મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મદનમોહના

From Ekatra Wiki
Revision as of 06:51, 16 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મદનમોહના

મદનમોહના
શામળની ‘સિંહાસન-બત્રીસી’ વગેરે બીજી પદ્યવાર્તાઓ જૂના વાર્તાસાહિત્ય પર આધારિત હતી પણ ‘મદનમોહના’ એની, જુદાંજુદાં વાર્તાઘટકો ગૂંથી લઈને કરેલી મૌલિક પદ્યવાર્તા છે. રાજકુમારી મોહના પ્રધાનપુત્ર મદનને જોતાં જ પ્રેમવશ થઇ ગુપત ગાંધર્વ લઘન કરે છે, પુરુષવેશે એની સાથેજ નગર છોડે છે, પુરુશવેશે પરાક્રમો કરે છે. એવી કથામાં વચ્ચેવચ્ચે વ્યવહારબોધક દૃષ્ટાંતકથાઓ ગૂંથી છે, ચાતુર્ય અને શિખામણનાં સુભાષિતો મૂક્યાં છે ને એ રીતે કથાને રસપ્રદ બનાવી છે.
(આરંભ)
છપ્પો
પારવતીનો પુત્ર, ઘરસૂત્ર ચિંતામણિ ગાજે,
રત્નાવલિની ખાણ, છત્ર જાંહાં શિર પર રાજે;
સિંદૂર સેવંત્રાં સાર, આહાર મોદીક મણિ માઝા,
પરમેશ્વર પેહેલો પૂજાએ, રાજરાજેશ્વર રાજા;

ગણનાયક લાયક લખણ, દાયક બુધ્ય સા’યક ભણું,
ગજાનન ગુણઆગળો, શામળ ધ્યાન ધરરે તે તણું.

દોહરા
કહું કથા મદનમોહના, જે સતવાદી સાર;
બુદ્ધિ પ્રાક્રમ ચાતુરી અર્ણવ અકલ અપાર.

પુણ્ય વધે પાતક મટે, ગુરુપદ ઉપજે જ્ઞાન,
શોભા કહું સંક્ષેપથી, મહીપત મોટમ માન.          ૧૦


(મોહનાના રૂપનું વર્ણન)
પુત્રી એક તેને પદ્મિની, લાયક લાવણ્ય લાખ;
અકલતણી અરણવ અતિ, જેની શાસ્ત્ર જ પૂરે સાખ.          ૩૨

તે રૂપે રંભા સરીખડી, તીમાંહે સરદાર;
હામ કામ મૃગલોચની, દિલ ઘણું દાતાર.

નખશિખ શોભા નીરખતાં, અંબુજદલ શાં નેણ;
હંસગતિ ગજગામિની, અમૃત વદને વેણ.

દેવાંગનાથી દશગણી, નાગાંગનાવત્ નિધ;
રૂપવંત રૂડી રમણ, રતિસમોવડ રીધ.
કેશપાશ તો કપિલકૃત, કાળો કાલીનાગ;
ચોહોવિધે ગૂંથ્યો ચોટલો, લીલવટ લાવણ્ય લાગ.          ૪૦

ભર્યો માંગ ભરપૂર પુર, સિંદૂર શોભિત સર્વ;
જળધારા શિવલિંગ પર, ઘણો ઉપજાવણ ગર્વ.

વદન શરદ-ઇંદુ જશું, અંબુજદલ શી આંખ;
ભમર ભમરાલી ભજત, પાંપણ ભમરાપાંખ.

રસના અમૃત સારખી, સ્વર કોકિલાવાણ;
દંતપંક્તિ દાડિમકળી, જશરૂપ જુવતી જાણ.

ચિબુક ચારુ ચતુરાતણું, અધર પ્રવાળી અમૂલ્ય;
ગ્રીવા પોતકપોત શી, નીલગ્રીવ સમતુલ્ય.

નૌતમ નાસિકા કીરવત્, તલફૂલ તેલની ધાર;
શ્રાવણ છીપ શોભિત સદા, ઓપિત અપરંપાર.          ૫૦

ઉર અદ્ભુત ઉપમા અધિક ચક્રવાક જુગ-જોડ;
કનક-કળશ સુધા સહિત, ક્ષણુંમાત્ર નહિ ખોડ.

ઉદર પોયણપાનવત્, ઘણું શોભ ગંભીર;
ત્રિવલી તરવેણી સમી, સઘળું શુદ્ધ શરીર.

