કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૯. દિવાળીની રજામાં વતન તરફ

From Ekatra Wiki
Revision as of 13:17, 6 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૯. દિવાળીની રજામાં વતન તરફ

ઉશનસ્

૧. ગાડીમાં
ઝંખી રહું વતન પ્રાવૃષના પછીથી;
આ વેળ ઘેર જઈને કરવા દિવાળી
તલ્પી રહેલ જીવ ભાંડુજનોની વચ્ચે
આ વ્યોમ છત્રની તળે ઘરની ઉપાધિ
વેંઢારી કૈંક વરસો સુધી એકધારી,
હાવાં જવું છ શિશુ થૈ શિરછત્ર નીચે;
હું-ગાડીમાં, મન પવંનની પાવડીમાં
પ્હોંચી જવું વતન મારીય મોર — સીમે
પંજેટી શી ખૂંદી રહે કૃષિ ખેતરોની;
વર્ષા વીતેલ હમણાં જ — હજી નિશાનીઃ

ભીંતો ભીની, જલપ્રવાહથી શેરીઓના
ખોદાયલા હજી પથો, ટપકેલ નેવે
ખોદાઈ આંગણું-લીંપેલ ગયું નિહાળું,
જોઈ રહું વતનનું તન ઓઘરાળું.

૨. ઘેર જતાં જ
જ્યાં કાઢું જઈ હું પથ પીઢ વેશ,
રે ઊતરે વયનું વેષ્ટન સંગ સંગ!
કૂણાં બધાં બની જતાં પરિપક્વ અંગ!
પાયે છડા ઝણકતા — શિર સ્નિગ્ધકેશ!
આધેડ ઉમ્મર છતાં રમું શૈશવે હું!
ઝીલી રહું શરદમાંય અષાઢ હેલી!
નેવાં નીચે મચવું હું જલધાર કેલી!
માનું નહીં જનનીનું કશુંયે કહેવું.

એ બાલ્ય જો ફરી મળે બસ એક વાર,
કો બાળી દે પટનું જે પડ મેં ઉતાર્યું,
વા પ્હેરી કોઈ તન લે, નવ તો ઉતારું;
આપી દઉં ઉપરથી મુજ શેષ કાળ.
ઝંખું દિવાળી વીજત્રસ્ત હું કોડિયાળી
ગોખે-કૂંડે તુલસીને દીપ સ્નિગ્ધવાળી.

૧૬-૧૦-૫૯

(સમસ્ત કવિતા, પૃ. ૧૬૯)