કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/કવિ અને કવિતાઃ સુન્દરમ્

Revision as of 06:54, 3 August 2021 by MeghaBhavsar (talk | contribs)
કવિ અને કવિતાઃ સુન્દરમ્

સુન્દરમ્

પરમ કાવ્યતેજે ઝળહળતા કવિ સુન્દરમ્‌નો જન્મ તા. ૨૨-૩-૧૯૦૮ના રોજ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતર ગામમાં થયો હતો. ‘સુન્દરમ્’ ઉપરાંતનાં ઉપનામો ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’. મૂળ નામ ત્રિભુવનદાસ લુહાર. પિતાનું નામ પુરુષોત્તમદાસ લુહાર. સાત ચોપડી સુધી માતરની શાળામાં અભ્યાસ. ત્યારબાદ અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં. ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ મેળવી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન કર્યું. ૧૯૩૫થી ૧૯૪૫ સુધી અમદાવાદની નારીસંસ્થા જ્યોતિસંઘમાં કામ કર્યું. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર સ્થાયી થયા. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી થયા. ૧૯૭૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા. ૧૯૭૪માં આફ્રિકા, ઝાંબિયા, કેન્યા, મોરેશ્યસનો પ્રવાસ કર્યો. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટી દ્વારા ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિ પ્રાપ્ત થઈ.

૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૬માં મહીડા પારિતોષિક, ૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર, ૧૯૮૪માં ગુજરાત સાહિત્ય અકાદેમીના ગૌરવ પુરસ્કારથી તેઓ સમ્માનિત થયા. તા. ૧૩-૧-૧૯૯૧ના રોજ તેમનું અવસાન થયું. સુન્દરમ્ પાસેથી ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’ (૧૯૩૩), ‘કાવ્યમંગલા’ (૧૯૩૩), ‘વસુધા’ (૧૯૩૯), ‘યાત્રા’ (૧૯૫૧), ‘વરદા’ (૧૯૯૦), ‘મુદિતા’ (૧૯૯૧), ‘ઉત્કંઠા’ (૧૯૯૨), ‘અનાગત’ (૧૯૯૩), ‘ઈશ’ (૧૯૯૫), ‘પલ્લવિતા’ (૧૯૯૫), ‘મહાનદ’ (૧૯૯૫), ‘પ્રભુપદ’ (૧૯૯૭), ‘અગમનિગમા’ (૧૯૯૭), ‘પ્રિયાંકા’ (૧૯૯૭), ‘નયા પૈસા’ (૧૯૯૮), ‘ચક્રદૂત’ (૧૯૯૯), ‘લોકલીલા’ (૨૦૦૦), ‘મનની મર્મર’ (૨૦૦૩), ‘ધ્રુવયાત્રા’ (૨૦૦૩), ‘ધ્રુવચિત્ત’ (૨૦૦૪), ‘ધ્રુવપદે’ (૨૦૦૪), ‘શ્રી માતાજીના સાન્નિધ્યમાં’ (૨૦૦૫) કાવ્યસંગ્રહો મળ્યા છે.

