સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પૂજાલાલ/મરજીવિયા

From Ekatra Wiki
Revision as of 11:46, 3 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> સમુદ્ર ભણી ઊપડ્યા કમરને કસી રંગથી અટંક મરજીવિયા, ડગ ભરંત ઉત્સાહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સમુદ્ર ભણી ઊપડ્યા કમરને કસી રંગથી
અટંક મરજીવિયા, ડગ ભરંત ઉત્સાહનાં;
પ્રદીપ્ત નયનો; અથાગ બળ ઊભરે અંગથી;
મહાર્ણવ તણી દિશા પર ઠરી બધી ચાહના.
ડર્યાં પ્રિયજનો, બધાં સજલનેત્રા આડાં ફર્યાં,
શિખામણ દીધી ‘વૃથા જીવન વેડફો કાં ભલા!
કહીંથી વળગી વિનાશકર આંધળી આ બલા!’
પરંતુ દૃઢનિશ્ચયી નહિ જ એમ વાર્યા વર્યા.
ગયા ગર્જતા અફાટ વિકરાલ રત્નાકરે,
તરંગ ગિરિમાળ શા ઊછળતા ઉરે આથડયા;
હઠ્યા ન લવ તોય, સાહસિક સર્વ કૂદી પડ્યા
અગાધ જળમાં, પ્રવેશ કીધ કાળને ગહ્વરે.
ખૂંદ્યાં અતળનાં તમોમય તળો, અને પામિયા
અખૂટ અણમોલ કોશ, લઈ બ્હાર એ આવિયા.



[‘પારિજાત’ પુસ્તક]