મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૯)
રમણ સોની
પ્રીત પૂરવની
પ્રીત પૂરવની રે શું કરું, ઓ રાણાજી!
મારી પ્રીત પૂરવની રે શું કરું?
હો મેવાડા રાણા! મનડું લોભાણું તેને શું કરું? રાણાજી
રામજી ભજું તો મારું હૈયું ઠંડું થાય;
ભોજનિયાં ન ભાવે, નયને નિંદલડી ન આય. રાણાજી
કંઠે માળા દોવડી, મારે શીલવ્રત શણગાર;
કેમ કરી વીસરું રામને, મારા ભવભવનો ભરથાર. રાણાજી
પેઈઆ બાસક ભેજિયા ને દિયા મીરાંને હાથ;
હાર ગળામાં નાખિયો ને મહેલ ભયો ઉજાસ. રાણાજી
વિખના પ્યાલા ભેજિયા ને દો મીરાંને હાથ;
કરી ચરણામૃત પી ગયાં, મારા રામતણે વિશ્વાસ. રાણાજી
વિષના પ્યાલા પી ગયાં ને ભજન કરે રાઠોડ;
તારી મારી નહિ મરું, મને રાખણવાળો ઓર. રાણાજી
રાઠોડાંની દીકરી ને સીસોદાંને સાથ;
લઈ જાતી વૈકુંઠડે, મારી પ્રથમ ન માની બાત. રાણાજી
મીરાં દાસી રામકી ને રામ ગરીબનવાજ;
મીરાંકી લજ્યા રાખજો, મારી બાંહ ગ્રહ્યાની લાજ. રાણાજી