સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝીણાભાઈ દેસાઈ/વશીકરણ

Revision as of 08:38, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} વિદ્યાપીઠમાં આવતા અતિથિઓ પૈકી જે મને પ્રેરક રીતે યાદ રહ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          વિદ્યાપીઠમાં આવતા અતિથિઓ પૈકી જે મને પ્રેરક રીતે યાદ રહ્યા છે તેમાં દિલીપકુમાર રાય અને ઝવેરચંદ મેઘાણી અગ્રસ્થાને છે. દિલીપકુમારે ગાયેલું મીરાંનું ભજન ‘ચાકર રાખોજી’ એટલા તો ભાવથી ગવાયું હતું કે એની પંક્તિએ પંક્તિએ આલેખાતાં ચિત્રો મારા મનમાં કંડારાતાં ગયાં. આવા બીજા અતિથિ, જેમની સાથે વખત જતાં આત્મીયતા બંધાઈ તે શ્રી મેઘાણી, એ વખતે એટલા જાણીતા થયા ન હતા. હું ભૂલતો ન હોઉં તો એમણે સંગ્રહેલાં લોકગીતોનો કાર્યક્રમ પહેલવહેલો વિદ્યાપીઠમાં એમણે આપ્યો. તેમનું વ્યક્તિત્વ અત્યંત આકર્ષક હતું. બાંધી દડીનું એમનું શરીર, એમનો સાફો, આત્માના ઊંડાણમાં ઊતરી જતી હોય એવી સ્વપ્નદર્શી એમની આંખો, એમનો સૂરીલો અને બુલંદ અવાજ, એમની વાણીનું માધુર્ય ને નમ્રતા એ બધું પ્રથમ દર્શને જ આપણા મન પર વશીકરણ જમાવે એવું હતું. ગીતોની એક પછી એક વહી આવતી અમૃતધારાનું અમે આકંઠ પાન કર્યું. આચાર્ય કૃપાલાનીજી અને અમારા બીજા સિંધી અધ્યાપકોએ પણ ઉત્કંઠાથી એ રસ માણ્યો. એ કાર્યક્રમ ખાસ્સો બે-અઢી કલાક જેટલો ચાલ્યો અને સમય ક્યાં જતો રહ્યો એની કોઈને ખબર સરખી પણ રહી નહિ. હવે તો ગુજરાતની જીભને ટેરવે રમતાં થઈ ગયેલાં અનેક ગીતો એમણે અમને સંભળાવ્યાં. એ દરેક ગીતની એમની મિતાક્ષરી સમીક્ષા આકર્ષક હતી. અમારે માટે જેમ આ એક અવિસ્મરણીય પ્રસંગ હતો, તેમ એમની પ્રવૃત્તિઓને અમે જે ઉમળકાથી વધાવી લીધી તેનાથી તેમને માટે પણ એ પ્રસંગ ઘણો યાદગાર બની ગયો.

[‘સાફલ્યટાણું’ પુસ્તક]