એકાંકી નાટકો/પિયો ગોરી : લેખકનો પત્ર, ઝવેરચંદ મેઘાણીને

From Ekatra Wiki
Revision as of 11:19, 20 August 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પિયો ગોરી : લેખકનો પત્ર, ઝવેરચંદ મેઘાણીને|}} {{Poem2Open}} {{Right|કૃષ્ણલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પિયો ગોરી : લેખકનો પત્ર, ઝવેરચંદ મેઘાણીને

કૃષ્ણલાલ શ્રીધરાણી એમ.એ., એમ.એસસી.; પીએચ.ડી. કલાર્ક એચ. ગેટ્સ, વોલ્ડોર્ફ-એસ્ટોરિયા ન્યૂયોર્ક 22, એન. વાય. (યુ.એસ.એ.) માર્ચ 31, 1944

પ્રિય મેઘાણીભાઈ, તમારો નવેમ્બર 16, 1943નો પત્ર મને ફેબ્રુઆરી 19, 1944ને રોજ પહોંચ્યો, એ પછી તરત જ મારું ન્યૂયોર્કનું લેખનકાર્ય છોડી મારે વ્યાખ્યાન-પ્રવાસે જવાનું થયું, એટલે જવાબ આપવામાં ઢીલ થઈ છે. અમેરિકાની હિમવૃષ્ટિભરી હજારો માઈલની મુસાફરીમાં મેં તમારો કાગળ સાથે ફેરવેલ, જેટલી વાર મેં એ પત્ર વાંચ્યો તેટલી વાર રોમાંચ અનુભવ્યો છે, કારણ કે એ પત્રથી મને પ્રતીતિ થઈ છે કે મારા હિંદી મિત્રો, અંગત તેમજ સાહિત્યકીય, જીવન-નાટક પર ભરચક દશદશ વર્ષનો પડદો પડી ગયો છે તે છતાં હજી મને ક્યારેક સંભારી રહ્યા છે. ભાષા અને સાગર બંને મને તમારાથી ચિરકાળથી વેગળો પાડી રહેલ હોવા છતાં વાણીની સાંકળી હજી અતૂટ રહી હોય એમ મને લાગે છે. ‘સૌરાષ્ટ્ર કાર્યાલયનાં દફતર ફેંદતાં, દાયકાની રજ તળે દટાયેલાં મારાં જે ત્રણ નાટકો શોધી કાઢી તમે મમતાપૂર્વક તમારા પત્ર સાથે મારા પર બિડ્યાં છે, તેનાં છાપેલાં ફરમા હું અમેરિકાની સુસવાટ દોડતી ટ્રેનમાં બેઠો ફરીફરીને વાંચી રહ્યો છું. એ નાટકોથી પણ મેં ઊંડી લાગણી અનુભવી છે — તેમાંથી કોઈ ઉચ્ચ સાહિત્યસંપત્તિને કારણે નહિ પણ એમણે મારા ઘરઝંખતા હૈયામાં સંસ્મરણોની જે ભરતી ચડાવી તેથી મારી પૂર્વપશ્ચિમની સમજણને અને મિત્રરંગે રંગાયેલી મારી ચેતનાને નિર્ભેળ નિર્મળ હિંદી જળથી સદંતર આવરી લેતાં હોય તેવાં ભૂતકાળનાં, વતનયાદની મીઠી વેદના જગાડતાં સ્મરણોથી મારું મન તરબોળ બની ગયું છે — એ દહાડાનાં સ્મરણો કે જ્યારે હું બાળક હતો, પાંખો આવી નહોતી અને ગુજરાતી સાહિત્યમંદિરનાં બારણાં હું હજુ ખખડાવી રહ્યો હતો. આ નાટકોને પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવાની તમે મારી મંજૂરી માગો છો. એ મંજૂરી આપવાનું મારે માટે સહેલ નથી. ‘પિયો ગોરી’, ‘વીજળી’ અને ‘ઝબક જ્યોત’ ત્રણેય નાટકો મેં 1934માં હિંદ છોડ્યું — એટલે કે હું 23 વર્ષનો હતો એ પહેલાં લખાયેલાં છે. મને સાંભરે છે કે તેમાંનું એક તો મેં છેક 1931માં લખેલું. એથી એમાં મારી અપક્વતાની અચૂક છાપ છે. આજે એ ફરી વાર વાંચતાં તેમાંની અપક્વતા દેખી ક્યારેક મારા હૈયા સોંસવો એક ઠંડો સૂસવાટો પસાર થઈ જાય છે. પણ તમે તમારા પત્રમાં મને ખાતરી આપો છો ‘હું એ લખાણ વાંચી ગયો અને મને લાગ્યું છે કે જનતા સમક્ષની તમારી આજની પ્રતિષ્ઠા ટકાવી રાખવાનું આ પુસ્તકમાં દૈવત છે.’ મારા વતનમાં મારી ‘આજની પ્રતિષ્ઠા’ કેટલી છે તેથી સંપૂર્ણ અજાણ છતાં આવા પ્રશંસાત્મક નિર્ણય સામે વાંધો લેનાર હું કોણ! ગમે તેટલું અચકાવા છતાં તમારી મમતાથી દ્રવી તેમ જ તમારી શ્રદ્ધાથી પ્રોત્સાહિત બની હું તમને માગી મંજૂરી આપું છું. પણ એ મંજૂરીની સાથોસાથ એ નાટકોના લેખનના ઇતિહાસની થોડી વાતો — લખ્યા તારીખ સાથે — પ્રકાશકની નોંધમાં મૂકવાની વિનંતિ કરી લઉં છું. હું ધારું છું કે મારા સ્વદેશપ્રયાણની ઘડી પાકી ગઈ છે. મારા વિદેશ-વસવાટ દરમિયાન અનિવાર્ય રીતે પલટી ગયેલા હિંદની ફરી પિછાન કરવાનું મુશ્કેલ છતાં મૂળભૂત કામ મારી સમક્ષ પડ્યું છે. દશ વર્ષની ઊંડી કાળખીણ પર મારે સેતુ બાંધવાનો રહેશે. મને લાગે છે કે આ નાટકોનું પ્રકાશન મારા હિંદ અંગેના પૂર્વસંબંધોને પુનર્જીવિત કરી ભાંડુના પુનર્મિલનનો પડઘો જગવશે. તેથી મોડું થયું હોવા છતાં હું તેના પ્રકાશનને આવકારું છું.

