મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભોજો પદ ૭
Revision as of 10:48, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૭|}} <poem> ઉદ્ધવજી! અમને રે છબીલો સાંભરે ઉદ્ધવજી! અમને રે છબી...")
પદ ૭
ઉદ્ધવજી! અમને રે છબીલો સાંભરે
ઉદ્ધવજી! અમને રે છબીલો સાંભરે... ટેક
એક દિન આવ્યા’તા પિયુજી અમારી પાસ જો;
આંખલડીને ચાળે ચિત્ત મારું ચાળવ્યું,
કરી ગયા કાંઈ અમને ઘણું ઉદાસ જો... ૧
અમારા અવગુણ તો અમે જાણીએ,
શા માટે હરિ! તજીયા ગોકુળ ગામ જો;
જોબનમાં જાણ્યું રે રમશું રંગમાં,
શું હૈડે અમારે રહી, હરિ મળવાની હામ જો... ૨
ઝરમર ને મે’માં અમે તો આવતાં,
મોહનજી! કાંઈ જોવા તમારું મુખ જો;
અધૂરી પ્રીતે રે અવગુણ ઉપન્યો,
કેશવજી! ત્યાં કાંઈ અમને દીધાં દુ:ખ જો... ૩
સ્નેહને કરતા રે સહુને આવડે,
પ્રીતલડી તો કાંઈ રીતે ને ભાતે હોય જો;
બાળકની બુદ્ધિએ રે અટકળ ના’વડી,
ઊંચા ને કાંઈ નીચી સંગત્યું નો’ય જો... ૪
કુબજાને સંગે રે કાનુડો જઈ રહ્યાં,
નિશ્ચે કરીને કાંઈ તોડ્યો અમારો નેહ જો;
છોકરડે સરખે રે અમને છેતર્યાં,
છળ કરીને કાંઈ છળિયે દીધો છેહ જો... ૫