કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૧. ક્યાં છો ચંદ્રકાન્ત?

From Ekatra Wiki
Revision as of 09:08, 28 July 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. ક્યાં છો ચંદ્રકાન્ત?

ચંદ્રકાન્ત શેઠ

ક્યાં છો ચંદ્રકાન્ત? તમે ક્યાં છો? ક્યાં છો?
તમારા આ બોલાયેલા – લખાયેલા શબ્દો,
– એમાં તમે નથી, તમારી છે છાયા;
– જેને તમારું ના સ્હેજે અભિજ્ઞાન.
ચંદ્રકાન્ત!
તમોને ભુલાવી દેતા તમારા અરીસા
– એને તોડીફોડી કેમ નથી દેતા?
તમારી જ આરતીને સહી લો છો શાને?
કેમ ફૂંક મારી હોલવી ના દેતા?
તેજના તમિસ્રમાંથી નીકળો રે બહાર,
તમારું જે રૂપ, જુઓ તમારીયે પાર!
શ્વાસથી ઉચ્છ્વાસના ઝૂલાએ રોજ ઝૂલો,
કદી અંતરાલે માંડી ખરી મીટ?
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ
– જેનો આમ નિષ્પંદ શો છંદ ઊંડો નસે નસે ચાલે?
ફૂલ જેમ હસો છો ને કરો છો કલ્લોલ!
તમે જાણો છો?
– અનંતમાં જે અંતે તમે ઝૂલો
એ કાળના તરુની કોણ ડાળ?
‘ચંદ્રકાન્ત’ નામની ધજાઓ જ્યાં ચઢાવી,
એ જ મંદિરે ના જાણે કોઈ ‘ચંદ્રકાન્ત’ કોણ!
ચંદ્રકાન્ત, તમોએ જે ઉછેર્યું એ ઘર,
એ જ જાણે નહિ ‘ચંદ્રકાન્ત’ કોણ!
‘ચંદ્રકાન્ત’ નામના જે રાજપથે ચાલો
એને તમારાં ના પગલાંની જાણ.
ઢગ ઢગ ફૂલોએ જે પામ્યા તમે માન,
એમાં તમારા જ સ્મિતની ના શાન.
‘ચંદ્રકાન્ત’ નામની દીવાલો ઓઢી ઓઢી
તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા!
‘ચંદ્રકાન્ત’ – એ જ તમે એમ માની–ચાલી,
ભલા ખુદનેય દૂર ઠીક રાખ્યા!
‘ચંદ્રકાન્ત’ નામ પઢ્યા પોપટની જેમ
તોય,
મરચાના જેટલીયે
ચાંચને તમારી પૂછો,
‘ચંદ્રકાન્ત’ નામની પિછાન છે કે કેમ?
‘ચંદ્રકાન્ત’ નામ માટે
શબ્દોના મિનારા ચણ્યા,
સંબંધોનાં જાળ વણ્યાં,
પરઘેર પાણી ભર્યાં,
રંગલાના વેશ કર્યા,
સાત સાત પૂછડાં ઉગાડ્યાં ને કપાવ્યા કર્યાં!
કેટલાયે કૅમેરાની આંખો પ્હેરી,
અંધકારો આંજી આંજી,
પ્રકાશોથી રંગી રંગી,
પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,
ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા;
ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!
ચારેકોર ચંદ્રકાન્તો
ખીચોખીચ
કીડિયારાં રચી રચી જીવે,
– એમાં હું જ હોઉં એવો સાચો
એક તો બતાવો મને
ચંદ્રકાન્ત ક્યાં છે?
ક્યાં છે?
ક્યાં છે?

(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧-૩)