ચૈતર ચમકે ચાંદની/રાધા આજે નહીં રાંધે

From Ekatra Wiki
Revision as of 09:49, 11 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રાધા આજે નહીં રાંધે

તસલિમા નસરિન નામ આજે તો વર્તમાનપત્રો અને અન્ય માધ્યમો દ્વારા રોજેરોજ ચર્ચાતું રહે છે. આ એક લેખિકાએ જાણે બાંગ્લાદેશ અને એની ધાર્મિક વૈચારિક સહિષ્ણુતા-અસહિષ્ણુતા વિષે વિશ્વ આખાના લેખકો, બુદ્ધિજીવીઓ, સમાજસુધારકો અને ધર્મવેત્તાઓને વિચારવા બાધ્ય કર્યા છે. માત્ર બાંગ્લાદેશ વિષે જ કેમ. જ્યાં જ્યાં ધર્મ કે સમાજને નામે અસહિષ્ણુતા છે – એ સર્વ વિષે. બહુ પહેલાં જ્યારે તસલિમાની ‘લજ્જા’ વિશે અને એમની નારી-સ્વાતંત્ર્યની કવિતાઓ અને રૂઢિભંજક નિબંધો વિષે ચર્ચા કરી હતી, એ વખતે આટલી ઉગ્ર અને આત્યંતિક ટીકા કે એના ઉદ્ગારોની પ્રતિક્રિયા રૂપે કટ્ટરપંથીઓના ફતવા બહાર નહોતા પડતા.

હમણાં વર્ષોના દેશનિકાલ પછી રશિયાના પ્રસિદ્ધ લેખક સોલ્ઝેનિત્સિન પોતાના વતનમાં પાછા ફર્યા અને પોતાની ભૂમિને ચૂમી લીધી, તો બરાબર એ જ સમયે બાંગ્લાદેશની આ લેખિકા દેશનિકાલ કરતાંય મોટી સજાને પાત્ર થશે એવાં એંધાણો માત્ર કટ્ટરપંથી સંઘોએ જ નહિ, ત્યાંની સરકારે પણ આપી દીધાં છે. જે ઢાકા શહેરમાંના પોતાના નિવાસમાંથી તસલિમા ભૂગર્ભમાં ચાલ્યાં ગયાં છે. એ ઢાકા શહેરમાં જડવાદી ધાર્મિક સામાજિક પરંપરાને પડકારતી પ્રવૃત્તિઓ ચાલતી રહી છે. એ શહેરમાંથી પ્રકટ થયેલું એક પુસ્તક – ‘ઇનફિનેટ વેરાયટી’ ભાષા-સાહિત્યભવનનાં અંગ્રેજીનાં અધ્યાપિકા ડૉ. અમીના અમીને હાથમાં મૂક્યું. ઢાકામાં યુનિવર્સિટીના ઉપક્રમે યોજાયેલા પરિસંવાદમાં રજૂ થયેલા નિબંધોનું એ સંકલન હતું. સુંદર પ્રકાશન. ડૉ. અમીનનો નિબંધ પણ એમાં છપાયો હતો. ઢાકા યુનિવર્સિટીના એ પરિસંવાદમાં ભાગ લેવા ડૉ.    અમીનને આમંત્રણ હતું. પણ એ પરિસંવાદ પહેલાં જ થોડા દિવસો અગાઉ બાબરી મસ્જિદનો વિધ્વંસ થઈ ગયો અને ડૉ. અમીન ન જઈ શક્યાં. એમનો નિબંધ અવશ્ય પ્રકટ થયો છે.

આ વિગત આપવાનો હેતુ એ છે કે આખી ઘટના, આ પુસ્તક, બાબરી મસ્જિદ, તસલિમા નસરિન આ બધું સંકળાયેલું છે એક ને એક રીતે. જે પરથી પુસ્તક તૈયાર થયું એ પરિસંવાદનો વિષય હતો – ‘સમાજ અને સાહિત્યમાં નારી’. મોટા ભાગના લેખો નારીમુક્તિને લગતા છે અને નારીવાદી અભિગમને રેખાંકિત કરે છે. ફિરદૌસ અઝિમ અને નિયાઝ ઝમાન એ બે પ્રાધ્યાપિકાઓએ એનું સંપાદન કર્યું છે.

