સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાનાભાઈ ભટ્ટ/ક્યાં લાંછન છે?
આપણી તમામ સરકારો આજે નાણાભીડમાં છે. નાણાંની તંગ સ્થિતિને લીધે આપણે પ્રજા-કલ્યાણનાં ઘણાં કાર્યો કરી શકતા નથી. પણ જો આપણે ગરીબ પ્રજા હોઈએ, તો આપણે ગરીબ છીએ એમ સ્વીકારવામાં આપણને ક્યાં લાંછન છે? ગરીબ માણસો પોતાનો ઘરવ્યવહાર ગરીબાઈને ધોરણે ગોઠવે છે. આપણી સરકારો ગરીબ છે, તો આપણું સરકારી તંત્રા પણ ગરીબાઈને ધોરણે શા માટે ન ગોઠવાય? આપણી રાજધાની શા માટે ગરીબીને ધોરણે ઊભી ન થાય? આપણી ન્યાય-કોર્ટોનો પ્રભાવ ગરીબાઈથી શા માટે ઓછો થાય? પણ જો આપણને પોલીસને માટે પૈસા મળતા હોય, નવાં પાટનગરો ઊભાં કરવા માટે જો આપણને પૈસા મળતા હોય, આલીશાન ન્યાયમંદિર બાંધવા માટે આપણને જો પૈસા મળતા હોય અને ગામડાની શાળા માટે ઝૂંપડું બાંધવાના પૈસા ન મળતા હોય, તો આ સરકારો માટે આપણે શું સમજવું? [‘કોડિયું’ માસિક : ૧૯૫૩]