મોરનાં ઈંડાં/‘મોરનાં ઈંડાં’ નાટ્યકૃતિ
મોરનાં ઈંડાં
ઇતિહાસના ઉગમમાં જરાપીંગળ ચીનમાં થઈ ગયેલા પેલા કોન-ફુ-ત્સું (કન્ફ્યુશિઅસ) અને આર્યાવર્તી વિશ્વમેધા ગૌતમબુદ્ધ અને અત્યારના બર્ટ્રાન્ડરસલ : અને વચ્ચે જે બહુ જૂજ સત્યવક્તાઓએ પૃથ્વી પર પગલાં પાડ્યાં છે :
બીજા કોઈને નહિ! નહિ જ! (1934)
અર્પણ
વરસોની વાટ ફળી : મેડિયે પધારી મનડાની મૂરિત અવાક. બંધ કર્યાં બારણાં ને અંધ કર્યું કોડિયું ઓઝલવા વસ્લ કેરી રાત. સોનેરી ઢાંકણાએ કાવ્યમુખ આવર્યું. કંપતું એ ઉન્હે આશ્વાસ. ઊંચકી શકું ન એ બુરખો લજામણો; જોર નહિ રાણીની પાસ. આત્મજ્ઞાન જેવડી ભાર હતો લાજમાં, મુર્ઝાઈ આંગળિયો વીશ. એકમેક તોય તોય દર્શનનો લાભ ના, પડતી જ્યાં વસ્લ કેરી ચીસ— ત્રીજાનો હાથ આવ્યો ઉઘાડવા બુરખો : ને વધતું : એકાન્ત; ત્રીજો હતો છતાંય બેના બે મેડિયે પૂગ્યા આત્મીયતાને પ્રાંત. મારી હથેળી, રેખ મારી આ ઊમટે, મારી લીલા ને નામોશી; દર્શનવા જે બધુંય મારા છે હાથમાં જોતા’તા — ઉમાશંકર જોશી, નીરક્ષીર
14-2-’57
પ્રથમ ભજવાયું.
શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન : ભાવનગર
દશેરા : 1989 (1932)
પ્રો. અભિજિત : શ્રી. નટવરલાલ બૂચ, એમ.એ.
તીરથ : શ્રી દલપત કોઠારી, બી.એ.
આરતી : શ્રી તારા કોઠારી
સોમ : શ્રી માધવજી રિબડિયા
વિદુર : શ્રી મહેન્દ્ર ભટ્ટ અને બીજાં —
આજે કોસાંબીજીને કંચનભાઈનાં પંખીઓ બતાવવા લઈ ગયો. બે કલાક પંખીઓ બતાવ્યા પછી ઈંડાંનો પરિચય આપવો એમણે શરૂ કર્યો. એક સાવ ધોળું ઈંડું હાથમાં લઈ જ્યારે એમણે કહ્યું કે એ મોરનું છે, ત્યારે મારા અચંબાનો પાર ન રહ્યો. ખૂબ નાનપણમાં કસ્તુરિ મા પાસેથી ‘મોરનાં ઈંડાં તે કાંઈ ચીતરવા પડે!’ એ ઉક્તિ સાંભળેલી. મનમાં રહી ગયેલું કે મોરનાં ઈંડાં તો ચીતરેલાં જ હશે! અને આ તો બગલાની પાંખ જેવું સાવ ધોળું શેતર! કંચનભાઈએ અંતે ભરમ ભાંગ્યો : ‘એ કહેવતનો અર્થ તો એમ કે અંદરના રંગરાજ માટે ઉપરના ઓપની આવશ્યકતા નથી!’ — અને મેં એ તત્કાળ સ્વાકારી લીધું.
(માનસી, પાનું 22: પોથી ત્રીજી : તા. 9-12-1928 દ. મૂ) (1934)