મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઢાલ ૧3
રમણ સોની
ભોલુડા હંસા–એ દેશી.
એહવે વયણેરે હવે કોપેઈ ચડ્યો, સાયર પામ્યોરે ક્ષોભ;
પવન ઝકોલેરે જલ ભર ઊછલી, લાગે અંબર મોભ. એહવે૦ ૧
ભમરી દેતાંરે પવન ફિરી ફિરીરે, વાલે અંગ તરંગ;
અંબર વેદીરે ભેદી આવતા, ભાજે તે ગિરિ–શૃંગ. એહવે૦ ૨
ભૂત ભયંકર સાયર જબ હુઓ, વીજ હુઈ તવ હાસ;
ગુહિરો ગાજીરે ગગને ઘર કરે, ડમ ડમ ડમરૂ વિલાસ. એહવે૦ ૩
જલનઈ જોરઈ રે અંબર ઊછલઈ, મચ્છ પુચ્છ કરી વંક;
વાહણ લોકનઈરે જો દેખી હુઈ, ધૂમકેતું શત શંક. એહવે૦ ૪
રોષ અગનિનોરે ધૂમ જલધિ તણો, પસર્યો ઘોર અંધાર;
ભયભર ત્રાસેરે મશક પરિંતદા, વાહણના લોક હજાર. એહવે૦ ૫
ગગનિ ચઢાવીરે વેગિ તરંગને, તલે ઘાલિજે રે પોત;
ત્રટત્રટ ત્રૂટઈરે બંધન દોરનાં, જલ લખ જોતા રે જોત. એહવે૦ ૬
નાંગર ત્રોડીરે દૂરિ નાંખીએ, ફૂલ તણા જિમ બીંટ;
ગગનિ ઉલાલીરે હરિઈ પાંજરી, મોડિ મંડપ મીટિ. એહવે૦ ૭
છુટે આડારે બંધન થંભનાં, ફૂટઈ બહુ ધ્વજદંડ,
સૂક વાહણ પણિ છોતા પરિ હુઇ, કુઆ–થંભ શતખંડ. એહવે૦ ૮
સબલ શિલા વચિ ભાગાં પાટીયાં, ઊછલતે જલ ગોટ;
આશ્રિત દુખથીરે વાહણ તણો હુઓ, માનુ હૃદયનો ફોટ. એહવે૦ ૯
તે ઉત્પાતિ પ્રલય પરિ હુવે, લોક હુઆ ભયભ્રાંત;
કાયર રોવેરે ધીર તે ઘૃતિ ધરી, પરમેશ્વર સમરંત. એહવે૦ ૧૦
દુહા.
ઇમ સાયર કોપે હુઓ, દેખી વાહણ વિલકખ;
વિચિ આવી વાણી વદે, ઉદધિકુમર નાલકખ ૧
‘વાહણ! ન કીજે સર્વથા, મોટા સાથે ઝૂઝ;
જો કીધૂં તો ફલ લહ્યું, મુંઝઈ કાઈ અબૂઝ. ૨
તુજમાં કાંઈ ન ઉગર્યો, વહિ જાઈસે જલવેલ;
હજી લગિ હિત ચાહિ તો, કરે સામરસ્યું મેલ. ૩