ગુજરાતી કવિતાનો આસ્વાદ/સદભાવના

From Ekatra Wiki
Revision as of 07:19, 8 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સદભાવના

સુરેશ જોષી

ના મારે તુજ ભેટ, બક્ષિસ ન વા તારી કૃપા જોઇએ,
હું એવો નહિ રંક કે અવરની મારે દયા જોઇએ;
આવ્યો છું લઇ નગ્દ હાથ, કરવા સોદો મને ભાવતો,
રાજા, ચોર લિયે હરી નહિ કદા એવી મતા જોઇએ;
આપે તો ગુજરાન આપ મુજને, મારી લઈ ખાતરી;
થોડા આપ દિનો વળી સુખ તણા, ના વાસના જોઈએ.
જો તું દાન કરે મને, ભગવતી, દે દાન હૈયા તણું,
હૈયું સાફ પરંતુ કાચ સરખું તે હોવું, હા, જોઈએ;
જેમાં જોઈ શકું મુહબ્બત તણી તસ્વીર ફેંકાયલી.
થા મારી, જન આ નિખાલસ તણી જો ચાહના જોઈએ.
તે મારી નથી માગણી તુજ કને સંકોચ જેનો તને,
ઝાઝું જો તુજ પાસ હોય નહિ તો સદ્ભાવના જોઈએ.[1]
– મગનભાઈ પટેલ ‘પતીલ’ (પ્રભાતનર્મદા)

આ કાવ્ય આમ તો યાચનાનું કાવ્ય લાગે છે. યાચના કરનાર કવિ છે. પહેલી છ પંક્તિ કવિએ પોતાની માભોમકા ગુજરાતને ઉદ્દેશી છે ને પછીની છ માતા સરસ્વતીને. બ.ક.ઠાકોર આખું કાવ્ય સરસ્વતીને ઉદ્દેશીને લખાયું છે એમ કહે છે, પણ ‘ભગવતી’ સમ્બોધન પહેલી વાર સાતમી પંક્તિમાં જ આવે છે અને પહેલી છ પંક્તિમાં મુખ્ય વાત તે ગુજરાનની, મતાની ને ભેટબક્ષિસની છે. એની માગણી ગુજરાતની કદરદાન પ્રજા પાસે કવિ કરે તે જ વધારે બંધબેસતું લાગે છે. બીજી છ પંક્તિમાં હૈયાના દાનની અને મુહબ્બતની વાત છે. કવિ સરસ્વતીનો યાચક હોઈ સરસ્વતી પાસે એની યાચના કરે તે ઉચિત જ છે.

કાવ્યનો વિષય યાચના હોવા છતાં ખૂબી એ છે કે યાચના સાથે સંકળાયેલો દીનતાનો ભાવ અહીં દેખાતો જ નથી. એથી ઊલટું, અહીં તો પહેલી પંક્તિથી જ કવિનાં સ્વમાન, બેપરવાહી અને ખુમારીનો રણકો સંભળાય છે. જુઓ ને, પહેલી પંક્તિની શરૂઆત જ ‘ના’થી થાય છે. એ સૂચવે છે કે આ યાચના કરનાર કોઈ ગરજુ નથી પણ જેને આપીને આપનાર ગૌરવ અનુભવી શકે એવું કોઈક છે. આ વાત બીજી પંક્તિમાં કવિ ‘હું એવો નહિ રંક’ કહે છે ત્યાં સ્પષ્ટ થાય છે. ભેટબક્ષિસ તો કોઈ ખુશ થઈને જ આપે પણ એમાંય કૃપા કરવાનો ભાવ ન ભળી ગયો હોય એની શી ખાતરી? ને કૃપા દયા લાવીને જ કરવામાં આવે ને? આમ ભેટબક્ષિસથી તે દયા સુધીનો ઢાળ કવિએ સ્વાભાવિક રીતે બતાવી દઈને કહ્યું: ના, મારે કોઈની દયા ખપતી નથી, કારણ કે જે બીજાની દયા પર જીવે છે તેના જેવો કોઈ રંક નથી ને હું એવો રંક નથી.