નાભિ દક્ષિણવંતવત્, પૂંઠ કેળનું પત્ર,
રંભખંભ જંઘાજુગમ, તોલ ઘણેરી તત્ર.

કર કરિસુંઢ સરીખડા, અંગુલિ મગની સીંગ;
મધ્યહથેલી મહીમથન, નખ તારાવત્ રંગ.

કટિ વખાણું એહની, જાણે સિંહનો લંક;
ગતિ ગજેન્દ્ર ઓપિત અધિક, ક્ષણુંમાત્ર નહિ વંક.          ૬૦

જાવકરંગ પાની જશી, સજ્યા શોભિતા સોળ,
નીલવટ કુંકુંમ કેસરી, મુખ તાતાં તંબોળ.

રત્નજડિત્ર કરચૂડલો, ચંપકવરણાં ચીર;
ચરણાં-ચોળી શોભિતાં, નિરમળ નારી નીર.

માતા તેની મદસૂદના, મહામનોહર માન;
રામા રૂપવતી ઘણું, ગુણવંતી ગુણગાન.

કુંવરી દેખી કરી કલ્પના, ‘એ જુવતી જોબનવેશ;
પુણ્યવંત પનોતો કો પુરુષ, દેવી તે ઘેર દેશ.          ૬૮


(મદન રૂપવર્ણન)
પાછો પટ કર્યો પ્રેમદા, દીઠું દિવ્યદરશન.          ૩૫૫
મોહ પામી એ તો મોહના, પૂરણ થઈ પરસન.

વરુણ વાયુ કુબેરવત્, અવનવો દીઠો ઇંદ્ર;
ગ્રહગણ તારા દેવતા, કે રવિરાજા ચંદ્ર.

પ્રધાનતણો સુત પાટવી, મદન નામ મકરંદ;
વદન પંકજ વરણાગીઓ, કંદર્પ આનંદકંદ.          ૩૬૦

દમયંતી-નળથી દશગણો, માધવાનલથી મેર;
રોહિણીપતિવત્ રૂડલો સાચા જેહનાં સેર.

બત્રીસલક્ષણ બુધ્યનિધિ, ચૌદ વિદ્યા ગુણજાણ;
કળા બોતેરી કામવત્, પંડિત પૂરણ પ્રમાણ.

નિર્મળ નેત્રે નિરખીઓ, ધારણ નવ રહ્યું ધીર;
કુંદન હીરામાં જડ્યું, ભળ્યું સાકરમાં ખીર.

સમરી મન શિવશક્તિને, સમર્યા સીતારામ;
એ વર આપો અંબિકા, નિત્યનિત્ય જપીએ નામ.

પ્રીતે પૂજું ગોર્યને, કરું ઘણાં નવરાત્ર;
આપે આવું આરાસુરી જગન કરું હું જાત્ર.          ૩૭૦

પ્રીતે પ્રતિજ્ઞા કરી, સમરી મનથી માત;
‘એ વિના પુરુષ પૃથ્વી વિષે, માહારે તાત ને ભ્રાત.

જનમ જનમનો તું ધણી, જનમ જનમ હું નાર્ય;’
આરાધી એમ અંબિકા, વીનવે વારંવાર.          ૩૭૪


(મદનની મોહનાને વિનંતી)
પ્રધાનસુત કહે, ‘પદ્મની, સહસા ન કરીએ કામ;
ધીરે ધીરે ધારીએ, તો તો રીઝે રામ          ૫૦૪


અણસમજુ ઉતાવળું, કામ ન કરીએ કોય;
સીંચે માળી સો ઘડા, પણ રત વિના ફળ ન હોય.

કહું વાત તે ઉપરે, જો છો ચતુરસુજાણ;
શાસ્ત્ર સાખ પૂરે સદા, પંચ કરે પરમાણ.

દૃષ્ટાંતકથા
ચોપાઈ
ગોકુળપુર ગુણવંતું ગામ, નરેન્દ્રપાળ નરપતનું નામ;
સત્યવાદી સુભટ કહેવાય, બાંધી ધર્મતણી ધજાય.          ૫૧૦

વર્ણ અઢારે વાસો વસે, ધર્મમાર્ગ ઉપર સહુ ધસે;
વિપ્ર વિદ્યાવંત વિવેક, ન્યાયશાસ્ત્ર તણો છે નેક.

રહેતો ગોકુળીઆ ગામમાં, ન્યાયશાસ્ત્ર તણા નામમાં.
દેવશર્મા દ્વિજ દેવસ્વરૂપ, બ્રાહ્મણ બ્રહ્મવિદ્યાનો ભૂપ.

