કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૫. લાવ, હજી —
Revision as of 13:15, 6 September 2021 by KhyatiJoshi (talk | contribs)
૫. લાવ, હજી —
ઉશનસ્
લાવ, હજી એક સાદ કરી લઉં, લાવ, ગાઈ લઉં ગીત;
લાવ, જોઉં કોઈ વિદાયસજલ આંખ માંડે અહીં મીટ.
વણમાણ્યાં સુખદુઃખની પોઠો વહી ચાલી વણજાર,
પદરવના સંચાર હજી ક્યહીં, ખુલ્લાં કંઈ હજી દ્વાર;
લાવ, કરી જોઉં સાદ, જો કોઈ પંથનું થાયે મીત;
લાવ, હજી એક સાદ કરી લઉંo
હાટ ગયું વીખરાઈ, હજી તોય પશ્ચિમતીરે તેજ,
જગ – જમનાના તટથી ખેંચે અણદીઠ ઘરનું હેજ;
લાવ, જોઉં કોઈ જાય મળી, આ ભાર કરી લે ક્રીત :
લાવ, હજી એક સાદ કરી લઉંo
જીવનમેળે વાટેઘાટે જૂગટે પામ્યો હાર,
લાવ, જતાં વળી આજ રમી લઉં જિંદગી આખિર વાર,
એય બને કે અંતિમ દાવે સામટી થાયે જીત.
લાવ, હજી એક સાદ કરી લઉંo
૧૦-૧૨-૫૩
(સમસ્ત કવિતા, પૃ. ૬૦-૬૧)