ઘોડિયાના લયની સાથે બાળપણમાં માએ ગાયેલાં હાલરડાં એમના કાનમાં રેડાતાં ગયાં. પીધાં હશે એમણે એ હાલરડાં ધાવણની જેમ. તેમના ડગમગ પગ ટપ ટપ દોડતા થયા, ‘ચકોર કાન સાંભળતા થયા’ ત્યારથી લગ્નગીતો, ભજનિકોનાં — ભજનમંડળનાં ભજનો, મરસિયા વગેરેનાં લય અને ગુંજન એમની ચેતનામાં ઊતરતા ગયા. શાળામાં ધોરણે-ધોરણે ભણવા મળતી કવિતા સાથે એમને મૈત્રી થઈ ને તેઓ કવિતાના પ્રેમમાં પડ્યા. પછી તો શાળાની સાત ચોપડીની દુનિયામાંથી નીકળી અંગ્રેજી શાળાના ‘સાહિત્યરત્ન’ અને ‘કાવ્યમાધુર્ય’થી માંડી ‘બૃહત્ કાવ્યદોહનો’ સુધીની દુનિયામાં પહોંચ્યા. ભરૂચમાં અંગ્રેજી સાતમા ધોરણના અભ્યાસમાં સંસ્કૃતનો સારો પરિચય થયો, એ પછી એમણે છંદનો વ્યાયામ શરૂ કર્યો. વસંતતિલકાથી શરૂ કરી શિખરિણી, મંદાક્રાન્તા, દ્રુતવિલંબિત, લલિત, તોટક, ભુજંગી, શાર્દૂલ સુધીના છંદો, દરેકની નીચે લઘુ-ગુરુનાં ચિહ્ન કરીને, પાકા કરતા ગયા. ભરૂચમાં એમને વિશ્વનાથ મ. ભટ્ટનું માર્ગદર્શન મળેલું ને ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં તેમને કાકાસાહેબ, રામનારાયણ વિ. પાઠક, રસિકલાલ પરીખ જેવા અધ્યાપકોનો સત્સંગ મળ્યો. ને સાથે ગૂજરાત વિદ્યાપીઠમાં તેમને સમૃદ્ધ ગ્રંથાલય મળ્યું. ને એમણે ‘કાવ્યસમુચ્ચય’ના મહાદ્વારમાં થઈ આખી કાવ્યસૃષ્ટિની ઝાંખી મેળવી અને સંસ્કૃતના અધ્યયનથી તો મહાકાવ્યના ‘વિરાટપર્વ’ આદિ સાગરો-મહાસાગરોમાં પહોંચ્યા, અંગ્રેજી કવિતામાંય, ચોસરથી માંડી શૅક્સપિયર, મિલ્ટન, કીટ્સ, શેલી, ટેનિસન વગેરેની કાવ્યસૃષ્ટિમાં વિહરવાનું બન્યું. ૧૯૨૫ના અરસામાં સુન્દરમે ગૂજરાત વિદ્યાપીઠમાં એક હસ્તલિખિત અંક કાઢેલો. એના પૂંઠા પર વડ ચીતરેલો અને એ અંકમાં પૃથ્વી છંદમાં લખાયેલી એમની કવિતાય મૂકેલી. એ સમયના અધ્યાપક અને ગૃહપતિ રામનારાયણ વિ. પાઠકે એ કવિતા જોઈ પૂછેલું — ‘આમાં કયો છંદ?’ સુન્દરમે જવાબ આપ્યોઃ ‘પૃથ્વી.’ પાઠકસાહેબે સુન્દરમ્‌ને માર્મિક રીતે ટકોર્યા — ‘છંદ બરાબર શીખવા જોઈએ.’ પાઠકસાહેબ પાસે એમને વર્ગોમાં પણ છંદ શીખવા મળ્યા. પછી તો છંદ બરાબર શીખવાની એવી તો કસરતો ચાલી કે છંદોમાં વાતચીત થઈ શકે તેવા સહજ થઈ ગયા છંદો. છંદો વિશેનાં કાવ્યો પણ એમની પાસેથી મળ્યાં છે. સુન્દરમે ‘મારી સર્જન-પ્રક્રિયા’માં નોંધ્યું છે — “— એ રીતે પછી છંદો આવડ્યા અને મગજની અંદર શીખેલા છંદોના લય ગોઠવાઈ જઈને એક સ્વાભાવિક ક્રિયા જેવા બની ગયા — કયા વખતે કયો છંદ આવે છે તે કહેવું તો જાણે મુશ્કેલ લાગે પણ વસ્તુની આવશ્યકતા પ્રમાણે છંદની પસંદગી થતી રહે છે. કાવ્યનો આરંભ થાય તે પહેલાં પ્રથમ શબ્દ કે શબ્દો અમુક છંદ કે લયમાં આવીને મૌન ગુંજનમાં મુકાતા જાય અને પછી કાવ્યરચનામાંના પડેલા સંસ્કાર પ્રમાણે પણ બધું લખાતું જાય, વિવિધ છંદો પણ આવે અથવા નવી નવી રીતે પણ બધું કે ઘણું લખાય.” સુન્દરમ્ ચિત્રકળા, ફોટોગ્રાફી તથા સંગીત પણ શીખેલા. જેનો લાભ એમનાં કાવ્યોને મળતો રહ્યો છે. ૧૯૩૦થી ઉમાશંકર જેવા મિત્ર મળ્યા. સુન્દરમે ‘દેવસ્ય કાવ્યમ્’ લેખમાં નોંધ્યું છે — “...યુગપ્રભાવ તો હતો જ. ગાંધીજીની આંગળી પકડીને આખા વિશ્વનો વિજય કરવા નીકળી પડેલા, અમે જુવાનિયાઓ, ખાસ તો ઉમાશંકર અને હું.’ સુન્દરમ્ અને ઉમાશંકરની સર્જનયાત્રા પણ સાથે સાથે ચાલી. કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠે આ બે કવિઓ વિશે નોંધ્યું છે — “આ બંને સારસ્વત — સહોદરો’નું કાર્ય કેટલીક રીતે સમાંતરે, પરસ્પરને પ્રેરક-પૂરક ને પોષક થાય એ રીતેય ચાલ્યું.” શાળામાં જ કવિતાના પ્રેમમાં પડેલા સુન્દરમ્‌ની કાવ્ય-યાત્રા સતત ચાલતી રહી.

