિનિકેતનનાં કદંબ એવાં જ પુષ્પિત. અહીં તો ટાગોરની ગીત-પંક્તિઓ હવામાં ગુંજતી હોય. કોઈ બોલ્યું – ‘બાદલ દિનેર પ્રથમ કદમ ફૂલ કરેછ દાન’ – ‘વર્ષાના દિવસનું પ્રથમ કદંબ ફૂલ તેં મને આપ્યું છે…’ ગીતની પ્રથમ પંક્તિ જ એવી છે કે ક્યાંક એવા સ્મૃતિલોકમાં લઈ જાય, જ્યાં કોઈએ આમ ફૂલ ધર્યું હોય. કદાચ એ કદંબની હાર જોઈને ટાગોરે બીજા એક ગીતમાં આમ કહ્યું છે :

‘કદંબેરઈ કાનન ઘેરિ આષાઢ મેઘેર છાયા ખેલે’

— કદંબના જ વનને ઘેરીને અષાઢ મેઘની છાયા ખેલી રહી છે, વરસાદના સ્પર્શથી વનેવનમાં કંપ ફેલાઈ જાય છે ને મારું આ વિરહી મન દૂર દૂર જવા પાંખો પ્રસારે છે.

‘વિરહી એઈ મન યે આમાર સુદૂર પાને પાખા મેલે.’

આદિકવિ વાલ્મીકિ તો આમેય આરણ્યક કવિ હતા. તેમણેય – વિરહી રામને મુખે કદંબની વાત કહેવડાવી છે. સીતાહરણ પછી વિહ્વળ બનેલા રામ જે કોઈને પૂછતા જાય છે, ત્યાં કદંબ જોતાં એને પૂછે છે – હે કદંબ જેને કદંબ પ્રિય હતાં એવી મારી પ્રિયા (કદંબપ્રિયા પ્રિયા)ને તેં ક્યાંય જોઈ ખરી?

કદંબપ્રિય તો શ્રીકૃષ્ણ પણ હતા, પણ એમના મોટા ભાઈ બલરામને તો ઘણાં પ્રિય. એટલાં પ્રિય કે કદંબનું જ એક બીજું નામ ‘હલિપ્રિય’ (હલિ કહેતાં બલરામ) છે. પણ બલરામ માટે કદંબની સુંદરતા એનું કારણ નહિ હોય, જેટલું કારણ છે કાદંબરી (બાણભટ્ટની નહિ) –કદંબમાંથી બનતી એક મદિરા. બલરામ હાલાપ્રિય હતા એ વાત તો જાણીતી છે. એ હાલાના પ્યાલામાં એમની પત્ની રેવતીનાં લોચનોનું પ્રતિબિંબ પડે એમ તે હાથ ધરી પાન કરતા. કૌરવ-પાંડવોની લડાઈ વખતે તેઓ કુરુક્ષેત્રને કિનારે આવી ‘રેવતીલોચનૌકા હાલા’ છોડી દઈ સરસ્વતીનું જળ પીતા એવો કાલિદાસે મેઘદૂતમાં નિર્દેશ કર્યો છે.

વાલ્મીકિના રામની જેમ ભવભૂતિનાં સીતા અને રામ પ્રકૃતિપ્રિય છે. ઉત્તરરામચરિતનો પહેલો અંક ચિત્રદર્શનનો છે. વનવાસ પછી અયોધ્યાના રાજા બનેલા રામે અરણ્યવાસનાં ચિત્રો રાજકલાકાર પાસે દોરાવ્યાં છે. રામ અને સીતા સાથે એ ચિત્રો જુએ છે અને અતીતની એ મધુર સ્મૃતિઓમાં ઊબડૂબ કરે છે. એક ચિત્ર જોઈને સીતા લક્ષ્મણને પૂછે છે :

‘વત્સ, ખીલેલાં કદંબ પર જ્યાં મોર નાચી રહ્યા છે, એ ગિરિનું શું નામ છે?’

પંચવટીમાં સીતાએ પોતે પાણી પાઈને કદંબ ઉછેરેલા. સીતાત્યાગ પછી બાર વર્ષે રામ જ્યારે શંબૂકવધ પ્રસંગે એ દંડકારણ્યમાં પ્રવેશે છે કે વિરહી રામ જાનકીની સ્મૃતિઓથી છલકાઈ ગયા છે. વનદેવતા વાસંતી જેની ટોચ પર મોર ઢેલ સાથે નાચે છે, એવા કદંબ ભણી ધ્યાન ખેંચે છે. એ કદંબ જોતાં રામ બોલી ઊઠે છેઃ
‘કતિપય કુસુમોદ્ગમઃ કદમ્બઃ |

પ્રિયતમયા પરિવર્ધિતો આસીત્’

ફૂલબેઠેલું એ કદંબ પ્રિયાએ ઊછેર્યો હતો.

બાર વર્ષે પણ રામ ઓળખી ગયા.

કવિ ભવભૂતિએ એક એવી ઉપમા પણ પ્રયોજી છે, જેમાં કદંબ પ્રિયસ્પર્શના રોમાંચનું ઉપમાન બને છે. રામ અદૃષ્ટ સીતાનો હાથ પકડે છે તો સીતાનું આખું શરીર જાણે કદંબયષ્ટિ! રોમાંચિત સીતાને જોઈને તમસા બોલે છે : ‘નવમેઘની વર્ષાથી જે પરની કળીઓ પ્રફુલ્લિત થઈ ઊઠી છે એવી પવનથી હલી ઊઠેલી કદંબડાળી સમી (કદમ્બયષ્ટિ સ્ફુટકોરકેવ) સીતા રામના સ્પર્શસુખથી રોમાંચિત, કંપિત થઈ ઊઠી છે.’

મોટા મોટા સંસ્કૃત કવિઓની વાત જવા દઈએ. અદના લોકગીતકારો પણ કદંબની વાત લઈ આવ્યા છે. તમાલની જેમ એમના કદંબનો શ્રીકૃષ્ણ સાથે સંબંધ છે:
સોળસે ગોપીઓ ટોળે મળીને

જમનાજી નાવા જાય, વા’લા અળગા રોને

વસ્તર ઉતારી કાંઠે રે મેલ્યાં.

પેઠી જમનાજી માંય, વા’લા અળગા રોને

વસ્તર હરી ગયો વિઠ્ઠલો ને

ચડિયો કદંબની ડાળ, વા’લા અળગા રોને

આજે પણ વૃંદાવનમાં જમનાજીને કાંઠે ચીરઘાટ પર ‘વસ્તર હરણ’ના સાક્ષી એ કદંબનું વૃક્ષ બતાવાય છે, જેની ડાળીઓમાં ભક્તનારીઓએ ચઢાવેલાં ચીર પવનમાં લહેરાય છે.

૬-૮-૯૫