યુરોપ-અનુભવ/ટાઇબરને કાંઠે

From Ekatra Wiki
Revision as of 11:28, 7 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટાઇબરને કાંઠે

કેટલી બધી લૂંટ કરી?

અને લૂંટમાં હંમેશાં થોડી ઉતાવળ હોય છે. તેમાંય લૂંટવાનો ખજાનો જો લખલૂટ હોય તો લૂંટનાર મુંઝાઈ આમથી તેમ વલૂરા મારતો હોય છે. ન જોયાનું જોતાં બ્હાવરો બની બર્બર જેવું આચરણ કરી બેસતો હોય છે. વેટિકન મ્યુઝિયમની મહાન કલાકૃતિઓ ‘અમને ધ્યાનથી, ધીમેથી, કુમાશથી જુઓ.’ એમ કહેતી હતી અને અમે હવે મ્યુઝિયમ બંધ થવાનો સમય નજીક આવતો જવાથી એ કલાકૃતિઓ સામે જોયું ન જોયું કરી ઝડપથી પગ ઉપાડતાં હતાં. ઉત્તેજના અને આવેગમાં દિવંગત કલાકારોના આત્માને આઘાત પહોંચાડી રહ્યાં હતાં. અમેય બર્બરો નહોતા શું? કલાકૃતિઓ સામે આમ પેશ થવાય? પણ એક વાત એ પણ હતી કે એટલું બધું, એટલું મૂલ્યવાન જોયું કે છેલ્લે હવે અમારી આંખો કહ્યું કરતી નહોતી, અમારી દૃક્‌સંવેદના કશું ઝીલવા તત્પર થતી ન્હોતી. બધું છલકાતું ચાલ્યું. તેમ છતાં મ્યુઝિયમમાંથી નીકળતાં પહેલાં પેલી ‘સૂતી આરિઆડને’ને જોવા ફરી શિલ્પોના મ્યુઝિયમમાં જઈ આવ્યાં, પણ એ શાપિત સુંદરીની પ્રતિમા જોઈ શક્યાં નહિ. ખુલ્લા ચૉકમાં આવ્યાં ત્યારે, રોમના ભૂરા આકાશ નીચે તડકો ઉગ્ર બન્યો હતો અને રહ્યાંસહ્યાં પ્રવાસીઓ દરવાજા ભણી જઈ રહ્યાં હતાં.

અમે પણ બહાર આવ્યાં. ભૂખે જોર પકડ્યું હતું. વેટિકન દુર્ગની ઊંચી દીવાલની છાયામાં અમે નાસ્તો કરવા બેસી ગયાં. અમારા જેવાં અનેક પ્રવાસીઓ બિયર-કોકાકોલા પીતા કે ઍપલ સેન્ડવિચ કે હામ્બુર્ગર ખાતા ઊભા કે બેઠા હતા. ત્યાં અમારી નજીક ગુજરાતી સાડીમાં એક બહેન અને કફની પાયજામામાં એક વડીલ આવી ઊભાં. એઓ અમદાવાદથી આવેલાં. અમેરિકામાં રહેતાં એમનાં જમાઈદીકરી સાથે હતાં. તેઓ બધાં એક કૅમ્પર મોટરગાડી સાથે જોડેલું ઘર લઈને નીકળેલાં. અમારી જોડે થોડી વાત કરી ન કરી, અમારી સુખડી ચાખી ન ચાખી, એટલામાં એમના જમાઈ હાંફળાફાંફળા દોડતા આવી પૂછવા લાગ્યા : ‘પપ્પા, ટ્રાવેલર્સ ચેક તો તમારી પાસે છે ને? આપણા કૅમ્પરમાં ચોરી થઈ ગઈ છે.’ એ લોકો ઉતાવળે એ તરફ ગયાં. પોલીસ તો આવી ગઈ હતી. પણ હવે? અમને અફસોસ થયો.

