મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧૪
Revision as of 11:21, 16 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૪ |ગંગાસતી}} <poem> ભક્તિ કરવી તેને રાંક થઈ ને રે’વું ને, ::: મ...")
પદ ૧૪
ગંગાસતી
ભક્તિ કરવી તેને રાંક થઈ ને રે’વું ને,
મેલવું અંતરનું અભિમાન રે,
સદ્ગુરુ ચરણમાં શીશ નમાવી,
કર જોડી લાગવું પાય... ભક્તિ. ૧
જાતિપણું છોડીને અજાતિ થાવું ને,
કાઢવો વરણ વિકાર;
જાતિભાતિ નહિ હરિના દેશમાં ને,
એવી રીતે રે’વું નિર્માન રે... ભક્તિ. ૨
પારકા અવગુણ કોઈના જુએ નહિ ને,
એને કહીએ હરિના દાસ રે;
આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં,
એને દૃઢ કરવો વિશ્વાસ... ભક્તિ. ૩
ભક્તિ કરો તો એવી રીતે કરજો,
કે રાખજો વચનમાં વિશ્વાસ રે;
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ,
એમ કહીને હરિના દાસ... ભક્તિ. ૪