સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/જીવતા મહાકાવ્યની ગાથા

From Ekatra Wiki
Revision as of 06:31, 1 June 2021 by ArtiMudra (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ઠક્કરબાપા એક વિરલ લોકસેવક છે. તેમનામાં અભિમાન કે આડંબરનો છાંટો નથી. તેમને સ્તુતિ જોઈતી નથી. તેમનું કામ એ જ તેમનો એકમાત્રા સંતોષ અને એકમાત્રા મનોરંજન છે. ઘડપણે એમનો ઉત્સાહ મોળો પડયો નથી. એક વાર મેં એમને લખ્યું કે, ‘તમે જરા આરામ લો તો સારું.’ તરત જ જવાબ આવ્યો : ‘આટલું બધું કરવાનું પડ્યું છે ત્યાં આરામ શી રીતે લઈ શકાય? મારું કામ એ જ મારો આરામ હોવો જોઈએ.’ પોતાના જીવનકાર્ય પાછળ શક્તિ ખરચવામાં તેઓ તેમની આસપાસના એકેએક જુવાનને શરમાવે છે. — ગાંધીજી આ મૂંગા માનવસેવકનું ભવ્ય જીવનસમર્પણ જીવતા કો’ મહાકાવ્યની ગાથા સમું છે. માંડ ૨૦-૨૫ રૂ.ના દરમાયાથી ભાવનગરમાં એક પેઢીમાં ગુમાસ્તાગીરી કરતા પિતા વિઠ્ઠલદાસ ઠક્કર અને માતા મૂળીબાઈના સંતાન અમૃતલાલનો જન્મ ૧૮૬૯માં ૨૯મી નવેમ્બરે (ગાંધીજી પછી લગભગ બે મહિને) થયેલો. પિતાની ગરીબાઈ ઉપરાંત કરડાઈ અને સખ્તાઈનો સ્વાદ પણ એને ચાખવા મળેલો. પણ વિઠ્ઠલદાસભાઈમાં એક મહાન ગુણ હતો વ્યવસ્થાનો. અપાર અવ્યવસ્થાવાળા મોટા કુટુંબમાં એ દરેક ચીજને એના યોગ્ય સ્થાને મૂકતા. વેરણછેરણ પડેલાં સ્ત્રીઓનાં કપડાંને પણ ઘડી કરીને ગોઠવતા, દાદર પાસે પડેલા જોડાના ઢગલાને હારબંધ ગોઠવતા, બાળકે ગંદું કરેલું જાજરુ જાતે ધોઈ સાફ કરતા. પિતાનો આ વ્યવસ્થાપ્રેમ અમૃતલાલના લોહીમાં ઊતરેલો. ઘરની ગરીબી વચ્ચે અમૃતલાલે મૅટ્રિક સુધીનો અભ્યાસ ભાવનગરમાં જ પૂરો કર્યો. પછી તેને ક્યાંક નોકરીએ વળગાડી દેવાનો, કોઈ પણ કંગાલ પિતાને માટે સ્વાભાવિક ગણાય તેવો, લોભ છોડીને વિઠ્ઠલદાસભાઈએ પેટે પાટા બાંધીને પણ તેને પૂનાની એન્જિનિયરિંગ કૉલેજમાં દાખલ કર્યો. ગરીબ બાપના એ ફરજંદે ત્યાં સદાશિવ પેઠમાં કોટડી ભાડે રાખી કરકસરથી ગુજારો કરતે કરતે ત્રાણ વરસને અંતે એલ.સી.સી.ની ઉપાધિ મેળવી. પૂનાનું ખર્ચ પૂરવા માટે એમની માતાએ પોતાના નજીવા દાગીના પણ વેચેલા, તેની સભાનતા સાથે અમૃતલાલ ઠક્કર તરત નોકરીએ ચડી ગયા. થોડો વખત જુદી જુદી નોકરીમાં ગાળ્યા પછી છપ્પનિયાના દુકાળના વરસમાં એ પૂર્વ આફ્રિકા ગયા. ત્યાં કેન્યા-યુગાન્ડા રેલવેમાં કામ કર્યા બાદ ૧૯૦૪-૦૫માં મુંબઈ શહેર સુધરાઈમાં જોડાયા. સારાયે મુંબઈનગરનો ઉકરડો ખેંચી લાવી કેટલાક એકરના વિસ્તારવાળા એક વિશાળ વિસ્તારમાં ઠાલવતી ‘લાઇટ રેલવે’ના એ નિરીક્ષક બન્યા. કચરો ઠાલવવાનું કામ કરતા માણસોનું