કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૩૪. – તો આવ્યાં કને
Revision as of 11:57, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૪. – તો આવ્યાં કને| ચંદ્રકાન્ત શેઠ}} <poem> શોધતો હતો ફૂલ ને ફોર...")
૩૪. – તો આવ્યાં કને
ચંદ્રકાન્ત શેઠ
શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –
ક્યાંક રે આંબો ટહુક્યો
એની વનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત.
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –
આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.
શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૧૭)