‘હું રંક નથી’ કહ્યા પછી કવિ પોતાનો વધુ પરિચય આપતાં કહે છે કે મારી પાસે તો નગદ મૂડી છે ને મારી મુનસફી પ્રમાણે મને રુચે એવો ‘સોદો’ મારે કરવો છે. આ ‘સોદો’ શબ્દ સૂચવે છે કે આ વ્યવહાર એકતરફી નથી. કવિની પાસે જે નગદ મૂડી છે તે એની સર્જકપ્રતિભા. એનું મૂલ્ય ઓછું આંકવાનું નથી. એ કોઈ આસમાની કે હવાઈ વસ્તુ નથી, પણ ‘નગદ’ વસ્તુ છે. એ દુનિયાની સુખસગવડ આપનારી આધિભૌતિક વસ્તુની સરખામણીમાં ઊણી ઊતરે એવી નથી, એનું કવિને ભાન છે. માટે તરત જ પૂછે છે કે એના બદલામાં આપવા જેવું તમારી પાસે છે શું? આધિભૌતિક ધનસમ્પત્તિ તો લૂંટી લેવાય એવી વસ્તુ છે. રાજા કર નાખીને લૂંટી લે, ને એ સિવાય અનેક પ્રકારે એની ચોરી થઈ શકે! પ્રતિભાને કોઈ ચોરી શકે નહીં; માટે એના બદલામાં તુલ્યગુણ ‘મતા’ જ કવિને જોઈએ છે. પણ જાણે કવિ પોતે જ સમજી જાય છે કે એવું તો સમાજ પાસે કવિને આપવાનું શું હોય? એટલે જાણે એવા સમાજ પર દયા લાવીને કહે છે: મારે બીજું કશું જોઈતું નથી, કેવળ મારી આજીવિકા ચાલે એવી નિશ્ચિન્તતા આપી શકાતી હોય તો તે આપો. પણ તેય ભેટ રૂપે નહીં; કવિ પાસે જે ‘નગદ’ છે તે સાચું ‘નગદ’ છે કે નહીં તેની ખાતરી કરીને. કવિ વગર સમાજને ક્યારે ચાલ્યું છે? પરણવા જાય ત્યારે લગ્નગીત ગવાય, મરણ સમયે રાજિયા, યુદ્ધમાં સિન્ધુડો. વધારામાં કવિ કહે છે કે મારે હરકોઈની જેમ થોડાક સુખના દિવસો જોઈએ છે. અહીં કવિ વાસ્તવિકતાને બરાબર પિછાને છે તેની આપણને ખાતરી થાય છે. મોહમાં કે લોભથી બીજા કોઈને બધા જ દિવસો સુખના મળે એમ માગવાનું મન થઈ ગયું હોત. પણ કવિનાં મૂલ્યો જુદાં છે. એથી વિશેષની કશી ઇચ્છા રાખવી તે વાસના જ કહેવાય અને કવિ એવી વાસના સેવે નહીં.

સરસ્વતીની પણ કૃપા કવિને ખપતી નથી. અહીં પણ કવિ હાથ જોડીને દાસની જેમ યાચના કરતો ઊભો નથી; પણ સમાન કક્ષા પર રહીને હૈયાનું દાન જ માગે છે, ને તેય જો સરસ્વતીને આપવાની ઇચ્છા થતી હોય તો. પણ અહીંય કવિ શરત મૂકે છે: એ હૈયું જેવુંતેવું હોય તે ન ચાલે. એ પારદર્શી હોવું જોઈએ, એમાં પે્રમની છબિ નિષ્કલંક ને સ્પષ્ટ દેખાવી જોઈએ, નહીં તો એવા હૈયાને લઈનેય શું? માટે કવિએ કહ્યું કે કાચ જેવું સાફ હોવું જોઈએ.