એક મોટું સૈન્ય એમની દેખરેખ નીચે હતું. એ લોકોની વસાહત એટલે એક જીવતું, ખદબદતું નરક. કંગાલ, કરજદાર, જુગારી અને બીજી અનેક રીતે જીવનભ્રષ્ટ, આ અછૂત દલિતોની હાલત જોઈને એવા લોકોની જીવનભરની સેવાની હૃદય-દીક્ષા અમૃતલાલ ઠક્કરે નોકરીની શરૂઆતમાં જ લઈ લીધી. આખરે તેનું પરિણામ શું આવ્યું, તે તા. ૨૫-૧-૧૯૧૪એ તેમણે કુટુંબ પર લખેલા આ પત્રામાં જોઈ શકાશે : વહાલા ભાઈઓ, આ પત્રા લખતાં મને દુઃખ થાય છે. કારણ કે હું માનું છું કે આ પત્રા માંહેના સમાચાર તમને સૌને ભારી દર્દ કરશે. મુંબઈ મ્યુનિસિપાલિટીની નોકરીનું મેં રાજીનામું આપ્યું છે અને નોકરીમાંથી ફારેગ થઈને હું સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાઈશ. આ સંબંધમાં મેં કોઈની સલાહ લીધી નથી; ફક્ત મારા અંતરાત્માની આજ્ઞા મુજબ આ પગલું લીધું છે. મારી નોકરી દરમિયાન હાથ નીચેના માણસોની સાથે મારે અપાર મોહબ્બત બંધાઈ છે; એટલું જ નહીં, મેં બાંધેલા રસ્તાઓ સાથે — એ નિર્જીવ છે તે છતાં — પ્રેમના બંધોથી હું બંધાયો છું. મારાં આપ્તજનો કરતાં પણ મારા આ માણસો અને રસ્તાઓથી વિખૂટા પડતાં મને વિશેષ દુઃખ થાય છે, અને મારા સાથી અમલદારે કાલે મને કહ્યું તેમ, હું જાણે સેંકડો નોકરો અને હજારો મજૂરોનો કોઈ અપરાધ કરી રહ્યો હોઉં તેમ લાગે છે. મારી ઉપર મમતા વરસાવનારા અને મને સદા મીઠી દુવા દેનાર એ હજારો માણસોને જાણે રખડાવીને હું ચાલ્યો જતો હોઉં એમ મને લાગે છે. કોઈ કહે છે કે નોકરી દરમિયાન મારા દરજ્જા અને પ્રતિષ્ઠાને આધારે હું ગરીબોમાં જે હિતકાર્યો કરી શક્યો, તે નોકરી છોડયા પછી બિલકુલ નહીં કરી શકું. તેમ છતાં, હું ખાતરીપૂર્વક માનતો થયો છું કે હિંદુસ્તાનને સમગ્ર જીવન અર્પણ કરી દેનારા સેવકોની જરૂર છે, અને નહીં કે પોતાની ફુરસદે ને સગવડે કામ કરનારાઓની. આજીવન કાર્યકર્તાઓ હિંદુસ્તાનને ન સાંપડે ત્યાં સુધી આપણી કશી પ્રગતિ જ નહીં થઈ શકે. સાચા કામ કરનારાઓ માટે તો પૈસાના ભંડાર ભર્યા પડ્યા છે. ગોખલેજી જેવાના ચરણોમાં લાખો રૂપિયાના ઢગલા થાય છે, પણ સાચા કામ કરનારા તેમને નથી મળતા. હવે તમારું મારી પાસે કોઈ લેણું હોય તો વેળાસર જણાવશો, કારણ કે હું સૌની સાથે મારો હિસાબ ચૂકવી લેવા માગું છું. આજ સુધી જે જે સંસ્થાઓ કે વ્યક્તિઓની આર્થિક સહાયથી સેવા કરવાનું મારું સદ્ભાગ્ય હતું, તે હવે પૂરું થાય છે તે તો વણકહ્યું પણ સમજાશે. મારી અંતરવ્યથાનો હવે અંત આવે છે. જીવનના સર્વ વિયોગો દુઃખકર છે, પણ હું ઉમદા સેવાકાર્ય માટે તમને સૌને ત્યજી જાઉં છું અને સમજું છું કે તમારી સૌની મને શુભાશિષો છે.