સુન્દરમ્‌ની કવિતા વિશે ચંદ્રકાન્ત શેઠે નોંધ્યું છેઃ “બાળલીલાની છોળો ઉડાવતી, પ્રણયલીલાના ફાગ મચાવતી, રંગદર્શિતાનો રોમાંચ પ્રગટ કરતી અને ગાંધીયુગીન ભાવનાઓનો રસ ચડાવતી, લોકલીલાની કરુણ — કરુણાસભર વાસ્તવદર્શિતાને પ્રત્યક્ષ કરતી અને છેવટે આધ્યાત્મિક સમ પર વળી વળીને આવીને સ્થિર થતી એમની કવિતા ગુજરાતી કવિતાની અનન્ય સિદ્ધિ અને સમૃદ્ધિ છે.” શાળામાં, પરીક્ષામાં, ‘વિચાર વિસ્તાર કરો’-માં પૂછાતી, સુન્દરમ્‌ની પંક્તિ —

‘હું માનવી માનવ થાઉં તો ઘણું’

માનવ થવાની એમની આ પ્રબળ ઝંખના એ અપૂર્ણમાંથી પૂર્ણ તરફની ગતિની ઝંખના છે, અસત્યમાંથી સત્ય તરફની ગતિની ઝંખના છે, તમસમાંથી દિવ્યજ્યોતિ તરફની દિવ્ય ગતિની ઝંખના છે, ‘સ્થિર તરણ’ની ઝંખના છે, સાચ્ચા ધ્રુવપદની પ્રબલ ઝંખના છે; આથી જ તેઓ ‘ધ્રુવપદ ક્યહીં?’ કાવ્યમાં કહે છે —

‘અરે, મારી ભોળી શિશુક કવિતાને હજી નથી
મળ્યું એનું સાચ્ચું ધ્રુવપદ, ભમે આજ અટૂલી
સુગ્રંથ્યાં વિશ્વોમાં બસૂર સ્વરથી, કાવ્યઘડૂલી
મહાસત્યાબ્ધિમાં સ્થિર તરણ અર્થે રહી મથી.

ઉકેલી વિશ્વોની ગહન લિપિ સામંજસવતી,
સુયોજ્યા સંસારે સ્થળ મનુજનું સત્ય નીરખી,
પ્રતિ પ્રાણીનાં જીવનજલ તણાં વ્હેણ પરખી,
હું શબ્દે શ્રદ્ધાના કવીશ કવિતા ઓજસવતી.

આ કવિની ઝંખના હંમેશાં તીવ્રતમ રહી છે, પછી એ પ્રિયજનની ઝંખના હોય કે ધ્રુવપદની — ગુજરાતી કવિતામાં વિરલ એવું માત્ર દોઢ પંક્તિનું કાવ્ય જુઓ —

‘તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.’