અહીં ‘કાચ’ શબ્દ પૂરેપૂરો યથાયોગ્ય નથી લાગતો. કાચ પારદર્શી હોય એ સાચું પણ સાથે બરડ પણ હોય છે. કવિને જે કહેવું છે તે એ કે હૈયું નિર્મળ ને નીતર્યું હોવું જોઈએ. આટલાથી કવિને સન્તોષ નથી; એ તો સરસ્વતીને પૂરેપૂરી અનુગત કરી લેવા ઇચ્છે છે. આથી અસન્દિગ્ધ શબ્દોમાં સરસ્વતીને કહી દે છે: ‘થા મારી.’ ને તરત જ એને માટેની પોતાની વિશિષ્ટ યોગ્યતાનો ઉલ્લેખ કરતાં કહે છે કે મારું હૃદય નિખાલસ છે ને સાચો પ્રેમ નિખાલસ હોય તેની જોડે જ થઈ શકે. પણ આ બાબતમાં કવિનો કશો દુરાગ્રહ નથી કારણ કે પ્રેમમાં એવી કશી ખેંચાખેંચને અવકાશ નથી. ખાનદાનીને છાજે એવી રીતે કવિ કહે છે કે જે આપતાં તને સંકોચ થાય તે હું પહેલેથી જ સમજી જઈને તારી પાસેથી માગીશ નહીં. આથી આખરે કહે છે કે જો આ બધાંમાંનું કશું જ તારી પાસે નહીં હોય તો કેવળ મારી પ્રત્યે સદ્ભાવ રાખે તોય પૂરતું છે.

કવિએ આખી રચના કેવી કુશળતાથી કરી છે! સદ્ભાવનાનું મૂલ્ય કવિને મન સૌથી વિશેષ છે; આથી સૌથી છેવટે શિખર પર સદ્ભાવનાની સ્થાપના કવિએ કરી છે. આમ કાવ્યના સ્થાપત્યનો આકાર શંકુના જેવો છે. છેક ઉપરની ટૂંક પર સદ્ભાવના આવે છે. વળી જે કહેવાનું છે તેને તેનાથી છેક સામે છેડે જઈને કહેવાથી એ વધુ ચોટદાર બને છે. યાચનાની વાત ‘ના જોઈએ’થી જ કવિ કાવ્યના પૂર્વાર્ધમાં કરે છે. જો સીધી યાચના કરી હોય તો કાવ્ય આવું અસરકારક થયું ન હોત. કાવ્યનો શાર્દૂલવિક્રીડિત છન્દ પણ કાવ્યના હાર્દરૂપ ખુમારીના ભાવને ઝીલવા જેટલો ગર્વીલો છે.

આમ કાવ્યના વિષયમાં કશું અસાધારણ નથી. છતાં કવિની કહેવાની રીતની વિશિષ્ટતાને કારણે કાવ્ય આસ્વાદ્ય બને છે.

ના મારે તુજ ભેટ, બક્ષિસ ન વા તારી કૃપા જોઇએ,
હું એવો નહિ રંક કે અવરની મારે દયા જોઇએ;
આવ્યો છું લઈ નગ્દ હાથ, કરવા સોદો મને ભાવતો,
ના મારી, જન આ નિખાલસ તણી જો ચાહના જોઈએ.
જો તું દાન કરે મને, ભગવતી! દે દાન હૈયા તણું,
હૈયું સાફ પરંતુ કાચ સરખું તે હોવું હા, જોઈએ;
જેમાં જોઈ શકું મુહબ્બત તણી તસ્વીર ખેંચાયલી.
રાજા, ચોર લિયે હરી નહીં નહીં એવી મતા જોઇએ;

આપે તો ગુજરાન આપ મુજને મારી લઈ ખાતરી;
થોડા આપે દિનો વળી સુખતણા, ના વાસના જોઈએ.
તે મારી નથી માગણી તુજ કને સંકોચ જેનો તને,
ઝાઝું જો તુજ પાસ હોય નહીં તો સદ્ભાવના જોઈએ.


1.આ કાવ્યનો મૂળ પાઠ બ.ક.ઠાકોરે ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં બદલી નાખ્યો હતો અને એની જાણ વિવરણમાં કરી હતી. સુરેશ જોષીએ કાવ્યાસ્વાદ આ પાઠને આધારે કરાવ્યો છે એટલે એ અહીં સ્વીકાર્યો છે, પરંતુ આસ્વાદના અંતે કવિનો મૂળ પાઠ આપ્યો છે. ↵