સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝીણાભાઈ દેસાઈ/ચિરઆસ્વાદ્ય વિરહગીત

From Ekatra Wiki
Revision as of 08:33, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કવિની વાણીમાં આકાર પામે ન પામે ત્યાં તો કોઈ કોઈ કાવ્યપંકિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કવિની વાણીમાં આકાર પામે ન પામે ત્યાં તો કોઈ કોઈ કાવ્યપંકિત લોકજીભે રમતી થઈ જાય છે. હરીન્દ્રની ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ આપણા સાહિત્યની એવી એક પંકિત છે. વૃંદાવન છોડી કૃષ્ણ મથુરા ગયા, એની વિરહવેદના આખા ગોકુળના મુખમાં મૂકી સદીઓથી અનેક કવિઓ ગાતા આવ્યા છે. ગળથૂથીમાં મળતો એ સાહિત્યવારસો અત્યંત સમૃદ્ધ હોવા છતાં આપણા કવિઓને એનું આકર્ષણ એટલું બધું રહેતું આવ્યું છે કે પોતપોતાની આગવી રીતે કવિઓ પેઢી દર પેઢી કૃષ્ણનાં ગીતો લખતા જ રહે છે. આ પૈકી કેટલાંક તો નરસિંહ, મીરાં, દયારામ જેવા પાસેથી મળેલા વારસામાં ચિરંતન સ્થાનનાં અધિકારી બને છે. ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ આપણું એવું એક નીવડેલું ગીત છે; મધુવન છોડી ગયેલા કૃષ્ણના વિરહથી ગોપીઓને થતી વેદનાની કવિતાના આપણા સમૃદ્ધ વારસાની યાદ તાજી કરાવતું ચિરઆસ્વાદ્ય વિરહગીત છે. આપણાં ભણેલાં, અભણ, આબાલવૃદ્ધ—સૌને અતિપરિચિત એવી કથાને આજના કવિઓ કેવી તાજગીભરી નવીનતા અર્પે છે, તે આ ગીતની પંકિતએ પંકિતએ ધબકે છે.


[‘ભજનયોગ’ પુસ્તક: ૨૦૦૩]