કાવ્યસાધના તથા અધ્યાત્મસાધના માટેની એમની તરસ પણ પ્રખર સહરાની રહી છે. ગતજન્મોના સંચિત અધ્યાત્મ થકી સુન્દરમ્ જન્મજાત કવિ છે. અંદરનું અધ્યાત્મ ન હોય તો ‘મેરે પિયા!’ જેવું ગીત ન ઊતરી આવે —

મેરે પિયા મૈં કછુ નહીં જાનૂં,
મૈં તો ચુપચુપ ચાહ રહી.
મેરે પિયા, તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલ પલ બ્યાહ રહી. મેરે પિયાo’

ભીતર મીરાં જેવી પ્રેમની તરસ ન હોય તો ‘મૈં તો પલ પલ બ્યાહ રહી’ જેવી પંક્તિ ન પ્રગટે. સર્જન-પ્રક્રિયા વિશે લખતાં સુન્દરમ્ શ્રી અરવિન્દના શબ્દો ટાંકે છે — ‘કવિ એક એવો જાદુગર છે કે જે ભાગ્યે જ પોતાના જાદુનું રહસ્ય જાણતો હોય છે. સર્જનમાં તેનું મન આલોચનાત્મક રીતે કે રચનાત્મક રીતે જે ભાગ જ્ઞાનપૂર્વક ભજવે છે, તે પણ બુદ્ધિ કરતાં સહજપ્રજ્ઞાની ક્રિયા વિશેષ હોય છે. અધ્યાત્મશક્તિનો દિવ્ય આવેગ કવિમાં નિક્ષિપ્ત થતાં તે સર્જન કરે છે. તેનું ચિત્ત એ અધ્યાત્મશક્તિની વાહિની અથવા તો કરણ બની રહે છે, અને એ સર્જનનો રસાસ્વાદ લેવાનું કાર્ય પોતે કે બીજાઓ બૌદ્ધિક વિવેક દ્વારા નહિ પણ આધ્યાત્મિક સંવેદન દ્વારા કરે છે.” (શ્રી અરવિન્દ, ફ્યુચર પોએટ્રી)

સુન્દરમ્‌ના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’માં ‘મનુષ્ય સામે તથા ઈશ્વર સામેય આક્રોશ પ્રગટ થાય છે, જેના મૂળમાં સામાજિક વિષમતા છે. સામાજિક વાસ્તવ અને વિષમતાનું કલાત્મક કરુણ, કરુણાસભર ચિત્રણ ‘ત્રણ પાડોશી’ જેવાં કાવ્યોમાં પ્ર-ભાવક રીતે થયું છે. પરંતુ, અધ્યાત્મમાં આગળ વધ્યા બાદ કવિને ઈશ્વરમાં જ નહિ, મનુષ્યમાંય અપાર શ્રદ્ધા જાગે છે. સદ્‌ની સાથે અસદ્‌નેય તેઓ સ્વીકારે છે, દુરિતનોય સ્વીકાર કરે છે. સઘળું તેઓ સાક્ષીભાવે ઈશ્વરની લીલારૂપે નીરખે છે. આથી જ તેઓ સુંદરની સાથે અસુંદરનેય ચાહી ચાહી સુંદર કરી મૂકવાની વાત કરે છે —

‘હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને,
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.’

અસુન્દરનેય ચાહી ચાહીને સુન્દર બનાવે એ કવિ સુન્દરમ્. ઈશ્વર પણ આ કવિને કશું વરદાન માગવાનું કહે તો આ કવિ કશું માગવાને બદલે જગતને ચાહ્યા કરે ને ગાયા-બજાવ્યા જ કરે. આ કવિને સ્નેહની કડી સર્વથી વડી ન લાગે તો જ નવાઈ.

‘જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી.’

સુન્દરમ્ ફોટોગ્રાફી, ચિત્રકળા તથા સંગીત પણ શીખેલા. એનો લાભ એમનાં કાવ્યોને મળ્યો છે. પીંછીના બદલે તેઓ શબ્દ-લસરકે ચિત્ર દોરી શકે, કૅમેરાના બદલે તેઓ શબ્દ થકી ફોટોગ્રાફીય કરી શકે છે! ‘૧૩-૭ની લોકલ’, ‘બાનો ફોટોગ્રાફ’ જેવાં કાવ્યોમાં સહજ ચાલતા છંદ ઉપરાંત એમની ‘ચિત્રકળા’ તથા ‘ફોટોગ્રાફી’ય દેખાયા વિના રહેતી નથી. કવિ સુન્દરમ્‌ને વાર્તાકાર સુન્દરમ્‌નો લાભ પણ મળ્યો છે. ‘૧૩-૭ની લોકલ’નું જ ઉદાહરણ લઈએ તો એમાં કેટકેટલાં પાત્રોનાં સુંદર રેખાંકનો તથા સ્ટેશનની ઝીણી ઝીણી વિગતોનાં કેવાં સહજ ચિત્રણો મળે છે! વળી, પાત્રોનાં નિરૂપણમાં તેઓ લોકબોલીનોય સહજ વિનિયોગ કરી જાણે છે. થોડાં ઉદાહરણ જોઈએ —

‘વાદળી ચાળણીમાંથી ચળાતો તડકો ધીમે
મેંદા-શો શોભનસ્પર્શ ઇષત્ પીત રહ્યો લસી.’


