મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ત્રિકમસાહેબ પદ ૪
Revision as of 09:00, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૪|ત્રિકમસાહેબ}} <poem> તરવેણીના.. તરવેણીના તીર જ ઉપર ::: છે રે મ...")
પદ ૪
ત્રિકમસાહેબ
તરવેણીના..
તરવેણીના તીર જ ઉપર
છે રે મોતીડાંની હાર રે.
હંસ રે હરિજન સાધુજનને
એ રે મોતીડાંનો આહાર રે – તરવેણીના૦
સુરતા સિંહાસન પ્રેમનાં પાથરણાં ને
અવલ ઓસીકડાં ઓછાડ રે,
તા પર મારો સતગુરુ બેઠા, એને
નીરખીને થઈ છું નિયાલ રે – તરવેણીના૦
અખેમંડલમાં રાસ રચ્યો હે
થઈ રિયો થેઈ થેઈકાર રે,
રોમે રોમે રામરમતો રે દેખ્યો એ તો
અધ્ધર ખેલે નિરાધાર રે – તરવેણીના૦
જમનાજીને કાંઠડલે કાંઈ
કિસન ભયા કિરતાર રે,
મોહનજીએ મોરલી વગાડી એ તો
મધુરી કરે છે મલાર રે – તરવેણીના૦
ભવસાગરમાં બૂડતાં રે મારો
સતગુરુ તારણહાર રે,
ત્રિકમ સાહેબ ગેબી ગાવે
ખીમ ખલક કિરતાર રે – તરવેણીના૦