કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧. જલદીપ

From Ekatra Wiki
Revision as of 11:00, 30 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


૧. જલદીપ

બાલમુકુન્દ દવે

એક દીપ તણાયો જાય,
જલમાં દીપ તણાયો જાય;
કમળ સમો ઘૂમે વમળોમાં,
વાયુમાં વીંઝાય :
જલમાં દીપ તણાયો જાય.

અંધારાંના અંચલ ભેદી
પંથ પાડતો જાય,
તરંગની ચંચલ અસવારી
કરી તેજ મલકાય :
જલમાં દીપ તણાયો જાય.

ઘડીક નમણી જ્યોતિ નાજુક
સંપુટમાં જ સમાય,
ઘડી ભવ્ય ભૂગોલખગોલે
દીપશિખા લહરાય :
જલમાં દીપ તણાયો જાય.

વાટ વણી ના, ના પેટાવ્યો,
પોતે પરગટ થાય;
નહીં મેશ કે નહીં મોગરો
કેવલ તેજલ કાય :
જલમાં દીપ તણાયો જાય.
૨૦-૫-’૪૭
(બૃહદ્ પરિક્રમા, ૨૦૧૦, પૃ. ૩)