લિ. તમારો બાંધવ


અમૃતલાલ

દીક્ષાધારી મિશનરી તરીકેના આ નવજન્મને પહેલે જ પગલે અમૃતલાલ ઠક્કરને મથુરા તરફના દુષ્કાળ સંકટનું રાહતકામ સોંપાયું. ૧૯૧૮ના અરસામાં એ જાતની કામગીરી ગુજરાતના પંચમહાલ જિલ્લા અને આસપાસના પ્રદેશમાં એમને બજાવવાની આવી. તે દિવસોમાં દાહોદ-ઝાલોદનાં ભીલ ગામડાંની દુર્દશા નિહાળનારા અમૃતલાલભાઈ હવે ‘ઠક્કરબાપા’નું સંબોધન પામ્યા હતા. ૧૯૨૨માં ભીલ સેવા મંડળની સ્થાપના કરીને તેમણે પોતાની જીવન-મજલનો બીજો અવિસ્મરણીય ખાંભો રોપી દીધો. સેવકોનું જૂથ ત્યાં બાપાએ ઊભું કર્યું અને વિશાળ ભીલપ્રદેશ પર સેવા મંડળની વડવાઈઓ વિસ્તરી ગઈ. અર્ધમાનવી જેવા ભીલોનાં બાળકોની કેળવણી, વૈદકીય સારવાર અને સમાજસુધારા, જે ઘણાંને સ્વપ્નમય ભાસતાં, તે બાપાએ સત્યસૃષ્ટિમાં ઉતારી દેખાડયાં. યરવડા જેલમાં ગાંધીજીના ઐતિહાસિક ઉપવાસ પછી અસ્પૃશ્યતાનું મહાપાપ ધોવાના દેશવ્યાપી કાર્ય માટે હરિજન સેવક સંઘની સ્થાપના ૧૯૩૨માં થઈ. તેની ધૂંસરી ઠક્કરબાપાના પહોળા કાંધ પર આવી અને ગાંધીજીના આદેશથી સંઘનું મંત્રીપદ એમણે સંભાળ્યું. એ સંઘની પ્રવૃત્તિમાં બાપાએ કયો પાયાનો સિદ્ધાંત સ્વીકારેલો હતો, તે એક જુવાન સ્વજન પરના તેમના તા. ૨૯-૧૧-૪૭ના પત્રામાંથી ઉતારેલા નીચેના શબ્દોમાંથી જડે છે : આગ્રામાં સેન્ટ જોન્સ કૉલેજના છોકરાઓ આગળ મેં હરિજન કાર્યનું વર્ણન આપ્યું. તેમાંથી એક-બે જણે કહ્યું કે, આ તો અમને બહુ મોળું લાગે છે. મેં પૂછ્યું કે ત્યારે તમારી ઝડપે તમે એ કઈ રીતે કરો? જવાબ મળ્યો કે કાયદો કરીને અસ્પૃશ્યતાનો નાશ કરી નાખીએ. પણ એમ કાયદો કરીને અસ્પૃશ્યતા નાબૂદ ન થઈ શકે. એ તો લોકોની જોડે સમજાવટથી, માથાકૂટથી અને લમણાંઝીંકથી જ થાય, તે સમજાવ્યું. કાયદાના ઝટકાથી નહીં, પણ જનતાનો સંસ્કારપલટો કરીને મેળવવાની સિદ્ધિએ ૬૩ વર્ષના એ બુઢ્ઢા પાસેથી પ્રથમ તો માગી લીધા લાંબા લાંબા પ્રવાસો. રેલવેમાં ત્રીજા વર્ગ સિવાય મુસાફરી નહીં; રેલપાટાથી ૫૦-૬૦ માઈલ દૂર પડેલાં ગામડાં સુધી મોટરખટારાથી પહોંચવું. રેલવેનાં ટાઇમટેબલો ઝીણવટથી જોઈને દરેક દિવસની મુસાફરીના કલાકો ને મિનિટો નક્કી કરવાં, બિલકુલ ક્ષતિ વગર એ કાર્યક્રમો પાર ઉતારવા, કોઈ પણ સ્થળે નક્કી કર્યા કરતાં એક કલાક પણ વધુ રોકાવું નહીં. અને એવો અકેક પ્રવાસ પૂરો કરીને દિલ્હીના મથકે પાછા આવી એકાદ અઠવાડિયું રહી ચડત ઑફિસકામ પતાવવું — ત્યાં તો બીજા પ્રવાસનો કાર્યક્રમ તૈયાર જ હોય! કાઠિયાવાડથી આસામ સુધી અને પંજાબથી મદ્રાસ સુધી ધૂળ ફાકતાં કંગાલ ગામડાંમાં જે તાકાત અને સબૂરીથી ઠક્કરબાપા રખડયા છે, તેટલું બીજા કોઈ કાર્યકર્તા નહીં રખડયા હોય — ગાંધીજી અને જવાહરલાલ પણ નહીં.

