કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૫૦. એક અચંબો
Revision as of 12:00, 2 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૦. એક અચંબો| સુન્દરમ્}} <poem> મેં એક અચંબો દીઠો, :: દીઠો મેં ઘર ઘર...")
૫૦. એક અચંબો
સુન્દરમ્
મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,
હૃદય હૃદય મેં રાધા દીઠી,
હું બન્યો મુગ્ધ નરસૈંયો. મેં એકo
મેં વન વન વૃંદાવન દીઠાં,
મેં તરુ તરુ દીઠી વૃંદા,
મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાં
દીઠાં નંદ જશોદા. મેં એકo
મેં નદી નદીમાં દીઠી યમુના,
મેં દ્રહ દ્રહ દીઠો કાલિ,
મેં પલ પલ દીઠી કાલિ દહંતી
કાલી મહા કરાળી. મેં એકo
મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા,
મેં અખિલ વ્યોમ પથસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યાં. મેં એકo
૮-૧૭ સવારે
મીરજ પછી ટ્રેન
૧૯-૧૧-૧૯૭૦
(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૫૫)