કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૯. ઝાડ કાંઈ દોડ્યું છે!
નલિન રાવળ
કેટલી કેટલી ડાળના રસ્તા
કેટલાં કેટલાં પાનનાં પગલાં
ઝાડ કાંઈ દોડ્યું છે!
આભથી ઢોળાય સૂરજ રાતો
ઠારવા એને લઈને છાંયો
છાંયડે છાંયડે ઠારવા એને
ઝાડ કાંઈ દોડ્યું છે!
વરસે અપાર અષાઢ શ્રાવણ
ખોબલે ખોબલે જલને કારણ
ઝાડ કાંઈ દોડ્યું છે!
ઓરસ ચોરસ શિશિર ઠરે
એક પછી એક પાંદડાં ખરે
ઝીલવા એને
ઝાડ કાંઈ દોડ્યું છે!
ધરતી આખી
પ્રગટે નહીં ચહેરો સકલ રૂપ
ફૂલનું પ્રગટ કરવા મધુર મુખ
લઈને વસંત વાટમાં એકલ
ઝાડ કાંઈ દોડ્યું છે!
ઉદર ઊંડી જઠર-જ્વાલા
તોષવા એને રસના પ્યાલા
લચતા પેલા ફલના રૂપે
ઝાડ કાંઈ દોડ્યું છે!
નભની માંહી સમાઈ નહીં પાંખ
ડૂબતું કોઈ શોધતું જાણે દ્વીપ
લઈને લઘુક નીડ ત્યાં સામું
ઝાડ કાંઈ દોડ્યું છે!
ધ્રૂજતું સકલ ધ્રૂજતી ધીરજ
વકરેલા કોઈ વાયરાનો ઉત્પાત
મૂળિયાંની ત્યાં મુઠ્ઠીઓ વાળી
ધરતી ભીતર ઝાડ કાંઈ દોડ્યું છે!
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫૯-૧૬૦)