‘વળી કો ડોસીમા દૂરે, પોમચો તપખીરિયો
પ્હેર્યો છે, નાકમાં ફાકો ભર્યો છે તપખીરનો,
મૂક્યા છે હાથ બે માથે, કને છે મૂકી પોટલી,
અને બે હોઠથી બોખા રટે છે રામ-ગાળ કે.’


‘કો ઉતાવળા
રહે છે દૂર તાકી, કો પૂછે, `થ્યો ટૅમ ચેટલો?'


‘ફરૂરે ગાર્ડની સીટી ખિસ્કોલી જેમ ખાખરે,’


‘સૂના આ સ્ટેશને પૉર્ટર ગાડીના કોલસા સમો,’

આમ, સહજ છંદોલય દ્વારા, લાઘવપૂર્ણ કટાક્ષ દ્વારા, ચિંતન કરવા પ્રેરે તેવા વાસ્તવદર્શન દ્વારા આ કવિ આંતરવહેણમાં કરુણને છલકાવતા રહે છે.

સુન્દરમે લોકજીવનનો જીવંત સ્પર્શ અનુભવ્યો છે. ઉમાશંકરે સમાજના નીચલા સ્તરને બહારથી, બ્રાહ્મણની શેરીમાં રહીને, જોયો છે. જ્યારે સુન્દરમે સમાજના નીચલા સ્તરને બહારથી અને અંદરથીય જોયો છે. જેનાં વક્રતાપૂર્વકનાં કરુણસભર ચિત્રણો એમનાં કેટલાંક કાવ્યોમાં મળે છે. સુન્દરમ્ — ઉમાશંકર બેય પર ગાંધીજીનો પ્રભાવ જોવા મળે છે. સુન્દરમે બે વાર જેલવાસ પણ ભોગવેલો. એ સમયે ગાંધીજી ઉપરાંત રવીન્દ્રનાથ, વિવેકાનંદ તથા શ્રી અરવિન્દનો ચેતનાપ્રવાહ પણ ઝળહળતો વહેતો હતો. રવીન્દ્રનાથના ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’માં જેમ અધ્યાત્મનો તેજ-ઝબકાર પમાય છે તેમ સુન્દરમ્‌ના ‘એક સવારે’માં પણ અધ્યાત્મનું ઓજસ પમાય છે —

‘એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?’


‘તેજ તરંગે રમાડતું મને
કોણ રહ્યું ઠમકારી?’

‘બુદ્ધનાં ચક્ષુ’ જેવા કાવ્યથી સુન્દરમ્‌ના નવા જ રૂપનો ઉઘાડ થયો; કવિની ભીતર પણ જાણે બુદ્ધનાં ચક્ષુ ઊઘડ્યાં! દર્શન-ચિંતનના ઊંડાણનો વ્યાપ વધ્યો; નયનનો કેવો ઉઘાડ?! —

‘હવે ના મીંચાશે નયન કદીયે જે ઊઘડિયાં,
દયાની ગંગા આ પરમ તપ અંતે ઊતરી, તે
અખંડા વ્હેતી ર્‌હો કઠણ તપના સિંચન થકી,
વહો ખંડે ખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગને.’

‘બુદ્ધનાં ચક્ષુ’ની સાથે જ ‘ત્રિમૂર્તિ’નાં સૉનેટ — ‘બુદ્ધ’, ‘ઈશુ’ તથા ‘ગાંધી’ને યાદ કરવા રહ્યા. શ્રી અરવિન્દ તથા માતાજી વિશેનાં કાવ્યો તેમજ પ્રાર્થનાપ્રકારનાંય ઘણાં કાવ્યો એમની પાસેથી સાંપડે છે —

‘મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.
...

મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.’


‘ઉચ્છ્‌વાસે નિઃશ્વાસે મારી એક જ રટના હો,
તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો.’


‘પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલા જી,
મારી અજવાળી રાતડીને ચાંદ,
કે ઊજળા દિનોને દેજો ભાણ જી. — પ્રભુ મારીo’

યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસ ધરાવતા આ કવિ પાસેથી વિવિધ રૂપે પ્રણયકાવ્યો ન મળે તો જ નવાઈ. ઉમાશંકર એક કાવ્યમાં પોતાને અન-રોમાન્ટિક કહે છે. સુન્દરમ્ સવાયા રોમાન્ટિક છે. એમને કોઈ છોછ નડતો નથી. તેઓ નિખાલસતાથી કહી શકે છે —

‘મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે
ખીલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા.’
‘નહિ છૂપે’, ‘તારી થાળે’ કાવ્યો પણ તરત યાદ આવે. ‘તારી થાળે’ સૉનેટની ‘અંતિમ પંક્તિઓ જુઓ —
‘દઉં તારી થાળે મુજ મન ધરી નીરમ સમ,
બને તારી યાત્રા સુદૃઢ, મન મારુંય કુસુમ.’
તો, ‘તે રમ્ય રાત્રે’માં પ્રણયની ઉત્કટતા જુઓ —
‘તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.
ક્યાં સ્પર્શવી?
ક્યાં ચૂમવી? નિર્ણય ના થઈ શક્યો.
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું, જડ થીજી એ ગયું
એ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં.’
...
...
ક્યાં સ્પર્શવો? ક્યાં ગ્રહવો? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે —
તે રમ્ય રાત્રે,
રમણીય ગાત્રે!’

સર્જન માટે કવિએ વિસર્જનનોય મહિમા કર્યો છે, કવિતાને ને જાતનેય ઘાટ આપવા માટે આ કવિએ ઘણ ઉઠાવીને ઘા ફટકાર્યા છે. ઘણુંક ઘણું ભાંગ્યું છે, તોડ્યું છે, ટીપ્યું છે ને ઘાટ ઘડ્યા છે. જગનેય ઘા થકી ઘાટ દેવાની ઝંખના છે. ‘ઘણ ઉઠાવ’ના વિષયવસ્તુને ‘પૃથ્વી’ છંદ કેવો અનુકૂળ થઈ રહે છે!

‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા!
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા!’
...
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને,
ઝીંકી ર્‌હે ઘા, ભુજા હે, લઈ ઘણ, જગને ઘા થકી ઘાટ દે ને!’

ગીત સ્વરૂપે તો પોતાનું હૈયું સુન્દરમ્ પાસે મન મૂકીને ખોલ્યું છે, ગીત તો જાણે સુન્દરમ્‌ને વર્યું છે —

‘ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.’

આ કવિમાં શબ્દમાંથી સંગીત પ્રગટીને સહજ વહે છે. ભર્યાં ભર્યાં જળ હિલોળા લે એમ લય હિલોળા લે છે આ કવિમાં —
<poem>
‘મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.’

૧૯૩૧માં સુન્દરમે મીરાંનાં પદ જેવી બાની પ્રયોજી છે, એના શબ્દોમાંથી જાણે ભક્તિમય શાસ્ત્રીય સંગીત પ્રગટે છે — <poem> ‘બાંધ ગઠરિયાં

મૈં તો ચલી.

રૂમઝૂમ બાજત ઝાંઝ પખાજન, છુમછુમ નર્તન હોવત રી, પીવકે ગીત બુલાવત મોહે,

બાંધ ગઠરિયાં મૈં તો ચલી.’

‘મૈં બન બન કી બની પપીહા,

રટત રટત તુમ દેખ્યો મેહા;

અબ રાત નહીં, અબ સદા સબેરા,

મૈં નયનન નીર ભરું.
કિસ સે પ્યાર કરું?’

‘મેરે પિયા’ તો ગુજરાતી જ નહિ, ભારતીય ગીતરચનાઓમાંય અદ્ભુત એવી રચના છે.

સર્જક અને સાધક સુન્દરમ્‌ને શત શત પ્રણામ. ૬-૭-૨૦૨૧ અમદાવાદ — યોગેશ જોષી