હિંદુસ્તાનના રાજકારણી ક્ષેત્રામાં કાર્યકરોની પડાપડી હશે, પણ ઈશ્વરની વીણાનું સ્વરહીન મૂંગું સંગીત જ્યાં બજી રહ્યું છે તેવા અદીઠ નેપથ્યમાં સેવા સમર્પનારા તો વિરલા છે. એમ ન હોત તો, ૬૮ વર્ષના આ ડોસાની નીચેના પત્રામાં વર્ણવી છે તેવી દેહ-દશાને આપણી પ્રજા કેમ ચલાવી લેત? હાલમાં છેલ્લા એક માસથી મારી તબિયત નરમગરમ ચાલ્યા કરે છે. બિજાપુરમાં તાવ ૧૦૨. આવી ગયો. બીજે દિવસે ત્યાંના દાક્તરે ક્ષિવનાઈનનું ઇંજેક્શન આપ્યું, તેથી વળતે દિવસે પ્રવાસ પાછો ચાલુ કરી શક્યો. પાછો દાહોદમાં તાવ આવ્યો. તે પછી ચાર દિવસનો સખત પ્રોગ્રામ વાંસવાડા તથા ડુંગરપર રાજ્યમાં મોટરબસથી આશરે ૨૬૦ માઈલનો હતો; તે કર્યા વિના ચાલે તેમ નહોતું, તેથી દાક્તરે આપેલી દવા રસ્તામાં પીતો ગયો ને પ્રવાસ પૂરો કર્યો. અહીં આવ્યા બાદ છેલ્લા ત્રાણ દિવસથી રાતમાં એક કે બે બજે ઊંઘ ઊડી જાય છે. પછી પથારીમાં પડયો રહું છું, પણ ઊંઘથી આરામ મળે તે મળતો નથી. બપોરે ઑફિસનું કામ ૧૧થી ૫ હોય, તેથી ઊંઘાતું નથી. વળી છ કલાક લાગલગાટ ખુરશી પર બેસવાથી એમ લાગે છે કે જાણે પગે રસ કેમ ન ઊતર્યો હોય! રોજનું કામ તો નિયમિત કર્યા કરું છું. કોથળા જેવાં ખાદી-કપડાં પહેરતા ઠક્કરબાપા જે રામરોટી જડી તે ખાઈને દેહધર્મ બજાવે છે. એના વદન પર કદી વિષાદ હોતો નથી, વાતોમાં આહભર્યા નિશ્વાસો હોતા નથી. વેદનાનો જીવન-થાળ એમના હૈયામાં હજમ થયો છે. પ્રત્યેક પ્રભાતે એમના કંઠમાંથી પ્રાચીન ભજનો પૂરા સ્વસ્થ સ્વરે ગુંજે છે. પરંતુ દુર્ભાગ્ય છે આ દેશનું કે જ્યાં એક સેવકનું સ્થાન પૂરનાર બીજા જવલ્લે જ જડે છે. એટલે પછી સેવાજીવન પણ માનવીનું કારાગાર બની જાય છે. વસ્તુસ્થિતિ જ આ દેશમાં એટલી કારમી છે કે આજે ૭૦ વર્ષનું, અંદરથી ભૂકા થઈ ગયેલું એ શરીર આરામ લેવામાં પણ પાપ સમજીને પત્રામાં લખે છે : ‘આરામ લેવા ભાવનગર આવવા જરા પણ વિચાર થતો નથી; on duty, ફરજ પર જ, સેવા ક્ષેત્રામાં રહેવાનું મન થાય છે. ક્યાંય જવાની ઇચ્છા થતી નથી.’ બાપાના એવા ધગધગાટને શમાવવા ખુદ મહાત્મા ગાંધી પણ અશક્ત છે.