કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૬. પાત્રો

From Ekatra Wiki
Revision as of 12:23, 4 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૬. પાત્રો

નિરંજન ભગત

કવિ :
… બસ ચૂપ ર્‌હો, નહીં તો અહીંથી ચાલવા માંડો!
તમે બોલ્યા વિના ર્‌હેશો નહીં,
તો જાઓ માનવમેદની મહીં
`દીનતા-દારિદ્ર' પર ભાષણ ભલેને લાખ ભાંડો!
એ તમારા નાટ્યના સૌ નટ અહીં જોતા નથી જાગી જશે!
આંખો મીંચીને કંઈક એ શોધી રહ્યાં,
વાણી વિના પણ કોઈને એ કંઈક સંબોધી રહ્યાં;
ત્યાં ચૂપ જો ર્‌હેશો, નથી શું લાગતું
કે એમનું મૂંગું હૃદય જે માંગતું
એ હાથ પણ લાગી જશે
ને જો અગર ર્‌હેશો નહીં તો સ્વપ્ન જેવું સ્વપ્ન પણ
ભાંગી જશે?

ફેરિયો :

જોકે મને સૌ ફેરિયો ક્‌હે છે છતાં ફરતો નથી,
પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે?
એટલે આ ભીંત પણ ક્યારેક તો મારી હવે ઈર્ષા કરે છે.
હું ફર્યાથી એમ તો ડરતો નથી,
ફરવું જ મારે હોય, સોનાપુર
અહીંથી માત્ર છે બસ સો જ ડગલાં દૂર,
પણ મરતો નથી.
હું સાત વરસોથી અહીં આ ભીંતને ટેકે
ઊભો રહું છું, દિવસ ખોયો નથી એકે;
પુરાણી એની એ આ ભીંત,
મારે એક એની પ્રીત,
ને તોપણ અજાણી આજ લાગે, આજ પ્હેલાં
માત્ર જાણે સ્વપ્નમાં દીઠી;
હજુ ગઈ કાલ સુધી જે અદેખી, એ હવે આડું
જુએ, જાણે થતું એને અહીંથી ચાલવા માંડું;
ધરે વરસોવરસ એવી ચૂનાની એ ચમક મીઠી,
અને વરસોવરસ કેવું કરચલીથી વધુ ચીતરાય આ ચાડું!
અરે, આ ભીંત પર હું ઝાડ થૈને શીદને તે ના ઝૂક્યો?
સાતે વસંતો વહી ગઈ ને ફૂલ હું નાહક ચૂક્યો!

આંધળો :

કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બ્હાર
તે મારા જનમને કેટલી છે વાર?
કે શું ઝાળ પણ જંપી ગઈ છે ચેહમાં
તે હું હવે વસતો નથી મુજ દેહમાં?
કે કંઈક એની આંખથી આ આંખમાં છે ભૂલથી જોવાઈ ગયું?
જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું,
મેં આ જગતની કેટલી કીર્તિ સુણી'તી સ્વર્ગમાં તે
આવવાની લાયમાં ને લાયમાં
હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાંયમાં!
ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું!
હવે ચશ્મું થવા ચાહે સળગતો આ સૂરજ રે તોય શા ખપનું?
ઊંચે માથું ઉઠાવી આભ સામે પણ હવે ધરવું નથી,
ને કોણ ક્‌હે છે ચન્દ્રસૂરજતારલા એ સૌ જલે?
એ તો પલક અંધારનું હૈયું હલે!
મેં જોઈ લીધો છે જગતનો સાર
કે અહીં તેજની ભીતર વસ્યો અંધાર.
હું તો નીંદમાં ચાલી રહ્યો, ફિલસૂફ છું, એવું કશું ક્હેશો નહીં;
તો આંધળો છું એમ કહીને આંધળા ર્‌હેશો નહીં!

ભિખારી :

આ હાથ જે સામે ધર્યો
એ હાથને ઘડનારનો પણ હાથ
એના જેટલો લાચાર ને પામર ઠર્યો,
ત્યાં કોણ કોને આપશે રે સાથ?
કરશે કોણ કોની બંદગી?
આ વણહસ્યે ગુજરી ગઈ છે જિંદગી,
એમાંય હસવાનું મને એકાદ તો જોકે મળ્યું બ્હાનું,
પ્રભુનો કેટલો તે પાડ માનું?
ક્‌હો તમે એણે ઘડ્યો આ હાથ
જેણે આ જગત સરજ્યું? જગતનો નાથ
ક્‌હો છો? આ જ ને એનું જગત કે હુંય તે જેમાં વસું?
ને તે છતાં જો `ના' કહો તો નહીં હસું.
`હા' તો તમે ક્યાંથી કહો? જ્યાં હાથ મેં સામે ધર્યો
તેવો જ તે નન્નો સર્યો!
પણ ચન્દ્રસૂરજતારલા
હું આ હથેળીમાં રમાડું, કોઈ તો આપો ભલા!
જે કેમ કે હું ક્યારનો એમાં વહું છું કેટલાયે ભારને,
સૂનકારને.

