મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /૧.મારું માણેકડું રિસાવ્યું રે...

Revision as of 09:08, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧.મારું માણેકડું રિસાવ્યું રે...

પ્રેમાનંદ

(રાગ: વેરાડી)
મારું માણેકડું રિસાવ્યું રે, શામળિયા,
તારા મનમાં એ શું આવ્યું? રે શામળિયા,
હું અપરાધણ માતને મૂકી શા માટે જંપાવ્યું?          રે શામળિયા.

કાલિંદ્રીનું કાળું પાણી, માંહે વસે કાળો કાળી;
હવે આશા શી મળવાની? ઘેર કેમ આવે વનમાળી? રે, શામળિયા!
મારું
સંતાન-રૂપિયું મોટું ધન તે, કરમે લીધું લૂંટી,
મે નવ જાણ્યું જત્ન કરી રે, રત્ન પડ્યું કેમ છૂટી રે, શામળિયા!
મારું
પુત્ર પામી હું છેલ્લે આશ્રમે, મેં ઉછેર્યો પ્રતિપાળી;
નીપન્યો રસ ઢોળાઈ ગયો, હું વિજોગ-અગને બાળી રે, શામળિયા!
મારું
નાકે મોતી, પાયે ઘૂઘરી, મોરમુગટ શિર ધારી;
ફરી રૂપ હું ક્યાંહાંથી દેખું? હરિ આવે ગૌ ચારી, રે શામળિયા!
મારું
પીત પછેડો, કાછ કચ્છ્યો ને, મુજ કને નેતું માગે;
હું ઘરડી માને થાકી જાણી, કોણ વિલોવા લાગે? રે શામળિયા!
મારું
તું પ્રાણેશ્વર, તું ગોપેશ્વર, ગોપી દેહ કેમ ધરશે?
બાળસખાની કોણ વલે? આ ગાયો હીસી હીસી મરશે, રે શામળિયા!
મારું
ઊંડા જળમાં વાસ જ કીધો, પાણીમાં કેમ ગમશે?
મોર, પોપટ ને પૂતળી, તારે રમકડે કોણ રમશે? રે શામળિયા!
મારું
કાંઈ તું ગયો ને હું જીવું છૌં, ઓછા સગપણ માટે;
સાચું વહાલ તો તાહાં જણાયે, સાંભળતાં હૈડું ફાટે, રે શામળિયા!
મારું
કાષ્ઠપેં પાષાણ કઠિણ છે, તેપેં કઠિણ છે લોઢું;
વજ્ર-તુલ છે કાળજ મારું; લોકને દેખાડું શું મોઢું રે શામળિયા!"
મારું
નંદ જશોદા, ગાય, ગોવાળાં, વ્યાકુળ બ્રિજની નારી;
‘ચાર ઘડી પૂંઠે સરવે પડજો,’ હળધર રાખે વારી, રે શામળિયા!
મારું