મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૩)

From Ekatra Wiki
Revision as of 07:20, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩)|દયારામ}} <poem> ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે? પુણ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૩)

દયારામ

ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે?
પુણ્ય પૂરવતણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે.

મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં,
ત્યારે મોહને મ્હેર આણી મનમાં. ઓ વ્રજનારી!

હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેઘઝડી શરીરે સહતી,
સુખદુ:ખ કાંઈ દિલમાં નવ લ્હેતી. ઓ વ્રજનારી!

મારે અંગે વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે ઉપર છેદ પડાવિયા. ઓ વ્રજનારી!

ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કો’માં શિરોમણિ કીધી,
દેહ અર્પી અર્ધ અંગે દીધી. ઓ વ્રજનારી!

માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
મારા ભેદગુણ દીસે ભારી! ઓ વ્રજનારી!