કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૪. પાનખર
Revision as of 11:30, 3 August 2021 by MeghaBhavsar (talk | contribs)
૨૪. પાનખર
નલિન રાવળ
ખરવા માંડ્યાં પાન,
બારીની લીલાશ ઝાંખી ભૂરી,
ખરવા માંડ્યાં પાન,
બારીની મ્હેક વહી ગઈ ઝૂરી.
ખરવા માંડ્યાં પાન,
બારીની ગીતમંજરી તૂટી.
ખરવા માંડ્યાં પાન,
બારીની કાય લથડતી સૂકી.
ખરતાં ખરતાં પાન,
ખરે અંધારાં.
ખરતાં ખરતાં પાન
ખરે કૈં નભના તારા
ખરે
ખરે એ ખરે
છેલ્લું કો પાન
બારીની ધ્રૂજતી બૂઝી આંખ.
(અવકાશપંખી, પૃ. ૬૧)