મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૧૦

From Ekatra Wiki
Revision as of 06:39, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૧૦

અખાજી

સાંતીડું જોડીને સમજાવીએ, રૂડાં રામનાં બીજ લઈ વાવીએ. ટેક

દયા મયાના ડોળિયા, પ્રાણી પ્રેમનાં જોતર વાળ,
પ્રાણી! પ્રેમના જોતર વાળ;
રાશ લેજે ગુરુજ્ઞાનની, તારે સંત પરોણો હાથ.          – સાંતીડું

પહેલી ગણ પધોરની, પ્રાણી! કાળનાં ગુંડા કાઢ, પ્રાણી! કાળનાં
બીજી ગણ બહુ નામની, તારાં પાપ સમૂળાં જાય.          – સાંતીડું

ત્રીજી ગણ ત્રિભોવનની, પ્રાણી! ત્રષ્ણા-બેડી ટાળ, પ્રાણી! ત્રષ્ણા
ચોથી ગણ ચત્રભુજની, તારાં ખેતર આવ્યાં તાર.          – સાંતીડું

ત્રાટકતી આવી વાવણી, ભાઈ! સત્યની ઓરણી બાંધ, પ્રાણી! સત્યની
પાંચ આંગળીએ રે પૂરજે, તારે લાખે લેખાં થાય.          – સાંતીડું

ઊગીને જ્યારે ઓળે ચડ્યું, પ્રાણી! વાડની મકર વેલ, પ્રાણી! વાડની
ચોયે દિશાએ રાખ સુરતા, એથી પાકશે રૂપારેલ.          – સાંતીડું

પોંક આવ્યો હવે પાકશે, પ્રાણી! મનનો મેડો નાખ, પ્રાણી! મનનો
ગોફણ લેજે જ્ઞાનની, ભાઈ! પ્રેમના ગોળા ફેંક.          – સાંતીડું

ઢાળીડો આવ્યો ઢાળવા, પ્રાણી! ઢાળ ભલેરી થાય, પ્રાણી! ઢાળ
ખાઓ પીઓ ધન વાવરો, એનો ભોગ ભગવાનને જાય.          – સાંતીડું

ગાણું ગાજે હવે જ્ઞાનનું, ભાઈ હૈયાની હુંપદ હાર, પ્રાણી! હૈયાની
અખો ભગત કહે પ્રભુ ભજ્યા વિના, નહિ ઊતરો ભવપાર;
સાંતીડું જોડીને સમજાવીએ, રૂડાં રામનાં બીજ લઈ વાવીએ.