યુરોપ-અનુભવ/માડ્રિડ

From Ekatra Wiki
Revision as of 11:33, 7 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
માડ્રિડ

માડ્રિડમાં સવાર. ઘડિયાળમાં જોયું. છ વાગ્યા છે. પરંતુ પ્ર-ભાતનો આસાર છે. જે વિસ્તારમાંથી ગાડી પસાર થતી હતી તે ડુંગરાઉ વિસ્તાર હતો. વહેલી સવારે બન્ને બાજુ ડુંગરાઓનું છાયાચિત્ર રમ્ય લાગતું હતું, પણ યુરોપના પહાડોની જેમ આ ડુંગરો હરિયાળા નથી. આકાશમાં લાલ આભા ફેલાતી જતી હતી. વળી પાછા સ્પૅનિશ સાહિત્યકારોના વાચનના સંસ્કારો જાગ્રત થતા હતા. અગાઉ નિર્દેશ કર્યો તેમ લોર્કાની તો કેટલીબધી પંક્તિઓ, એના રહસ્યમય મૃત્યુ સાથે એકરૂપ થઈ જતી હતી – પેલી એની લઘુકવિતા –

— If I die, keep the balcony open

અને બીજા જે કવિ યાદ આવ્યા તે વાન રામોન હિમેનેથ. ઝેનોબિયા કામ્પ્રુબી નામની તરુણી ટાગોરના અનુવાદો કરતી હતી. યુવાકવિ હિમેનેથને વાંચી સંભળાવતી – કવિ એને – એટલે કે એ અનુવાદોને સંસ્કાર આપતા. ટાગોરની કવિતા બન્ને વચ્ચે પ્રેમનું ઉદ્દીપન બની ગઈ અને ઝેનોબિયા અને હિમેનેથ પરણી ગયાં. હિમેનેથ વાંચતાં રવીન્દ્રનાથની પ્રકૃતિવિષયક કવિતાઓનું સ્મરણ થાય. ઝેનોબિયાના ટાગોર-અનુવાદોની ભૂમિકા રૂપે હિમેનેથ એક કવિતા લખી દેતા.

સ્પેનનું એક નાનું ગામ પસાર થાય છે. બહુ સમૃદ્ધ લાગે નહિ. ગાડી જાણે હાલતી હોય એમ દોડી રહી હતી. આર્કોસ નામે સ્ટેશન આવ્યું. આપણાં ગામડાંનાં હારબંધ ઘરો જેવાં ઘર છે. એ રીતે ઘર પછવાડેની બારીઓ અને છાપરે નળિયાં. વધારેમાં વધારે બે માળ – ત્રણ માળનાં ઘર.

ડુંગરની ધારે સૂરજ ડોકાયો, પણ આછાં વાદળાંય હતાં, સલેટિયા રંગનાં. દિલ્હીથી વાયા જયપુર, અજમેર, અમદાવાદ આવતાં ટેકરીઓ દેખાતી રહે તેવી ભૂચિત્રણા છે. વૃક્ષો તો દેખાય જ નહિ.

જોશીપરિવારની ‘યુરોપયાત્રા’માં સ્પેન વિષે ઉષ્માથી લખાયું છે. તેમાં ફાધર વાલેસની વાત તો હોય જ. ગુજરાતી બનેલા આ સ્પેનવાસી સાધુનું સ્મરણ પણ થાય જ. સ્પેનમાં જોવા જેવાં સ્થળોમાં એક ઉલ્લેખ ટોલેડોનો આવે છે. ફાધર વાલેસે તો ઉમાશંકર આદિને એટલે સુધી કહેલું કે ‘જો ટોલેડો ન જવાના હો, તો યુરેઇલપાસ બાળી નાખજો અને વહેલામાં વહેલું વિમાન પકડી ઘેર પહોંચી જજો.’

અમારી પ્રવાસયોજનામાં માડ્રિડથી ટોલેડો જવાનું હતું, પરંતુ એક તો અમે સમય કરતાં થોડાં મોડાં પહોંચ્યાં અને બીજું, માડ્રિડથી ફ્રાન્સ જવાની જે ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું તે ભૂલથી વહેલા સમયની હતી. ટોલેડો આમ તો માડ્રિડથી બે કલાકનો જ ટ્રેનમાર્ગ છે, અને અમારે તો કોઈ ટિકિટ લેવાની નહોતી – પણ જો પાછા આવતાં મોડું પડી જવાય તો?

કદાચ આ પ્રશ્ન એટલો મોટો નહોતો, પણ ચિત્તમાં ડોકિયું કરીને જોઈએ તો બાર્સિલોનાની ઘટના પછી તે ઉત્સાહમાં નહોતું. અમે વિચાર્યું : માડ્રિડ ઊતરી, પ્રાદો મ્યુઝિયમ જોઈએ. એ પછી કેટલો સમય રહે છે તે જોઈ ટોલેડો વિષે વિચારવું. જે સ્થળ અગ્રિમતાની સૂચિ પર હતું તે આમ આઘું ધકેલાઈ ગયું.

માડ્રિડ વિષે પણ મનમાં ઘણાબધા સંસ્કારો હતા, પરંતુ એની મુલાકાતથી થનારો રોમાંચ જાણે અદૃશ્ય થઈ ગયો હતો. માડ્રિડના આટોચા સ્ટેશને સામાન મૂકી અમે ઊપડ્યાં, જેમાં સ્પૅનિશ ચિત્રકાર એલ ગ્રેકોની અને ફ્રાન્સિસ્કો ગોયાની વધારેમાં વધારે કલાકૃતિઓ છે તે પ્રસિદ્ધ પ્રાદો મ્યુઝિયમ જોવા.

બપોરના માડ્રિડના બોટનિકલ ગાર્ડન્સમાં આરામ કર્યો. આવી અલસ બેચેન બપોર પ્રવાસના આ આખરી દિવસોમાં વિતાવવી પડશે એવું ધાર્યું નહોતું.

અમે પછી ટોલેડો જવાનું મુલતવી રાખ્યું. પાંચ પ્રવાસીઓ – ત્રણ અને બેના જૂથમાં ગોઠવાઈ, એક જૂના માડ્રિડ – પુરાના માડ્રિડ તરફ અને બીજું જૂથ ઊંચી અટ્ટાલિકાઓ અને સુપર માર્કેટ જેવા લાગતા અદ્યતન માડ્રિડ ભણી.

સાંજે માડ્રિડથી પૅરિસની ટ્રેન લીધી. ગાડી સ્પેનની ભૂમિ પરથી ઊપડી, જોકે અમે સ્પેનમાં જ હતા. સ્પેનને મનભરીને જોવાનો વસવસો રહી ગયો. ગાડીમાંથી જોતાં હતાં એ સ્ટેશનનાં ખેતરો, જેમાં ખેતી નહીંવત્ હતી. ટેકરીઓ જ વધારે હતી.

ગાડી એટલી ધીમી હતી કે કંટાળી જવાય. સ્પેનનો તડકો જોવા માટે એની ગતિ ઓછી કરી દેવામાં આવી હતી? ગામ પસાર થતાં હતાં. કાચા રસ્તા, વરસાદનું પાણી ક્યાંક ભરાયું હતું, ક્યાંક ગાયોનું ધણ ચરતું હતું. રતૂમડી માટીનો વિસ્તાર આવ્યો.

પણ ગાડી? સાચે જ જાણે બળદગાડી? આ ગતિએ વિશ્વની રમ્યતમ નગરી પૅરિસમાં ક્યારે પહોંચીશું?