જે દેશમાં ઉગ્ર કે પરંપરાખંડન કરતા વિચારો માટે એક લેખિકાના માથા માટે ઇનામની ઘોષણાઓ કરવામાં આવે અને સરકાર પણ એની ધરપકડ માટે બિનજામીનલાયક વૉરન્ટ બહાર પાડે તે દેશમાં વિચારોની સ્વતંત્રતા માટેના આવા પ્રયત્નો પણ થાય છે, તે કાળાં ડિબાંગ વાદળોની સોનેરી કિનારી જેમ ઝલકે છે.

‘ઇનફિનેટ વેરાયટી’ આમ તો શેક્સપિયરે ક્લિઓપેટ્રાના સૌન્દર્યની અનંત રૂપછવિઓ અંગે પ્રયોજેલ વિશેષણ છે, જેને, જે અનંત વૈવિધ્યને કોઈ રૂઢિ છીનવી શકવાની નથી. અહીં એ શીર્ષક નારીવિષયક લેખો માટે એકદમ બંધબેસતું થઈ જાય છે – ક્લિયોપેટ્રા વિષે જે કહેવાયું છે, તે નારીજાતિ માટે, એનાં અનંત વૈવિધ્યો વિષે કહી શકાય એમ છે – એવો સંકેત એમાં છે.

તેમાં અધ્યયનપરક લેખો ઉપરાંત કથાલેખિકાઓની વાર્તાઓ છે, અને છે – તસલિમાની કવિતાઓ પણ – જે કવિતાઓમાં વેધક અને વ્યંગ્યપ્રધાન વિદ્રોહી સ્વર છે. બાંગ્લાદેશની આ લેખિકાઓ છે અને વાર્તાઓ મૂળ બંગાળીમાં છે. પુસ્તકમાં મૂળ બંગાળી અંગ્રેજી અનુવાદ સાથે છે. તેમાંથી એક વાર્તા વિષે થોડી વાત કરવાનો અહીં લોભ થયો છે. બંગાળી વાર્તાનું શીર્ષક તો છે – ‘અરંધન’ અરંધન એટલે ન રાંધવું તે. અંગ્રેજી શીર્ષક છે : Radha Will Not cook Today (રાધા આજે નહીં રાંધે). વાર્તાની શરૂઆત આમ થાય છે :

રાત પૂરી થઈ, સવાર થવામાં છે, મૃદુ-મંદ પવન વહી રહ્યો છે, અને રાધા પથારીમાં પડ્યે પડ્યે શેફાલીનાં ફૂલોની સુગંધ શ્વાસમાં ભરી રહી છે. કાલે રાત્રે પતિ, સાસુ કે નણંદ સાથે કોઈ વાદવિવાદ કે ઝઘડો થયાં નહોતાં. એનું શરીર પણ સારું છે, બીજા કોઈ પ્રકારનો થાક પણ નથી, વરસાદ જેવું પણ નથી, આકાશ સ્વચ્છ છે – એકદમ ભૂરું. રાધાનો એકમાત્ર દીકરો શોધન પણ એકદમ તંદુરસ્ત છે. પતિ અને પુત્ર બાજુમાં સૂતા છે, તેમ છતાં રાધા એકાએક નિર્ણય કરે છે કે આજે તે રાંધશે નહીં. બસ રાંધશે નહીં એટલે નહીં રાંધે.

સૂરજને કહે છે, જરા મોડો ઊગજે, મારે જરા હજી ઊંઘવું છે. પંખીઓને કહે છે – તમે આજે ગીતો ગાતાં રહો, મારે સૂતાં સૂતાં નિરાંતે સાંભળવાં છે. વાદળાંને કહે છે – તમે સૂર્યને ઢાંકી રાખો, શેફાલીને કહે છે, તું કરમાતી નહિ – અને જાણે બધાં એની વાત માને છે. અને રાધા નિરાંતે સૂતેલી રહે છે –

અને બીજી બાજુ ઘરમાં તો હો… હા થઈ ગઈ. બધાં જાગ્યાં છે, પણ રાધા તો સૂતેલી છે. પતિને નાસ્તો કરી માર્કેટમાં જવાનું છે, નાની નણંદીને તૈયાર થઈને નિશાળે જવાનું છે, માળા પૂરી કર્યા પછી સાસુજીને નાસ્તો લેવાનો છે, બધાં રાહ જુએ છે અને રાધા તો હજી પથારીમાં છે. રાધા આજે નહીં રાંધે તે નહીં જ રાંધે. રાધા બસ નહીં રાંધે.