ભણ્યો ગણ્યો સંતોખી સુખી, દામનહિ ગાંઠે તે દુ:ખી.
નિર્મળકુળની નિર્મળ નાર, પવિત્ર ધર્મ પાળે આચાર.

કંથ પોતાનો છે તે કવિ, નિત્ય નિત્ય વાતો જોડે નવી.
પેર પેરનાં લખ્યાં પુરાણ, મોટમ વિદ્યાનો મેહેરાણ;

કહોને નવ જાચવાને જાય, જેહવું કરમે લખ્યું તે ખાય.          ૫૧૯


(મોહનાએ મદન સાથે છૂપું લગ્ન કરી લીધું છે એ જાણતાં રાજાનો મોહના, મદન અને પંડિત ગુરુ પર ક્રોધ. પણ મદનને મૃત્યુદંડને બદલે દેશનિકાલનીજ સજા. શામળનાં કેટલાંક જાણીતાં શિખામણ-સુભાષિતો અહીં પણ છે.)

દોહરા
રાજા મનમાં (ક્ષણ) રીઝિયો, સુણી વિપ્રવચન;
કાંઈક કોપ મન છાંડિયો, માન તજીને મન.          ૧૭૯૦

‘જરૂર મૂકું છું જીવતાં, ત્રણે જણને તર્ત;
નહિ તો તમ ત્રણેતણું, મેળ લખ્યું’તું મર્ત. (મોત)

મોઢું નવ દેખાડશો, જાવ ગમે તે ત્યાંહે.
રેહેશો મા તમો રોખમાં, માહારી અવની માંહે.

છપ્પો
છંછેડાયો નાગ, તે પણ વશ નવ થાયે;
વકરાયો જો વાઘ, તેહ ઝાલ્યો નવ જાયે;

વનિતા વંઠી જેહ, તેહ પણ ઠામ ન આવે.
થયો જૂઠો જે જન, તેહ કુડો નવ કહાવે;

રાજા રીસે રૂઠીઓ, તરત ક્રોધ તો નવ શમે;
હમણાં કહો તે કીજીએ, જો ઈશ્વરને શું ગમે.          ૧૮૦૦


દોહરો
પિતા કહે છે પુત્રને, ‘હમણાં છે એવો દાવ;
રૂઠ્યો છે તમ રાયજી, જાહાં જવાય તાંહાં જાવ.

છપ્પો
જીવે તેને જોખ, રંક તો રાજા થાયે;
જીવે તેને જોખ, નીચ જન ગંગા ના’યે;

જીવે તેને જોખ, રોગી જન થાયે માતો;
જીવે તેન જોખ, ગુણી જન થાયે ગાતો;

જીવે તેને જોખ છે, વેદના સઘળી વામશે;
શામળ કહે શું કહું તુંને, જીવતો નર ભદ્રા પામશે.

દોહરા
ઉજ્જડ ખેડાં ફરી વસે, નિર્ધનિયાં ધન હોય;
ગયાં જોબન આવે નહિ, મુઆ ન જીવે કોય.          ૧૮૧૦


સંપત ગઈ તે સંપજે, ગયાં વળે છે વાંહાંણ;
ગયો અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ.

છપ્પો
વંઝા જનમે પુત્ર, મૂર્ખ પણ કવિ થાયે;
નેઠ ભરાયે નવાણ, દરિદ્રશિર છત્ર ધરાયે;


વળે કો દિવસે વેર, ઝેર વળે જ જરૂરી;
ગુણકા થાય ગુણવંત, સતીપણામાં શૂરી;

અનેક એવાં થયાં હશે, સાખ શાસ્ત્રની છે સહી;
શામળ કહે કહું ક્રોડવરાં, ગયો જીવ આવે નહીં.

જીવે તે પામે રાજ, જીવે તે પામે નારી;
જીવે તે બેસે અશ્વ, જીવે તે તાયે વેપારી;          ૧૮૨૦

જીવે તે કરશે જગન, જીવે તે ગંગા નાહે;
જીવે તે પહેરે નંગ, જીવે તે લાહાણાં લાહે;

જીવે તેને સરવે મળે, વિજોગ સંજોગ થાય છે;
મુઆ કોઈ દેખે નહિ, શામળભટ ગુણ થાય છે.’

દોહરા
અમુલખ અશ્વ એક સજ કર્યો, હોંશીલા હથિયાર;
આભૂષણ અંગે ઓપતાં, થયો આપ અસ્વાર.

