મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /તોરલ પદ ૧

From Ekatra Wiki
Revision as of 06:26, 20 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧|તોરલ}} <poem> જેસલ, કરી લે વિચાર માથે જમ કેરો માર સપના જેવો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૧

તોરલ

જેસલ, કરી લે વિચાર
માથે જમ કેરો માર
સપના જેવો છે સંસાર
તોળી રાણી કરે છે પોકાર
આવો જેસલરાય!
આપણ પ્રેમ થકી મળીએં જી
પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી!

આવ્યો અમુલખ અવતાર
માથે સતગુરુ ધાર
જાવું ધણીને દુવાર
કાયા બેડી ઉતારે ભવપાર
અવોને જેસલરાય. – આપણ૦
ુરુના ગુણનો નહીં પાર
ભગતી છે ખાંડાની ધાર
નુગરા ક્યા જાણે સંસાર
એનો એળે જાય અવતાર
અવોને જેસલરાય. – આપણ૦

જીવની ગતિ જીવની પાસ
જેવી કસ્તૂરીમાં વાસ
ધણી તારા નામનો વિશ્વાસ
સેવકોની પૂરો હવે આશ
અવોને જેસલરાય. – આપણ૦

છીપું સમુદરમાં થાય
તેનીયું સફળ કમાઈ
સ્વાતના મેહુલા વરસાય
ત્યારે સાચાં મોતીડાં બંધાય
અવોને જેસલરાય. – આપણ૦

મોતીડાં એરણમાં ઓરાય
માથે ઘણ કેરા ઘાય
ફૂટે તે ફટકિયાં કે’વાય
ખરાની ખળે ખબરું થાય
અવોને જેસલરાય. – આપણ૦

ચાંદો સૂરજ વસે છે આકાશ
નવલખ તારા તેની પાસ
પવન પાણી ને પરકાશ
સૌ લોક કરે તેની આશ
અવોને જેસલરાય. – આપણ૦

નવ લાખ કોથળિયું બંધાય
તે તો ગાંધીડો કે’વાય
હીરામાણેક હાટોડે વેચાય
તે દી એનાં મૂલ મોંઘાં થાય
અવોને જેસલરાય. – આપણ૦

નત્ય નત્ય ઊઠી નાવા જાય
કોયલા ઊજળા ન થાય
ગુણિકાને બેટડો જો થાય
બાપ કેને કે’વાને જાય
અવોને જેસલરાય. – આપણ૦

પ્રેમના પાટ પ્રેમના થાટ
ઝળહળ જ્યોતુંના ઝળળાટ
આગળ નમણ્યું જ્યાં થાય
અવોને જેસલરાય. – આપણ૦

મનની માંડવીયું રોપાય
તન કેરા પડદા બંધાય
જતિસતી મળી ભેળાં થાય
સતીયુંના પંજા જ્યાં મેળાય
અવોને જેસલરાય. – આપણ૦
દેખાદેખી કરો તે મત ભાઈ!
હાથમાં દીવડિયો દરશાય
અંતરે અંજવાળા થાય
ચાર જુગની વાણી તોરલ ગાય
અવોને જેસલરાય. – આપણ૦