મને એ વાતનું તીવ્ર ભાન છે કે હું ઘણા લાંબા વખતથી માત્ર માતૃભૂમિથી નહિ પણ માતૃભાષાથી પણ દૂર પડી ગયો છું અને છેલ્લાં દશેક વર્ષથી તો મેં ગુજરાતીમાં એક પણ પ્રકાશન નથી કર્યું, છતાં મેં, લખવાનું તો, બેશક અંગ્રેજીમાં, ચાલુ રાખ્યું છે. અંગ્રેજી બોલતી દુનિયા માટે મેં ત્રણ પુસ્તકો અને ઘણા લેખો લખ્યા છે. અમેરિકામાં જ હું વ્યાખ્યાનો કરતો — અલબત્ત — અંગ્રેજીમાં — દશેક લાખ માઈલ ફર્યો છું. અંગ્રેજી રેડિયો પરથી પણ મેં ઘણી વાર મારો અવાજ ફેલાવ્યો છે. પણ ભાષા પરાઈ હોવા છતાં મેં હંમેશાં હિંદની જ કીર્તિગાથા ગાઈ છે. અને એ વાત હું કદી ભૂલ્યો નથી કે મારા સાહિત્યજીવનનું બીજારોપણ તો જ્યાં હું તરતમાં જ પાછો ફરવા ઉમેદ રાખું છું તે ગુજરાતમાં જ છે.

લિ. ઘર ઝંખતો તમારો કૃષ્ણલાલ શ્રીધરાણી