વેશ્યા :

હું તો ભવોભવ સ્ત્રી હતી,
ને કોઈ ભવમાં તો સતી;
આજે હવે? જાણે નનામી,
કોઈ રાધા ક્‌હે વળી તો કોઈ રામી!
દેહ છે, દેખાવડો? એ તો ઉપરની છે સુગંધો;
લાગણી? લટકાં કહો, ને ચાલશે ક્‌હેશો અગર જો માત્ર ધંધો.
લોક તો કૈં કૈં મળે છે, નિત નવા;
પણ હા, મળે છે માત્ર સૌ ભૂલી જવા,
દિનભર ન જોતું કોઈ મોં સામું,
છતાં રાતે ન ર્‌હેતું કોઈ સરનામું.
તમે વાળ્યો હશે ક્યારેક કાગળનો ડૂચો,
ટાળ્યો હશે જે બારીએથી બ્હાર, રસ્તા પર;
પવનને પ્યાર તે પાડે-ઉપાડે જે કદી નીચો કદી ઊંચો;
કહોજી કેટલા છ સસ્તા દર!
સલામત છે તમારા મ્હેલની ભીંતે
મઢેલી કો છબી જેવી કુંવારી કન્યકા નિત્યે;
અમારી જાત જીવે છે, પ્રભુની મ્હેરબાનીથી
સદા જીવશે જ ધરતી પર,
નજર સૌ નાંખશે ને ત્યાં લગી તો રોજ `ફરતી' પર?

પતિયો :

પણે સૌ લોકની નાજુક પાની એંઠને ઓળંગતી, અડતી નથી;
ને એમ એ સૌની નજર મારી પરે પડતી નથી.
દખ્ખણ ભણી? ના, એ દિશા તો જમતણી;
શું એમ માની કોઈનું મોં એ ભણી ર્‌હેતું નથી?
એ તો હવે પથ્થર, હવે શાનો મણિ?
શું એમ માની કોઈ ખરતા તારલાને લેખમાં લેતું નથી?
મુજ બોલને પણ કોઈ કાને કેમ નહીં ધરતું હશે?
આ બોલતી ચોપાસ
વીંટળાઈ વળ્યો છે રોગિયાનો શ્વાસ
તે એથી જતું ને આવતું આ લોક શું ડરતું હશે?
આ હવા પર એમનું કૈં ચાલતું જો હોત ને
તો શ્વાસ ક્યાંથી હોત મારા પ્રાણમાં?
પણ એમ તો કોણે જીત્યું છે મોતને?
ને આ હવાએ કોઈનીયે વાતને ક્યારે લીધી છે ધ્યાનમાં?
આ લોક તો લાચાર (ને ક્યારે ન'તા?)
ને શી હઠીલી છે હવા, હું એટલે જીવી રહ્યો;
કોહી ગયું છે પોત કાયાનું છતાં
મજબૂત એ બખિયા વડે સીવી રહ્યો.

સ્વગતોક્તિ :

મૅરિન સ્ટ્રીટ, પડખેથી આંધળો પસાર થાય છે, એને જોઈને    ફેરિયો :

આ આંધળો છે તે છતાં
ફરતો ફરે છે બેપતા!

ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને આંધળો :
આ કોણ છે? જેની નજર તોફાન મચવે,
ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે!

કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને ભિખારી :
અરે, આ દેહ પર છે કેટલી દોલત!
દસમા ભાગની મારી કને જો હોત ને તો આમ ના બોલત!

ઍપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઈને વેશ્યા :

અહો, શી ખુશનસીબી! કોઈનીયે આંખ જ્યાં રોકાય ના,
છૂરી સમી ભોંકાય ના!

બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને પતિયો :

વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરિયો,
ક્‌હો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ?

મધરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં, કવિ :

બસ ચૂપ ર્‌હો, નહીં તો અહીંથી ચાલવા માંડો…

(બૃહદ છંદોલય, પૃ. ૨૨૧-૨૨૫)