માતપિતાએ આગના, તેને આપી તરત;
‘જે થયું તે રૂડું થયું, માથેથી ઉતર્યું મરત.’

જે જુવતીએ જાણિયું, પિયુ ચાલે છે પંથ;
કામની આવી કલપતી, જાંહાં પોતાનો કંથ.          ૧૮૩૦

‘સુણ્ય સ્વામી સલક્ષણા, દેવરૂપ તું દેહ;
પરણ્યો તું મને પ્રીતથી, નિશ્ચે પ્રગટ્યો નેહ.

તું પરણ્યો મુને બીકથી, મેં કરવા માંડી ઘાત;
ત્યાં વિપ્ર એક છે સાખિયો, નો’તાં માત ને તાત.

તે તો તારે આગળ રહું, આ હું ને આ કટાર;
સ્ત્રીહત્યા તો ભોગવે, પાપ તો અપરંપાર.

સાથે તેડ્ય સલક્ષણા, પિયુ તું માહારો પ્રાણ;
ના કહીને તું નીસરે, તો તુજને મુજને હાણ.          ૧૮૩૮


(મોહના પણ પુરુષવેશે, રાજાથી છૂપી રીતે મદન સાથે જાય છે)

મોહનાએ કહી એવી વાત, ‘સુણો રે સ્વામીજી સાક્ષાત્,          ૨૦૯૬

હું નહીં મૂકું તારી કેડ,’ તરુણી કહે ‘મને સાથે તેડ.’
પંડિત ગયો પોતાને ગામ,ગામ નામ લખી રાખ્યો ઠામ.

નરનારી બે ઘોડે ચડ્યાં,માતાપિતાને પાગે પડ્યાં;
મધરાત સમે ચાલ્યાં બે જણાં, પુરુષવેશે ગુણવંતાં ઘણાં.

બત્રીશ લક્ષણ બુધ્યનિધાન, જાણે અષ્ટાદશ વિધાન;
મહામદથી મનમાં મ્હાલિયાં, ચતુર નર બેહુ ચાલિયાં.

જાંહાં દાણોપાણી તાંહાં જાય, સ્નેહ ઘણેથી સુખિયાં થાય; ૨૧૦૩


(છેલ્લે સમાપનમાં, આ પદ્યકથાનું સ્વરૂપ, કવિ-પ્રયોજન, કવિપરિચય)

મદમોહનાની કથા, કડી કડી રસાળ;          ૨૯૮૬
પંડિત હશે તે પ્રીછશે, પ્રીછશે હશે જે માલ.

સાખ સમશ્યા ને શાણપણ, વાત વિવેકી વાદ;
જાણ હશે તે જાણશે, અતિ પામે ઉલાદ.

છપે ચોપાઈ દોહરા, સમશ્યાની જે સાખ;          ૨૯૯૦
સંસ્કૃતમાંહેથી એ શોધિયું, ભણ્યો દ્વિજ ગુર્જર ભાખ.

સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક;
સતવાદીપણું ને શાણપણ, નરપતિ કેરા ટેક.

નરનારીની ચાતુરી, નરનારીનાં ચરિત્ર;
શૂરપણું ને શાણપણ, પ્રાક્રમ પુણ્ય પવિત્ર.

સતવાદી નરનારીનો, સુણે શીખે મહિમાય;
વિજોગ ભાંગે તેહના, આશા પૂરણ થાય.

મેળો નરનારી તણો, ભાવે સઘળો ભોગ;
આશા પૂરે અંબિકા ટળી જાય વિજોગ.

શ્રીગોડ માળવી વિપ્ર શુભ, વેગંનપુરમાં વાસ;          ૩૦૦૦
સુત શ્રીવીરેશ્વર તણો, શ્રીમુખ શામળદાસ.

લઘુ બાંધવ લાધા તણો, આનંદબાઈનો તન;
પિતા પરષોતમ તણો, મહારુદ્ર ઉપર મન.

મૂડીમાં એક મૂઠડી, સાગરમાં શુક ચાંચ;
એ રીતે કહેનારો કવિ, પ્રમાણ કરે જે પંચ.

મદનમોહનાની કથા, કહી મન મે’લી મોડ;
શામળભટ કવિતા કહે, સહુ બોલો શ્રીરણછોડ.

શ્રોતા વક્તા સાંભળો, નાનાભટ-શિષ્ય કર જોડ;
શામળ ભટ કહે બોલજો, ‘જે જે શ્રી રણછોડ.’          ૩૦૦૯