સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/મોતીની ઢગલીઓ
સોરઠની રમ્યભૂમિમાં કાઠી સંસ્થાનો વેરાયેલાં પડ્યાં છે. મોતીના દાણાની નાની-નાની ઢગલીઓ કરી હોય એવી જુકિતથી કાઠી ગામડાંઓનાં જૂથ વહેંચાઈ રહેલાં છે. ભાગદારો અક્કેક પ્રિય ગામડાને નાની-નાની રાજધાની બનાવીને બેસી ગયા છે. આ નરેશોને હરકોઈ મળી શકે, માગણી કરતાં અચકાય નહિ અને ઠપકો દેતાં ન હેબતાય. પ્રજાની વચ્ચોવચ રહેવાનું, પ્રજાની શરમ પહોંચી શકે. હડાળામાં મહેલાતો નથી, માટીનાં મકાનો છે. રેતાળ ચોગાનની અંદર આખી રાત ભજનોની ધૂન જામે. કોઈ-કોઈવાર વડિયેથી ‘કાકાબાપુ’ પધારતા. બંને બાપુઓ ગામના પટેલિયાની સાથે દાંડિયારાસ રમે. નવા યુગનાં ઊજળાં કિરણો એકાદ-બે ઠેકાણે પ્રવેશ્યાં છે. ભાયાવદરના તરુણ રાજકુમાર હમણાં પરણ્યા. સુજ્ઞ ભાયાબાપુને આંગણે આડે દિવસે દારૂનો છાંટોય હોય? પરંતુ એમણે વિવાહને પણ વિશુદ્ધ રાખ્યો! અનેક સ્વજનો આવતાં અટકી ગયેલાં, હજુયે કંઈક સગાં મેણાં દેતાં હશે. પણ ભાયાબાપુને ઘેર ભ્રષ્ટાચાર ન સંભવે—ન દારૂ કે ન નાચનારીઓ. [‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક: ૧૯૨૨]