મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯૮.મીઠો/ મીઠુદાસ

From Ekatra Wiki
Revision as of 11:13, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૮.મીઠો/ મીઠુદાસ| }} <poem> મીઠો/મીઠુદાસ(૧૯મી સદી પૂર્વાર્ધ): જ્ઞ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૯૮.મીઠો/ મીઠુદાસ

મીઠો/મીઠુદાસ(૧૯મી સદી પૂર્વાર્ધ):
જ્ઞાતિએ ઢાઢી મુસલમાન એવા આ પદકવિ વૈષ્ણવધર્મી હતા. એમણે કૃષ્ણકીર્તન અને જ્ઞાનબોધ વિશે રચેલાં લોકપ્રિય ને મધુર-પ્રાસાદિક પદો થાળ, ભજન, રાસ એવા વિવિધ પ્રકારોનાં છે.

૧ રાસ; ૧ પદ

સાંભળ સહિયર વાતડી
સાંભળ સહિયર વાતડી, નૌતમ આસો માસ;
શરદપૂનમની રાતડી, ચંદ્ર ચડ્યો આકાશ.

એવામાં હરિ આવિયા, વૃંદાવનને ચોક;
મોરલીમાં વે વજાડિયા, તે સુણીયા ત્રિલોક.

અષ્ટકુળ પર્વત ડોલિયા, ડોલિયા નવકુળ નાગ;
મોર બપૈયા બોલિયા સાંભળતાં તે રાગ.

જાતાં વળતાં થંભિયાં, નદીઓ કેરાં નીર;
વછ ને બાળ વલભિયાં, પીતાં પીતાં ખીર.

ખગ મૃગ શ્રવણ ધરી રહ્યા, તરણ નવ દે ગાય;
ઠર્યો ઠાર ઠરી રહ્યાં, મુખ ચારો મુખમાંય.

પવન રહ્યો મુરઝાઈને, મુનિવર મૂક્યાં ધ્યાન;
વળી રહ્યાં વલભાઈને વહેલાં ગગન વિમાન.
વા નવ લે વન વેલડી, પ્રગટ થયાં ફલફૂલ;
વેંધાઈ નીકળી વણ બેલડી, અબળા સૌ કુળ શૂળ.

મોહી મોરલીના તાનમાં, વ્યાકુળ થઈ વ્રજનાર;
એકે એક નિશાનમાં; હીંડે હારોહાર.

નાકે ઓગનીઆ આણિયા, નેપુર પહેર્યાં હાથ;
મોર શ્રવણમાં સમાણિયા, કાંકણીઓ પગ સાથ.

સેંથે કાજળ સારિયાં, નયણે સારીયાં સિંદૂર,
સગાં કુટુંબ વિસારિયાં, સાગર સલિતા પૂર.

અવળાં આભરણ પહેરિયાં, અવળાં ઓઢ્યાં ચીર;
અવળાંયાં ઓઢ્યાં લહેરિયાં, ભૂલી શુદ્ધ શરીર.

એક એક આંજી આંખડી, એક એક છેક નગન;
ધરીહરિ ઉપર ધાંખડી, ફરી ફરી મળવા મન.

મહેલ્યા પિયુ સૂત ભ્રાતને, મહેલ્યાં માત ને તાત;
મહેલ્યાં નાત ને જાતને, જોતાં ઉત્પાત વાત.

મહેલ્યાં મંદિર મોહોલ માળિયાં મહેલ્યાં રાજ ને પાટ;
મહેલ્યાં ઝરુખા જાળિયાં, લીધી વ્રજની વાટ.

વન આવી વિનતા મળી, નમીયાં હરિને પાય
‘જાઓ જાઓ પાછાં વળી,’ એમ બોલ્યા જદુરાય.

‘પુરુષ સેવો પોતાતણો, જેને દીધાં જળધાર.
તે તમને સોહામણો, હો પતિવ્રતા નાર.

