કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૫. સુક્કી હવામાં

From Ekatra Wiki
Revision as of 08:35, 7 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૫. સુક્કી હવામાં

ઉશનસ્

(એક એક્સ્ટસી)
ગિરિવન તણી ખુલ્લાશોમાં ઊભો રહી હાંફતોઃ
અઢળકપણે લ્હેરે સુક્કી-હવામય સાગરો,
ચહુ તરફ લે ડહેકાં, જ્યાંત્યાં હવા જનરેટરો!
પ્રગટતી હવા પ્હાડો કેરી નીલી નીલી ડોકથી,
પ્રગટતી હવા ઝાડો ઝૂકી લીલી લીલી નોકથી!
પ્રગટતી હવા તડ્કાઓની તીણી તીણી ટૂકથી!
પવન-પગલો આયુ કેરો, ભૂખ્યો-તરસ્યો હું તે
પવન-તડકે આળોટું ને ભરી ભરી પોશને,
પવન ઘૂંટડે ઘૂંટે પીઉં, દૃગે દઉં છાલકો;
પવન નસકોરાં બે પ્હોળાં કરી શ્વસું-ઉચ્છ્વસું;
પવન જીભથી ચાટું, મુઠી ભરી બૂકડા ભરું.
પવન લટિયાંમાં ઝીટું, ને ભરી શ્રવણે લઉં;
ફરી નય મળે; ખુલ્લે મોઢે દશે દિશ હું ધસું,
ઉછીનુંય, અલ્યા! આલોને કો મને બીજું ફેફસું.

(સમસ્ત કવિતા, ‘ધી અસ્મેટિક્સ ઍન્ડ ધી એસ્કૅઇપ’ (દેવલાલી જતાં ડાંગવનમાં સ્ફુરેલી સૉનેટમાળા)માંથી, પૃ. ૪૩૩-૪૩૪)