બસ પછી તો ઘરમાં ધમાલ ધમાલ. શું થયું છે રાધાને? કેમ બધાં આજે ભૂખ્યાં રહેશે? સમજાતું નથી એને શું થયું છે? સાસુ, નણંદ અને પતિ બધાં ઉપરતળે થઈ રહ્યાં છે અને આજે રાધા તો આંખ પણ ઊંચી કરતી નથી. જેને જે કરવું હોય તે કરે – પછી તો એ નિરાંતે ઊઠે છે, ઘડો લઈ પુકુરે જાય છે – સાસુ પ્રશ્ન કરે છે – મારો છોકરો ભૂખ્યો કામ પર જશે? પણ રાધા તો જવાબ જ આપતી નથી. સાસુ ગુસ્સે થાય છે. સાસુની બૂમોથી લોકો ભેગા થઈ જાય છે. પણ રાધાને તો કશાની પડી નથી. એ તો પાણીમાંની માછલીઓ સાથે ગોષ્ઠિ ચલાવે છે. આ બાજુ પતિ, સાસુ, નણંદનો પારો ચઢતો જાય છે પણ રાધા તો બસ હસ્યા કરે છે. આજે રાધા નહીં રાંધે, તે નહીં રાંધે.

વાત આ ક્રમે ચાલતી રહે છે. જૂની ‘વિદ્યાસાગરીય સાધુ’ વાર્તા બંગાળી શૈલીમાં લખાઈ છે. પણ વાર્તામાં જે અંતર્હિત છે, તે તો છે નારીની મુક્તિની વાત, નારીના વિદ્રોહની વાત, જે એકદમ જુદી રીતે કહેવાઈ છે. રાધા આજે નહીં રાંધે – એવા રાધાના સંકલ્પમાં નારીનો રોજેરોજના માની લીધેલી કર્તવ્યપરાયણતાનો સૂક્ષ્મ વિરોધ છે. રાધાને કોઈક દિવસ એવું થાય કે આજે મારે મારા મનની ઇચ્છા પ્રમાણે જીવવું છે – તો એ દિવસે ઘરની વ્યવસ્થા તૂટી પડે છે. ‘રાંધવું’ એ સ્ત્રીના સમાજે એના પર થોપેલાં બધાં ‘કર્તવ્યો’નું પ્રતીક ક્રિયાપદ છે. રાધાનું ઘરમાં હોવું એ દિવસે સમજાય છે, જે દિવસે એ ન રાંધવાનો સંકલ્પ કરે છે. રાધા એટલે કે સ્ત્રી, નારી – સૌ એની પાસેથી અપેક્ષા રાખે, પણ એને પોતાના ‘મન’ જેવું કશું નહિ? કેમ કોઈ એ વિષે સમાજમાં, પરિવારમાં વિચારતું નથી? અરે, નારી પોતે પણ એ વિષે ક્યાં વિચારે છે? નારી પોતે પણ પ્રાપ્તસ્થિતિજડ છે. એટલે ક્યાંક આ વાર્તાની લેખિકા પૂરબી બસુ સૌને નારીની અસ્મિતા વિષે વિચારવા આ ફૅન્ટસીપ્રવણ વાર્તાસ્વરૂપ દ્વારા ઝકઝોરે છે.

પૂરબી બસુ બાંગ્લાદેશની લેખિકા છે. ‘નારી સુમિ નિત્ય’ એ નામે તેમના વાર્તાસંગ્રહમાં નારીવાદી અભિગમથી લખાયેલી વાર્તાઓ છે. ‘રાધા આજે નહીં રાંધે’ રચના નારી-મનને, નારી-અધિકારને, નારી કર્તવ્યને જુદી રીતે જોવાની દૃષ્ટિ વાર્તાકળાની શરતો પાળીને આપે છે.

૨૬-૬-૯૪