પતિવ્રતા પ્રીછે નહિ, અવર પુરુષની આશ;
અર્ધરાત્રિ નીકળે નહિ, ઘર મેલી વનવાસ.
        ***
વળતે અબળા બોલિયાં, કાંહાં જઈએ કિરતાર;
નહીં ઘર નહિ ઘંઘોલિયાં, નહિ ઠરવાનો ઠાર.

તમ સારુ તજિયાં અમો, સગાં કુટુમ્બ પરિવાર;
તો તરછોડો કાં તમો, હરિ, છો હૈયાના હાર.

રંગ રમાડો રાસમાં, નહિ તો તજશું પ્રાણ;
વિધ્ન થાશે વિલાસમાં, માતપિતાની આણ.

વળતી વહાલો શું કરે, અંગ થયા ઉલ્લાસ;
વસ્તારીને જે વરે, એટલે રચિયો રાસ;

જણ જણ સાથે જૂજવા, વાહાલે ધરિયા વેશ;
ઝી ઝી રાતે ઝાંખવા, ઊઠ્યા અજબે અનેક.

વેગે પલવટ વાળિયો, રાખી બાલી તાંહાં;
તન ઉપર લે નોળિયો, બળવંત ઝાલી બાંહ્ય.
બેહુ કર બેહુ કર કામિની, વચમાં વૈકુંઠનાથ;
બ્રજ-વરસાણાં ગામની, એકએકને ઝાલે હાથ.

ફરતાં ફરતાં ફેર ફરે, જાણે કનકના કોઢ;
મોર મુગટ મસ્તક ધરે, લટકે લોટ ને પોટ.

વાજીત્ર વાજાં વાજિયાં, સ્વરના ઉઠ્યા સોર;
તાલ પખાજ રે વાજિયાં, જંત્રતણા ઘનઘોર.

કડલાં કાંબી ઠણઠણકે; ઘુઘરીનો ઘમકાર;
પાયે તે વીંછિયા રણકે, ઝાંઝરનો ઝમકાર.

ધરતીનું પેટ ધ્રમ ધ્રમકે, હેઠળ સળકે શેષ;
ભૈરવનું અંગ મચમચકે; નાચે નાચ નરેશ.

દુંદુભિ વાજ્યાં દેવનાં, પુષ્પતણો વરસાદ;
પય સાકર ઘૃત સેવનાં, રમે જમે છે નાથ;

ફરી ફરી લે ફૂદડી, ગોપી ને ગોવિંદ;
ચુંબનની મુખ ચુંદડી, એક એક હસે આનંદ.

રમતમાં રમાવિયાં, પૂરણ થયા પ્રસન્ન;
જ્યમ આવ્યા ત્યમ ફાવિયાં, દરસ થયાં દરશન.

રજની કરી ખટમાસની, સહુની પૂરી આશ;
કહે મીઠો એ રાસની; વાત વદિયા શ્રીવ્યાસ.
પદ
એમ મારા વાલાને વઢીને કહેજો રે
એ ઓધાજી એમા મારા વા’લાને વઢીને કે જો રે...
માને તો મનાવી લેજો રે,          મારા...

મથુરાના રાજા થ્યા છો, ગોવાળુંને ભૂલી ગ્યા છો,
માનેતીને મોલે ગ્યા છો રે...          મારા...

જમુનાને તીરે જતાં, માખણ લૂંટી ખાતાં,
ભૂલી ગ્યા ઈ જૂના નાતા રે...          મારા...

એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો,
ગાયુંને સંભારી જાવો રે...          મારા...

તમારી મરજીમાં રે’શું, જે જોઈએ તે લાવી દેશું,
કુબજાને પટરાણી કે’શું રે...          મારા...

દાસ રે મીઠાના સ્વામી, પડી શું અમારી ખામી,
આવો હવે અંતરજામી રે...          મારા...