કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૩૬. કોને ખબર

Revision as of 07:30, 13 September 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૬. કોને ખબર|રમેશ પારેખ}} <poem> ::::પાંદડું કેવી રીતે પીળું થયું,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૬. કોને ખબર

રમેશ પારેખ

પાંદડું કેવી રીતે પીળું થયું, કોને ખબર?
એટલે કે ઝાડમાંથી શું ગયું, કોને ખબર?

શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું, કોને ખબર?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું, કોને ખબર?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત
ને સવારે આંખમાંથી શું વહ્યું, કોને ખબર?

માછલીએ એકદા જળને પૂછ્યુંઃ તું કોણ છે?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર?

૧૯-૪-’૮૦/શનિ
(છ અક્ષરનું નામ, પૃ. ૩૩૭)