મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઢાલ ૨
યશોવિજય
(સૂરતી મહિનાની; યા ભમરગીતાની દેશી,
અથવા વિજય કરી ધરી આવિયા, બંદિ કરે જયકાર-એ દેશી.)
સિંધુ કહે ‘હવે સિંધુર, બંધુર નાદ વિનોદ,
ઘટતો રે ગર્વ કરૂં છું પામું છું ચિત્તિ પ્રમોદ;
મોટાઈ છઈ રે માહરી, સારે જગત પ્રસિદ્ધ,
સિદ્ધ અમર વિદ્યાધર, મુજ ગુણ ગાઈ સમૃદ્ધ ૧
રજત સુવર્ણના આગર, મુજ છે અંતરદ્વીપ,
દીપ જિહાં બહુ ઔષધિ જિમ રજની મુખ દીપ;
જિહાં દેખી નરનારી, સારી વિવિધ પ્રકાર,
જાણીએ જગ સવી જોઇઉં, કૌતુકનો નહિ પાર ૨
તાજી રે મુજ વનરાજિ, જિહાં છે તાલ તમાલ,
જાતિફલ દલ કોમલ, લલિત લવિંગ રસાલ;
પૂગી શ્રીફલ એલા, ભેલા નાગ પૂંનાગ,
મેવા જેહવા જોઈયે, તેહવા મુજ મધ્ય ભાગ. ૩
ચંપક કેતકી માલતિ, આલતિ પરિમલ વૃંદ,
બકુલ મુકુલ વલિ અલિકુલ, મુખર સખર મુચકુંદ
દમણો મરૂઓ મોગરો, પાડલ ને અરવિંદ
કંદ જાતિ મુજ ઉપવને, દિએ જનને આનંદ. ૪
મુજ એક શરણે રાતા, રાતી વિદ્રુમ વેલિ,
દાખી રાખી તેહમાં, મેં સાચી મોહણ વેલિ;
વનિતા અધરની ઉપમા તે પુણ્યે લાભંત. ૫
નવગ્રહ જેણે રે બલે, બાંધ્યા ખાટને પાય,
લોકપાલ જસ કિંકર, જેણે જિત્યો સુરરાય;
કિઓ રે ત્રિલોકી કંટક, રાવણ લંકા–રાજ,
મુજ પસાયે તેણે કંચન, ગઢમઢ મંદિર સાજ. ૬
પક્ષ લક્ષ જબ તક્ષતો, પર્વત ઉપરિ ધાઈ,
કોપાટોપ ધરી ઘણો, વજ્ર લેઈ સુરરાય;
તડફડિ પડિયા રે તે સવિ, એક ગ્રહે મુજ પક્ષ,
તબ મેનાક રહિઓ, તે સુખિયો અક્ષતપક્ષ. ૭
જગ સચરાચર જસ તનુ, માયા પીલે ચીર,
તે લક્ષ્મીનારાયણ, ગોવર્દ્ધન-ધર ધીર;
મુજમાંહે પોઢ્યા હેજે, સેજ કરી અહિરાજ,
હોડ કરે કુણ માહરી? હું તિહુઅણ-સિરતાજ. ૮
વાહણ! પાહણ પણિ તુજથી, ભારે તૂં કહેવાય,
હલુઓ પવન ઝકોલે, ડોલે ગડથલાં ખાય;
તો હલુઆ તુઝ બોલડા, હલુઓ છે તુજ પેટ,
મુજ મોટાઈ ન જાણે, તાણે નિજ મત નેટ. ૯
ગુરુયાના ગુણ જાણે, જે હૂઇ ગિરુઆ લોક,
હલુઆને મનિ તેહના, ગુણ સવી લાગે ફોક;
વાંઝિ ન જાણે રે વેદના, જે હુઇ પ્રસવતાં પુત્ર,
મૂઢ ન જાણે પરિશ્રમ, જે હુઈ ભણતાં સૂત્ર.’ ૧૦
દુહા
સાયર જબ ઇમ કહિ રહ્યો, વાહણ વદે તબ વાચ;
‘મા આગલિ મોસાલનૂં, એ સવિ વર્ણન સાચ. ૧
વાણીને જિમ ગ્રંથગતિ, સુર-થિતિ હરિને જિમ;
કાંઈ અજાણી મુજ નહી, તુઝ મોટાઈ તેમ. ૨
વિસ્તારૂં છું ગુણ અહ્મે, ઢાંકું છું તુઝ દોષ;
તો એવડું શ્યું ફુલવું?, સ્યો કરવો કંઠ-શોષ? ૩
મેલો પિણ મૃગ ચંદલે, જિમ કીજે સુપ્રકાશ;
તમ અવગુણના ગુણ કરે, સજ્જનનો સહવાસ. ૪
ગુણ કરતાં અવગુણ કરે, તેતો દુર્જ્જન ક્રૂર;
નાલિકેર-જલ મરણ દિયે, જો ભેલિયે કપૂર. ૫
હિત કરતાં જાણે અહિત, તે છાંડીજે દૂર;
જિમ રવિ ઊગ્યો તમ હરે, ધૂક-નયન તમ-પૂર. ૬