દેવોની ઘાટી/પરિચય

From Ekatra Wiki
Revision as of 09:54, 23 August 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


પરિચય

ભોળાભાઈ પટેલ

સર્જક-પરિચય
Bholabhai-Patel-239x300.jpg
ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨)

સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.

સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.

ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.

કૃતિપરિચય

‘દેવોની ઘાટી’ તે કુલ્લુ-મનાલીનો સુંદર ખીણવિસ્તાર – ‘Velly of Gods.’

લેખકે એક સેમિનાર-નિમિત્તે સિમલા[શિમલા]નો પ્રવાસ કર્યો; એ પછી બિયાસ-વિપાશા નદીઓકાંઠે સિમલાભ્રમણ કર્યું ને કુલ્લુના પર્વતીય પ્રદેશમાં ફર્યા – એેનું બયાન એમણે ડાયરીના સ્વરૂપમાં ખૂબ ચિત્રાત્મક રીતે કર્યું છે. પુસ્તકના બીજા ખંડમાં બર્ટનહીલ, તિરુઅનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ્), કન્યાકુમારી, વિવેકાનંદ રોક; એ પછી મૈસૂર, કુડલ સંગમદેવ, હમ્પીનાં ખંડેરો, વગેરેના પ્રવાસોનું બયાન ‘પ્રિય-’ને સંબોધીને લખેલા પત્રો રૂપે કર્યું છે. ડાયરી તેમ જ પત્રોમાં અંગત ઉષ્મા અનુભવાય છે.

વિસ્મયથી ઊછળતો પ્રકૃતિ-અનુરાગ આ પ્રવાસ-વૈવિધ્યના કેન્દ્રમાં છે, એ ઉપરાંત, સેમિનાર દરમ્યાનની ચર્ચાઓમાં અને જુદાજુદા પ્રદેશોના લેખકમિત્રો સાથેની ગોષ્ઠિઓમાં સાહિત્ય-સંસ્કૃતિનો સ્પર્શ પણ મળે છે. સ્થળદર્શન અને ગોષ્ઠિઓ દરમ્યાન લેખકના ચિત્તમાં પ્રસ્ફુરતી કાવ્યપંક્તિઓ અને સર્જક-સ્મરણો પણ આ પ્રવાસકથનને આનંદદાયક પરિમાણો આપે છે. સ્થાનિક લોકોની ખાસિયતો પણ નાનાનાના પ્રસંગોના આલેખનમાં ઝિલાઈ છે.

એમ આ પ્રવાસ-પુસ્તક ઘણું આસ્વાદ્ય બન્યું છે. —રમણ સોની