કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૮. તારલી

From Ekatra Wiki
Revision as of 10:45, 3 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૮. તારલી

નિરંજન ભગત

શાંત સાગરતટ હતો.
મૂગો પવન,
જલધિજલની લહરીઓનું લ્હેરતું ન્હોતું ગવન,
વિજનતાના વાસ જેવો પૃથ્વીનો એ પટ હતો!
અવકાશથી અંધારની લખધાર ત્યાં ચૂતી હતી,
સ્તબ્ધ સાયંકાલને પડખે પડીને
કંપહીણું ક્લાંત નિજ હૈયું જડીને
સારી સૃષ્ટિ નીંદમાં સૂતી હતી!
એકાંતમાં અપવાદ જેવો એ વિજનમાં એક હું વસતો હતો.
એવો પરંતુ મૂઢ જેવો
કે સ્વયં મુજને જ ના સુણાય એવું શાંત હું શ્વસતો હતો;
એવી ગહનતામાં ક્ષણેક્ષણ હું ધીરે લસતો હતો
કે હું જ મુજને લાગતો’તો ગૂઢ જેવો;
મન હિ મનમાં હું ઘડી રડતો, ઘડી હસતો હતો!
ત્યાં અચાનક એ અરવ એકાંતમાં,
એ રહસ્યોથી ગહન ગંભીર એવા પ્રાંતમાં,
અવકાશના અંધારની ઘેરી ઘટામાં,
શી છટામાં
તારલી ટમકી ગઈ!
ને સુપ્ત સારી સૃષ્ટિ જાણે સ્વપ્નથી ચમકી ગઈ!
ત્યારે વિજનતાના હૃદયનું મૌન ત્યાં ભાંગી ગયું!
ત્યારે પવનની આછી આછી મર્મરોનું ગાન ત્યાં જાગી ગયું!
સાગર જરી કંપી ગયો,
ત્યારે પલકભરમાં જ તે મારો મૂંઝાતો જીવ પણ જંપી ગયો!

૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૪૫)