સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દુલા ભાયા ‘કાગ’/વાણી તો અમરત વદાં…
જેઠ મહિનાના ખડેલ જાંબુડા જેવો વાન, વાંભની સાંકળ ઠરડાઈને અવળાસવળી કનોટી ભેળી થઈ જાય, થાળી જેવડું કપાળ, કરમાઈ ગયેલ કારેલાના સીંસા જેવા ફોરણાં, ગોઠણથી ઊતરતી કેશવાળી, અંજળીમાં પાણી પીએ એવી નાની મોકળી (મોઢું), તાંસળી જેવી ડાબ, હથોડી જેવા ગાળ, ગાડાની પીંજણી જેવી ફીંસ (સાથળ), હાથીના પઠા જેવી પીઠ, બાજોટ જેવા ત્રીંગ, હીરની ફેલ જેવી પૂંછી, ત્રાઠેલ મૃગલી જેવી આંખ, કોરેલ પીપળાના પાન જેવી કપાળમાં ધોળી ટીલી, ફોરણાંથી નીતરતી માણેકલટ, પોતાના પડછાયાથી કંપે, પવનના ઉતાવળા લેરખાથી ફડકે અને બાપ પાંહે નદીએ પાણી પિવરાવવા માગ્યો હોય તો પેટના દીકરાને દેતા પણ જીવ નો હાલે એવો જાતવાન ઘોડો.
અબળા અંબિકા મટી કાલિકા બની, અંગેઅંગ ફરકી ઊઠયાં. સામી ખીંટીએથી પરબોળિયાના રસ જેવી લીલીછમ તલવાર લઈ, કામી જેમ લજ્જાને ફગાવી દે તેમ મ્યાન ફગાવીને લીધી હાથમાં ભવાની. ભય અને શૂરાતનથી શરીર કંપવા લાગ્યું. સાડાત્રણ કરોડ રુંવાડાં સમ… સમ… કરતાં અવળાં થઈ જાગી ઊઠયાં. આંખ્યુંમાં શનીશર ધજાગરા લઈ બેસી ગયો. ત્રણેક ડગલાં પાછી હઠી પગ ઠેરવી અને કર્યો ઘા! અને હરદ્વારના મેળામાં રાંકના હાથમાંથી જેમ રામપાતર જઈ પડે તેમ એક ઘા ને બે કટકે માથું ને ધડ જુદાં થઈ ગયાં. ભીંતગરોળીની પૂંછડી જેમ ઘડીક ધડ તરફડયું. ફાટેલ ડોળે ઠાકોરની આંખ્યું આ ચંડિકાને જોઈ રહી, અને જીવન આખાના પાપના સ્મરણની ઘડી જુગ જેવડી લાગી. તલવાર ત્યાં જ મૂકી મીંદડીની માફક ડગલાં ભરતી તીરની જેમ દરબારગઢની ડેલી બાર નીકળી ગઈ.
કાયામાં જુવાની હાગડતિ રમે છે. કાળો મોસરનો દોરો અને કાળી ભમ્મર દાઢી ગાલને બોકા દઈ રહી છે. અજવાળી આઠમના ચાંદા જેવું અરધેક માથે કપાળ, જોબનના લાલ ચટકા ઊપડેલ કેરીની ફાડ જેવી આંખડિયું, દીવાની શગ જેવું નાક, પરવાળા જેવા હોઠ, દાડમની કળિયું જેવા દાંત અને કાંધની બુહટું ગઈ છે. હાથીની સૂંઢ જેવાં બાવડાં, ચોળાફળી જેવી આંગળિયું, ઢાલવા છાતી, સાવજ જેવી કેડ અને ગોઠણથી હેઠી બેય ભુજાઉ ફડાકા લઈ રહી છે.
સૂરજ મા’રાજે હજી માંડ માંડ ઉગમણી દૃશ્યે કોર કાઢી છે. રાતના કાળા ઓઢણાના લીરેલીરા થઈને સાતમા આસમાને ઊડી ગયા છે. મંગળ આરતીના ઘાસાં વાગી રહ્યા છે. ગાયુંના ગાળા છૂટ્યા છે. ઉદયાચળના ખોપરા માથે ઊભા રહી સૂરજનારણે સોનવરણા પડદાનો ઘા કર્યો તે પચાસ ક્રોડ ધરતીના છેડા વીંધી અસ્તાચળ પર્વતના ઉંબરે પડ્યો છે. વર્ષા ઋતુ તો જેઠ મહિનો આવતાં જ શરમનો પડદો ફેંકીને કડેડાટ કરતીક બહાર આવે. વરુણદેવના કટક ખળભળી ઊઠે. બારબાર મહિનાનાં વિયોગી વાદળાં છાતી ભીડી ભીડીને આકાશમાં ભેળાં થાય. કાળા કાળા ઝભ્ભા પે’રી મેઘ-મા’રાજની મશાલુનાં અજવાળાં થાય. હૈયામાં સાત સાત રંગના સાથિયા પૂરી ઇન્દરધનુષ પૂર્વ— પશ્ચિમમાં ઊગી નીકળે. સમદર ગાંડોતૂર બની જાય. એના અનંત લોઢનો આંતરવિગ્રહ સળગે. દરિયાકાંઠે તો કાન પડ્યું કાંઈ જ નો સંભળાય. ઠંડા હેમાળા જેવા સાગરનાં નીર આંધણ મૂક્યું હોય એવાં ઊનાં થઈ જાય. મોરલા મેઘ મા’રાજની સવારીને નીરખી (ડોકની) સાંકળના ત્રણ ત્રણ કટકાઉ કરી ‘કેહૂક…કેહૂક…કેહૂક’ એમ ગહેકાટ કરે. બપૈયાઉ ‘પિયુ…પિયુ’ બોલી ઊઠે. ચકલિયું ધૂળમાં ના’વા માંડે. બગલાં, પારેવાં વગેરે પાંખ્યું પો’ળી કરી કરી હાંફવા માંડે. ગાયો ને ભેંશો વરસાદના વાવડ પામી, પૂંછડાના ઝંડા માથે લઈ હુંકાર કરતી નાચવા-કૂદવા માંડે અને ગાંડી ગીર સામું મોં રાખી ભેંશો રણકવા માંડે અને આમ ધરતી ગજ ગજ ઊંચી આવી જાય! [દુલા કાગ વિશયક લેખોનો સંગ્રહ ‘વાણી તો અમરત વદાં…’]