કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧. કડવાં કારેલાં

From Ekatra Wiki
Revision as of 07:45, 2 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. કડવાં કારેલાં| સુન્દરમ્}} <poem> કડવાં કારેલાંના ગુણ ન્હોય ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. કડવાં કારેલાં

સુન્દરમ્

કડવાં કારેલાંના ગુણ ન્હોય કડવા હો,
કડવાં વચન ન્હોય કડવાં હો રે.

છીણી છેદે ધાતુ કરવા ઘાટુડી,
કાતર કાપે ફરી સાંધવા હો રે,

સોની તાવે શુદ્ધ સુવરણ કરવા,
કુંભારી ગૂંદે માટી બાંધવા હો રે. કડવાંo

તપતા સૂરજ ખારાં જળ મીઠાં કરવા,
ચઢતા વંટોળ મેઘ ભરવા હો રે,
ધરતી ધૂણે હલકી કાયાને કરવા,
ધરતી કોપે પાપ હરવા હો રે. કડવાંo

દુનિયા રોગદોગ દુઃખ મારે દિલ વસ્યાં,
માનવીના મેલ ઝાઝા નીરખ્યા હો રે,
કોયો ભગત કાઢે કડવાં વચન, ભાઈ!
કડવું સુણીને કોક હરખ્યા હો રે. કડવાંo

(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, સં. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૧)