રોમમાં આવતાં પહેલાં સાવધાન થવું પડે છે. આ બાબતોમાં રોમ કુખ્યાત છે. અહીં પાસપૉર્ટ – પૈસા છાતીએ વળગાડીને રહેવામાં જ સુરક્ષા. હાથમાં પર્સ કે પાઉચ હોય અને જરા ડાફેરો મારવા ગયા કે ઝૂંટાઈ જતાં વાર ના લાગે! આમસ્ટરડામમાં મને અનુભવ થઈ જ ગયો હતો ને? એટલે અમે બધાં સાવધ રહેતાં. અમને કહેવામાં આવેલું કે, નેપોલીની માફિયા ટોળીઓ દાણચોરી કે કેફી દ્રવ્યોની હેરાફેરી કે ગેરકાયદે ઘૂસણખોરી માટે સિફતથી ફોટો બદલી પાસપૉર્ટનો દુરુપયોગ કરે છે.

પછી, ત્યાંથી ચાલતાં ચાલતાં સેન્ટ પીટરના પ્રસિદ્ધ ચૉકમાં આવી અમે ટાઇબરને સમાંતર માર્ગ લીધો. આગળ જતાં એક ગોળાકાર વિપુલ ઇમારત દેખાઈ. સંત ઍન્જેલોનો દુર્ગ. ઈસવીસનની બીજી સદીમાં સમ્રાટ હાદ્રીઆને રાજવી પરિવારના મકબરા તરીકે એ બંધાવેલો છે. છેક ઉપર દેવદૂતની કાંસાની પ્રતિમા છે. છઠ્ઠી સદીના અંતભાગે રોમમાં ભયંકર પ્લેગ ફેલાયેલો. એ વખતે કહે છે કે આ દેવદૂતે પ્રકટ થઈ.

‘હવે મહામારીનો અંત આવી ગયો છે.’ એવી ઘોષણા કરેલી. પછી તો આ ઇમારતે ક્યારેક રોમના પોપના રક્ષણ માટે દુર્ગનું અને પોપના દુશ્મનો માટે કારાગારનું કામ કરેલું. અમને ઇમારત જોવા જવાની ઇચ્છા એટલી ન થઈ, જેટલી બહારની વૃક્ષવીથિકાની છાયામાં જઈ બેસવાની થઈ.

પરંતુ, અમારે ટાઇબરને કાંઠે ચાલવું હતું. યુરોપના નગરો વચ્ચે નદીઓને નહેરની જેમ બાંધી દેવામાં આવી હોય છે, પછી બન્ને બાજુ ચાલવાના છાયાઘન વૃક્ષોવાળા માર્ગ હોય. ચાલ્યા જ કરીએ. દુર્ગની બરાબર સામે પુલ હતો. આ પુલ પર વાહનોને મનાઈ હતી. અમે નકશામાં પણ જોયું. જૂનાનવા રોમનગરની વચ્ચોવચ ટાઇબર સર્પિલ ગતિથી વહી જતી હતી. નદી માત્ર બંકિમ. બંકિમતામાં જ એની શોભા. પુલ ઉપર નિગ્રો ફેરિયા પર્સ વેચતા હતા. ગોરી યુવતીઓ અને ઘનશ્યામ ફેરિયાઓનો ભારે કોન્ટ્રાસ્ટ રચાય. આપણને ક્યારેક થાય: ઈશ્વર પણ સમદૃષ્ટિ નથી જ ને!

જર્મનો રાઇનને પિતા રાઇન કહે છે. એ નદ છે. જર્મનભાષાનું જરા એવું છે. સૂર્ય (દી સોને) સ્ત્રીલિંગ, ચંદ્ર (દર મોંડ) પુંલ્લિંગ, સાગર (દી સે) સ્ત્રીલિંગ, સરિતા (દર ફલ્યુસ) પુંલ્લિંગ. ટાઇબર પણ નદ છે ઇટાલિયન નામનો સ્પેલિંગ TEVER. રોમન સંસ્કૃતિના ત્રણ હજાર વર્ષના રોમાંચક ઇતિહાસની આ ટાઇબર સાક્ષી. હવે અમે એના કાંઠેના માર્ગે ચાલતાં હતાં. આહ! ટાઇબરને કાંઠે ચાલવાની આકાંક્ષા આજે પૂરી થઈ! છાયાદાર પહોળા માર્ગ પર ચાલવાનો આનંદ. ખાસ તો પેલી કલાકૃતિઓ જોયા પછી હવે આ પ્રાકૃતિક સંસ્પર્શ જરૂરી હતો. એક પુરાણા વૃક્ષ નીચે ઊભાં રહી તૃષા છિપાવવા બધાંએ જ્યૂસ પીધો. ફરી ચાલતાં ચાલ્યાં ટાઇબરને કાંઠે.