કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૨. ઈસુની ઉક્તિ
પ્રિયકાન્ત મણિયાર
મને ઉતારી લો
ઉતારી લો આ વધસ્તંભ પરથી,
સૈનિકો, મારે શહીદ નથી થવું.
મારું લોહી લૂછી નાખો,
વેદનાનો શિલાલેખ લખનારા ખીલા કાઢી નાખો.
આ બધું નથી સહન થતું.
અને પૂછું છું શા માટે સહવું?
આ સૂર્ય જેવું શુદ્ધ ઊછળતું લોહી લૂછી નાખો,
દેદીપ્યમાન મારે નથી દેખાવું
અને પેલો સૂર્ય જોઈ જાય એ પ્હેલાં
સૈનિકો આપણે સહુ સાથે મળી — (વેશ્યા પર પથ્થર
મારવા જતા પેલા ટોળાની જેમ)
પેલા સૂર્યને પથ્થર મારી પાડી નાખીએ.
મને કશુંય ના દેખાય એવું અરાજક અંધારું જોઈએ છે.
મને અહીંથી જલદી ઉતારો ઉતારો.
મારેય તમારી સાથે — પાસે કાણી કોડીય નથી તોય
જુગટાની હારજીત રમવી છે,
પાસા પાડવા એ જ આનંદ છે,
બે હથેલીમાં સોગઠાના સ્પર્શ જેવું
આ જગતમાં છે શું?
એમાં સોગઠું જે રીતે મુક્ત રીતે બંધનમાં
હરેફરે છે — એવું જ આ જગતમાં મારે ભમવું, રમવું છે.
હું હજી જીવું છું — મારે હજી જીવવું છે
અથવા મારે હવે નથી જીવવું —
જીવવાનો એક ભાગ કેવો હોય તે મેં જાણી લીધો છે.
મારે અહીંથી ઊતરી જવું છે,
આ વેદનાના ગૌરવ પરથી ઊતરી જવું છે,
હું છું ત્યાં મારે નથી રહેવું.
આ કરોડો સુક્કા સુક્કા ક્રૉસ પર — લીલીછમ ડાળીનો
અનુભવ જ નહીં —
આ હણાઈ ગયેલાં લણાઈ ગયેલાં ખેતરોમાં
એકમાત્ર ચાડિયો બની મારે યુગો નથી વિતાવવા.
આકાશના પિતા! હું તને ઓળખતો જ નથી,
મારે તો આકાશ ઓળખવું છે,
હું તો મારો સુથાર-બાપ શોધું છું.
મારે ઘર, હળ ને ઘોડિયાં ઘડવાં છે.
લાવો લાવો — ક્રૉસના કાષ્ઠમાં અગ્નિ પ્રગટાવી
આજથી સાંજની રોટી પકાવી લઈએ —
મને પણ ભૂખ લાગે છે — છેલ્લા ખાણાને તો લાંબો સમય
થઈ ગયો છે.
જુદાસ! તું શું દ્રોહ કરવાનો હતો!
મારે જ મારો દ્રોહ કરવો છે,
મારે મારાથી છૂટું પડવું છે,
જે હું છું તે જ ખોટું છે,
હું એક બીજું અસ્તિત્વ શોધું છું —
અંધારું અંધારું — સૂર્ય ચંદ્ર તારા બધું બુઝાવી દો.
મારે કોઈ પણ વેશ્યાનો થોડી વાર વર થવું છે.
તેઓ શું કરે છે તેનું તેમને ભાન નથી,
ભલે
પણ હું શું કરું છું તે તો હું જાણું છું.
(પ્રબલ ગતિ, પૃ. ૨૨૭-૨૨૮)