કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૪૭. અગિયાર આફ્રિકી કાવ્યોમાંથી
Revision as of 15:40, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs)
૪૭. અગિયાર આફ્રિકી કાવ્યોમાંથી
ચંદ્રકાન્ત શેઠ
૪. મસાઇમારાના આકાશમાં ચંદ્ર
ઓ રહ્યો પેલો રૂપેરી દડો
કોઈ શ્યામાંગનાના લાવણ્યસર-શા
વ્યોમ-પટમાં તરતો-સરતો!
મસાઇમારાના કોઈ જિરાફે
ઊંચી ડોકે ફંગોળ્યો હશે એને અહીંયાં
કે
કોઈ તોતિંગ ગજરાજે
લાંબી સૂંઢે લપેટીને
ઉછાળ્યો હશે એને અહીંયાં?
એ દડાનો મીઠો માંસલ પિંડ જોતાં
પેલી ઝાડીમાંના સિંહશાવકના પંજા
સળવળતા હશે
પોતાના તીખા નહોર એમાં ખૂંપાવી દેવાને,
આ તરફ શ્યામ અશ્વો-સમા
હબસી તરુણોના ચરણ પણ
થનગનતા હશે
પેલા દડાને ક્ષિતિજની ઓ પાર પહોંચાડવાને.
મૂર્તિમંત અમાવાસ્યા-શી
કોઈ સ્નિગ્ધ શ્યામાંગના
પોતાના શ્યામ સ્તનની જેમ
ગૌર ચંદ્રનેય
ચુસ્તીથી, હથેલી આડે દબાવતી,
ખુલ્લંખુલ્લા લલકારે છે
પેલા તીથા તરુણોના દેહને
માઝમરાતે – મઝધારે!
કમ્પાલા,
૮-૬-૨૦૦૨
(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૪૨)