સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નવલરામ જ. ત્રિવેદી/ગ્રામજીવનનું ચિત્ર
બોટાદકરે ‘કૃષિક’ નામનું કાવ્ય લખ્યું છે. તેમાં ખેડૂતના એક દિવસના જીવનનું વર્ણન છે. સંધ્યા સમયનું વર્ણન કરતાં કવિ કહે છે —
આવે ધસ્યું સુરભિનું ધણ સીમમાંથી
સંતોષના સ્વરથકી નભને ગજાવી;
હાંકે ત્વરાથી હળને નિજ ગામ વાટે,
ખેંચ્યા રહે ન વૃષભો ઉર હર્ષ વાધ્યે.
ઘંટાનિનાદ સુરમંદિરમાં સુહાવે,
શાંતિતણી જનનીને વિધિએ વધાવે;
ભાગોળમાં જનકની ચિર વાટ જોતા,
આવી ઉમંગભર આતુર બાલ ઊભાં,
દૂરેથી જોઈ હસતાં કંઈ હર્ષઘેલાં,
આલિંગતાં વિરહવ્યગ્ર બની રહેલાં;
ગાઢું તમિસ્ર ઉદરે ભરી સર્વ વસ્તુ,
સંરક્ષવા સદનમાં બની વ્યાપી રે’તું;
કોલાહલો પળ વિષે સહુ શાન્ત થાય,
આ એકલો અનિલ સંચરતો જણાય.
આ વાંચતાં અંગ્રેજી સાહિત્યના અભ્યાસીઓને અંગ્રેજ કવિ ગ્રેએ Elegy Written in a Country Churchyardમાં આપેલ ગ્રામજીવનનું ચિત્ર યાદ આવ્યા વિના રહેશે નહિ. સૌંદર્યમાં આ તેના કરતાં કોઈ રીતે ઊતરે તેવું નથી.
The curfew tolls the knell of parting day,
The lowing herd wind slowly o’er the lea;
The ploughman homeward plods his weary way,
And leaves the world to darkness and to me.
Now children run to lisp their sire’s return,
And climb his knees the envied kiss to share.
Now fades the glimmering landscape on the sight,
And all the air a solemn stillness holds.
[‘બુદ્ધિપ્રકાશ’ માસિક : ૧૯૨૨]