કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૩૪. એક ગાંડી

From Ekatra Wiki
Revision as of 11:08, 2 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૪. એક ગાંડી| સુન્દરમ્}} <poem> પ્હેલી મેં જોઈ ’તી એને ગાભા-શી ગો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૪. એક ગાંડી

સુન્દરમ્

પ્હેલી મેં જોઈ ’તી એને ગાભા-શી ગોદડી તણા,
ટૂંટિયાં વાળી પોઢેલી આંબા હેઠે નિશા સમે,
જ્યારે વર્ષા ચઢી પ્હેલી તૂટેલી ધાર મુશળે.

લોચા-શી સ્થિર એ સૂતી મોઢું માથું છુપાવીને,
આછો આકાર અંગોનો સૂચવે કે મનુષ્ય એ,
બાકી ઢેફા સમી કાયે શ્વાસેયે સ્ફુરતો ન ’તો.
વટાતી પાયથી ત્યારે બચી એ સ્હેજમાં ગઈ.
વળી મેં જોઈ ’તી એને બીજા આંબાની હેઠળે,
બપોરે તડકો જ્યારે ખીલ્યો ’તો ચાંદની સમો,
ત્યારે એ પગ લંબાવી પૂંઠ રસ્તા ભણી કરી
બેઠી ’તી સ્વસ્થ, ત્યાં એના વાળ ને વસ્ત્ર ઊડતાં
વાયુથી, – વાળ આછેરા ધોળા વાંકડિયા અને
રાત્રે તે અંગ પે ચોંટ્યું પલળેલું જ વસ્ત્ર તે —
કોઈએ જે હશે આપ્યું રંગીલી ભાતવાળું જે,
સુકાઈ આપમેળે તે ફરકંતું હતું હવાં.

કટોરો કાચનો તેની કને ખાલી પડ્યો હતો,
જેના પે આંગળી તેની ફરતી ’તી કદી કદી.
ત્યાં થોડી વારમાં બે’ક કૂતરાં આવિયાં અને
કટોરો તે ગયાં સૂંઘી, ડોસીનેયે ગયાં સૂંઘી.

ને ડોસી સ્થિર ને સ્વસ્થ બેસી તેવી જ ત્યાં રહી,
ઊડતા વસ્ત્રને આઘું સંકોરી કરથી ધીમે.
પાસે થૈ મોટરો કેરા ખટારા ખખડી જતા,
એની ના દૃષ્ટિ કે ધ્યાન બીજે ક્યાંય જતું જરા.
જાણે આ જગથી જુદી સૃષ્ટિની રાણી એ હતી.
છેલ્લે મેં જોઈ ત્યાં એને ત્રીજા આંબાની હેઠળે,
ખાડામાં કચરો જ્યાં સૌ ભંગીઓ નાખતા હતા,
બેઠી બેઠી ત્યહીં તેહ ખસતી ’તી જરા જરા.
આ વેળા મોં હતું એનું રસ્તા મેર, હતો નહિ
કટોરો એની પાસે કે વસ્ત્રેયે અંગ પે ન ’તું.
મુઠ્ઠી શા હાડકાંની એ કાયા સ્ત્રીની હતી જ એ
ખ્યાલે ના આવતો : માથે બાબરાં ઊડતાં હતાં,
આંગળાં કચરા માંહે નાખીને સ્હેજ ખોતરી,
શોધતી હોય કૈં એવું ઘસડી દેહ ત્યાં રહી.

એ કાળી ચામડી, અંગો ટૂંકાં વેંતેકનાં, નહીં
એકેય જાતિનું ચિહ્ન, મોઢા પે હોઠ તે જરા
લાગતા માનવી જેવા સ્હેજ માત્ર અને તહીં
આંખો એની હતી સ્વચ્છ તોયે એ ભાળતી ન ’તી
આપણે ભાળીએ જેવું, કશોયે અર્થ એહને
હતો ના સૃષ્ટિનો, લજ્જા પીડા કે ભૂખ દુ :ખ, કે
કશુંયે જોઈએ, ક્યાંકે જવું, કે કોઈ અર્થ રે,
એની એ ગતિમાં ન્હોતો, દૃષ્ટિમાં ના, ક્યહીં નહીં.

ખીલેલા માનવીમાંથી ચેતના કેરી પાંખડી
ખરી જે ગૈ બધી ને આ ખાલી જે ડાંખળી રહી –
સ્થૂલ ને સૂક્ષ્મ એકે જ્યાં નહીં ઇન્દ્રિય જીવતી,
માટીનો એક લોચો શું સ્ફુરતો સૃષ્ટિ આદિમાં
કેવું ચૈતન્યનું રૂપ કલ્પવા મથતો જરા
હોયે શું તેમ ઊઠીને દડતો — એવી એ મહીં
ફરી સૌ પાંખડી પાછી ચોંટાડી ના શકે જ કો
ન દયા, ન દવા કોઈ, ન કે સૌરાજ્ય સામ્યનાં.

જુલાઈ, ૧૯૩૮

ખરે, આ જગમાં એનું પરવાર્યું મરી જ સૌ?
હશે ના કોઈ રે એને સ્મરતું, ચિંતતું ક્યહીં?
કે પછી ગૃહને છોડી વછોડી નીકળેલ એ,
વિશાળા જગને ખોળે, પ્રકૃતિ અંકને વિશે,
બેઠી એ આમ આવીને શ્રદ્ધાની પ્રતિમૂર્તિ શી?

કચરો વાળી ઝૂડીને લૈ જતા જન-સેવકો
આને આમ જતા મૂકી, પરવારી ગયા જ શું
જગ-ઉદ્ધારકો મીઠા, ઔષધિ-આલયો વિશે
બધી દાક્તરની સેના, દવાના ઢગલા બધા
જેમના તેમ, હ્યાં કોનો પહોંચે હાથ લેશ ના?

ગાંડાંનાંય દવાખાનાં ગાંડાં શુંય બની ગયાં?
ન મતિ — નહિ કો ચિંતા, જગમાં ભરપૂર કૈં
પડેલાં માનવી આવાં — કેટલું કરીએ ગણી
મૂંગાં શાંત રહી જાતાં, પોતાની ચાર ભીંતની
વચ્ચેનું સાચવી, બાકી કૃષ્ણાર્પણ કર્યું જગત્?

૨૭ નવેમ્બર, ૧૯૭૭

(યાત્રા, પૃ. ૭૪-૭૬)