કોડિયાં/શ્રીધરાણીની કવિતા — ઉમાશંકર જોશી
— ઉમાશંકર જોશી
‘કોડિયાં’ની 1934ની આવૃત્તિનું આ પુનર્મુદ્રણ-માત્ર નથી. 1927થી 1934ની એ કૃતિઓમાંથી જૂજ રદ કરીને બાકીનીને નવા ક્રમમાં અહીં રજૂ કરેલી છે, એટલું જ નહિ, કર્તાના અમેરિકાનિવાસનાં બાર વરસો સમેત કુલ ચૌદ મૌન-વરસો પછીનાં 1948થી 1956 સુધીનાં નવીન કાવ્યોનો પણ આ નવી આવૃત્તિમાં સમાવેશ થયો છે. ઓગણીસસો ત્રીસીના ગાળાના અપૂર્વ ચેતન-સ્પન્દની સાથે ગુજરાતમાં અનેક કવિકંઠ ખીલ્યા, તેમાં સાચી કવિતાનો રણકો જેઓના અવાજમાં વરતાતો હતો તેઓમાંના એક હતા શ્રીધરાણી. સુભગ શબ્દવિન્યાસ, તાજગીભર્યો લયહિલ્લોલ, સુરેખ ચિત્ર ખડાં કરતાં ભાવપ્રતીકો — આદિ દ્વારા શ્રીધરાણીની રચનાઓમાં જે અનાયાસ કલાસૂઝ પ્રગટ થતી તે કદાચ અજોડ હતી. શ્રીધરાણીની નવકવિતાની મોહિની કેવી હતી તે તો એમની રચનાઓ જેમજેમ પહેલી વાર પ્રસિદ્ધ થતી આવતી તેમતેમ તેના આસ્વાદથી આનંદરોમાંચ અનુભવનારાઓને પૂછવું જોઈએ. 1927માં સોળ વરસનો નવયુવક ગાંધીજીને —
દાહભરી આંખો માતાની
તેનું તું આંસુ ટપક્યું.
— એ રીતે ઓળખાવે છે.
પછીના વરસમાં પરી અંગે એ તરંગ ઉઠાવે છે:
પતંગિયું ને ચંબેલી
એક થયાં ને બની પરી
ધૂળધૂળ ઢગલા ખડકાયા,
પ્રલયપૂરના વાયુ વાયા;
ધોમ ધખ્યા ને ખાવા ધાયા,
તુજ પર વલભીપુર!
તારાઓએ આંસુ પાયાં,
પીલુડીએ ઢોળ્યા છાંયા;
કરુણ સ્વર પંખીએ ગાયા,
તુજ પર વલભીપુર!