સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ટૉમ મહોની/પાળેલો સંચો
ચીનની વિરાટ યાંગ્સી નદીના મૂળ ભણી મજલ કાપતો એક ભૂગોળવેત્તા એક દિવસ એશિયાની પહાડોછાઈ છાતી પરના એક ટચૂકડા ગામમાં આવી પહોંચ્યો. દૂર દૂરના એ સ્થળના જમાના-જૂના વાતાવરણને બહારની દુનિયાનો સહેજ પણ સ્પર્શ કદી નહીં થયો હોય, એવું પ્રવાસીને પ્રથમ નજરે જ લાગી ગયું. પણ ત્યાં તો તેણે એક પરિચિત અવાજ સાંભળ્યો — ઘડીક ખટખટાટ, ઘડીક ઘરઘરાટ... વળી પાછો ખટખટાટ. અવાજની એંધાણીએ મુસાફર આગળ વધ્યો ને માટીના એક કૂબામાં પહોંચ્યો. જુએ છે તો ત્યાં ભોંય પર બેઠો બેઠો એક ગામડિયો દરજી સિંગરના સંચા પર કાંઈક લૂગડું સીવતો હતો — ખટ્ખટ્.... ખટ્ખટ્ખટ્..... ઘર્ર્ર્ર્ ઘર્ર્ર્ર્ ઘર્ર્... સંચા સાથે જેનું નામ જોડાયું છે તે ભાઈ આઈઝેક સિંગરે ૧૮૫૦ની સાલમાં ૪૦ ડૉલરની મૂડી ઉછીની લઈને સીવવાનો એક સંચો બનાવેલો. જોકે સીવવા માટેનું પહેલવહેલું યંત્ર તો સિંગરની પણ પહેલાં શોધાઈ ચૂક્યું હતું. વરસો પહેલાં ફ્રાંસમાં થિમોનિયેર નામના માણસે સિપાઈઓના ગણવેશ સીવવા માટે એક સંચાનો ઉપયોગ આદરેલો, પણ તેનાથી પોતાનો ધંધો ભાંગી પડશે એમ સમજીને હાથસિલાઈ કરતા બીજા દરજીઓએ એનો સંચો ભાંગીતોડી નાખેલો. એલિયાસ હાઉ નામના બીજા એક માણસે અણી પાસે નાકાવાળી સોય ચલાવતો એક સંચો બનાવીને પેટંટ કરી લીધેલો. પાછળથી સિંગર અને બીજા બે જણ પોતાના સુધારેલા સંચા સાથે બહાર પડ્યા, ત્યારે હાઉએ તેમની ઉપર પેટંટ— ભંગનો ખટલો માંડેલો. કોર્ટના ખટલા થોડો વખત ચાલ્યા, પણ પછી બેઉ પક્ષકારોને સમજાયું કે પરસ્પરની શોધનો લાભ લીધા વિના બેમાંથી એકેયનો સંચો ચાલે તેમ નથી. પરિણામે સમાધાન થયું અને સીવવાના સંચાનું ઉત્પાદન વધવા માંડયું. સિંગરના શરૂઆતના સંચા મોટા ને ભારેખમ હતા ને લૂગડાં સીવવાના કારખાનાને જ તે ખપ લાગે તેવા હતા. પણ તેમાં ફેરફારો કરતાં કરતાં ઘર-વપરાશ માટેનો હળવો સંચો ૧૮૫૬માં બજારમાં મુકાયો. હાથસિલાઈથી જે કામ કરતાં કોઈ સ્ત્રીને ૧૦થી ૧૪ કલાક લાગતા, તે આ સંચાએ એક કલાકમાં જ કરી બતાવ્યું. પણ એ સંચો હજી સામાન્ય કુટુંબને પરવડે તેવો ન હતો. તે કાળમાં સરેરાશ કુટુંબની માસિક આવક માંડ ૪૦ ડૉલર હતી, ત્યારે ૧૨૫ ડૉલરનો સંચો એ ક્યાંથી ખરીદી શકે? ક્લાર્ક નામના સિંગરના ભાગીદારે એમાંથી રસ્તો ખોળી કાઢયો — ૫ ડૉલર રોકડા અને પછી દર મહિને ૩-૩ ડૉલરના હપતા. આજે જગતભરમાં સીવવાના સંચા જેટલી જ પ્રસરી ગયેલી હપતાથી ખરીદીની પ્રથાનો એ રીતે આરંભ થયો. હપતાવાર ખરીદીની સિંગર-સંચાની યોજના દેશદેશાવરમાં લોકોને કેવી આશીર્વાદરૂપ લાગી, તેનો ખ્યાલ આપતો એક બનાવ ફિલિપ્પાઇન્સના પાટનગર મનીલામાં બનેલો. બીજા વિશ્વયુદ્ધમાં હવાઈ બૉંબમારાથી ખંડેર બનેલા એ શહેરની સિંગરની કચેરીના બધા ચોપડા બળીને ખાક થઈ ગયેલા. પણ લડાઈ પછી ૫૦,૦૦૦ કુટુંબોએ સામે ચાલીને સિંગરના હપતાનાં લેણાં નાણાં ચૂકવી આપ્યાં! સિંગરના સંચા વેચવા માટે દલાલો જગતમાં જ્યાં જ્યાં જતા ત્યાં પોતાના માલની જાહેરાત કરતાં ચિત્રો, ખીસાનાં ચાટલાં, મેઝરપટ્ટી, અંગૂઠી, પૂઠાના પંખા અને તારીખિયાં જેવી વસ્તુઓ સાથે રાખતા. આમ પોતાના માલની જાહેરાત પાછળ દર વરસે લાખોની રકમ ખરચવાની હિંમત સિંગરે જ કદાચ પહેલીવહેલી કરી હશે. હિંદુસ્તાનમાં સિંગરના એક વેપારીએ અજબ નુસખો અજમાવેલો. ધોતી પનાના હજારો વાર સફેદ કાપડના તાકાઓ ઉપર થોડેથોડે અંતરે સિંગરનો ‘માર્કો’ છપાવી, તેમાંથી ફાડેલા ધોતીજોટાનાં હજારો ધોતિયાં સિંગરની હરતીફરતી જાહેરખબર બની ગયેલાં! માણસ ગાય પાળે કે ઘોડા પાળે, કોઈ ઊંટ પાળે કે હાથી. એ જ રીતે દુનિયાભરનાં કરોડો ઘરોમાં સીવવાનો સંચો એક માનીતા, ઉપયોગી પશુ તરીકે પળાઈ રહ્યો છે. [‘એડવરટાઇઝીંગ એજન્સી’ સામયિક : ૧૯૫૧]