કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૩૮. ભલે કિનારા અલગ
Revision as of 12:09, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૮. ભલે કિનારા અલગ| ચંદ્રકાન્ત શેઠ}} <poem> ભલે કિનારા અલગ, આપણે...")
૩૮. ભલે કિનારા અલગ
ચંદ્રકાન્ત શેઠ
ભલે કિનારા અલગ, આપણે દરિયે એક ઊછળીએ;
ભલે ફૂલ બે અલગ, મ્હેકતાં એક લહરમાં લળીએ.
એક મૂળ છે, એક ગગન છે,
એક બારી આ મનની:
ત્યાંથી એવું કૌતુક હેર્યું;
વાત વીસર્યાં તનની!
ભલે આપણા અલગ રાહ, પણ એક વિસામે વળીએ,
ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.
એક માટીની કથા આપણી,
એક શિખરની વાત;
તાણા-વાણા અલગ, આપણી
એક પટોળે ભાત :
સૂર આપણા ભલે અલગ, પણ એક જ રાગે ઢળીએ,
દૂર આપણા ભલે દેહ, પણ હરદમ હૈયે હળીએ.
(‘શગે એક ઝળહળીએ’, ૧૯૯૯, પૃ. ૧૬)