કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૪૨. મનમેળ
Revision as of 08:18, 31 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. મનમેળ|બાલમુકુન્દ દવે}} <poem> ::કેવા રે મળેલા મનના મેળ? હો રુ...")
૪૨. મનમેળ
બાલમુકુન્દ દવે
કેવા રે મળેલા મનના મેળ?
હો રુદિયાના રાજા! કેવા રે મળેલા મનના મેળ?
ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી,
જેવી માંડવે વીંટાય નાગરવેલ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
સંગનો ઉમંગ માણી,
જિન્દગીને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૩)